
અમેરિકામાં માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાને પદ્મ ભુષણથી કરાયા સન્માનિત
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભુષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે નડેલાએ કહ્યું કે ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ મેળવવો એ સન્માનની વાત છે. સત્ય નાડેલાએ કહ્યું કે તેઓ સમગ્ર ભારતમાં લોકો સાથે કામ કરવા માંગે છે જેનાથી તેઓ વધુ ઉપલબ્ધિ મેળવી શકે અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સલ જનરલ ડો. ટીવી નાગેન્દ્ર પ્રસાદે ગયા અઠવાડિયે નડેલાને ઔપચારિક રીતે સન્માન અર્પણ કર્યું હતું.
માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ અને સ્ટીવ બાલ્મર પછી સત્ય નડેલા માઈક્રોસોફ્ટના ત્રીજા સીઈઓ છે. માઈક્રોસોફ્ટના ક્લાઉડ બિઝનેસમાં ક્રાંતિ લાવવાનો શ્રેય સત્ય નડેલાને જાય છે. આ સાથે સત્ય નડેલાને એમેઝોનને હરાવીને અબજો ડોલરનો યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનો કોન્ટ્રાક્ટ જીતવાનો શ્રેય પણ જાય છે. હૈદરાબાદમાં જન્મેલા સત્ય નડેલાને 2014ની શરૂઆતમાં માઇક્રોસોફ્ટના સીઇઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે 2021માં નડેલાને કંપનીના ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસરે સત્ય નડેલાને અન્ય આઇટી દિગ્ગજ ટાટા સન્સના સીઇઓ નટરાજન ચંદ્રશેખરન અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇ સાથે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જાન્યુઆરીમાં ભારત આવશે નડેલા
55 વર્ષીય નડેલાએ કહ્યું કે તેઓ આવતા વર્ષે જાન્યુઆરી 2023માં ભારતની મુલાકાત લેશે. પદ્મ ભૂષણ પ્રાપ્ત કરવા પર, નડેલાએ કહ્યું, "પદ્મ ભૂષણ મેળવવું અને ઘણા અસાધારણ લોકો સાથે ઓળખાણ મેળવવી એ ગર્વની વાત છે. હું રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ભારતના લોકોનો આભારી છું. હું ભારતભરના લોકો સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સુક છું જેથી તેઓને વધુ સિદ્ધિઓ મેળવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ મળે.' નડેલા અને ડૉ. પ્રસાદે ભારતમાં સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં ડિજિટલ ટેક્નોલોજીની મહત્વની ભૂમિકા વિશે ચર્ચા કરી. આ બેઠક બાદ નડેલાએ કહ્યું, 'આવતો દાયકો ડિજિટલ ટેક્નોલોજીનો હશે. ભારતીય ઉદ્યોગો અને તમામ પ્રકારના સંગઠનો ટેક્નોલોજી તરફ વળ્યા છે જે નવીનતા, સમજદારી અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપશે.'