મુંબઇ: બેહરમપાડા વિસ્તારમાં લાગી આગ, 12 વોટર ટેન્કર ઘટનાસ્થળે
મુંબઇના બાંદ્રા રેલ્વે સ્ટેશન નજીક બેહરમપાડામાં ગુરૂવારે સાંજે ભીષણ આગ લાગી હતી. આગ લાગતાં ઘટનાસ્થળે નાસભાગ થઇ ગઇ હતી. આગ પર કાબૂ મેળવવા માટે 16 ફાયર એન્જિન અને 12 વોટર ટેન્કર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ ઓલવવાના પ્રયત્નો સતત ચાલુ છે. કેટલાક ઉપરી અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. આગને કારણે હજુ જાનમાલને કેટલું નુકસાન થયું છે, એ જાણી નથી શકાયું. ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, અમે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, પરંતુ આગ હજુ સુધી ઓલવાઇ નથી.
ઉપલબ્ધ જાણકારી અનુસાર, બાંદ્રા પાસે ઝૂંપડપટ્ટીનો વિસ્તારમાં આગ લાગી છે. પશ્ચિમી રેલવે પીએરઓ એ જણાવ્યું હતું કે, બાંદ્રા સ્ટેશનની તમામ લાઇનો ચાલુ છે. સ્ટેશનના પેડેસ્ટ્રિયન બ્રિજ સુધી આગ ફેલાવાને કારણે બ્રિજનો એક ભાગ પણ તૂટી પડ્યો હોવાના સમાચાર છે. આગ લાગવાને કારણે ટ્રેનોની અવર-જવર પર કોઇ અસર નથી થઇ. બપોરે 3.45 કલાકે બેહરામપાડા વિસ્તારમાં આગ લાગી હતી. આગ લાગવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી. મિડ-ડે અનુસાર, બપોરે આ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી દરમિયાન ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હતી.