નાગાર્જૂન સાગર બંધ વિવાદમાં કેન્દ્રનો હસ્તક્ષેપ, જાણો 29 નવેમ્બરની રાતે શું થયુ હતુ?
Nagaarjun Sagar dam Issue: કૃષ્ણા નદી પર સ્થિત નાગાર્જુન સાગર ડેમને લઈને આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. બગડતી પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે બંધને કંટ્રોલ કરી લીધો છે અને ત્યાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) તૈનાત કરી દીધી છે.
કેન્દ્રએ બંને રાજ્યોને 28 નવેમ્બર સુધી નાગાર્જુન સાગરમાંથી છોડવામાં આવેલ પાણી પરત કરવાની અપીલ કરી છે. વધુ સંઘર્ષ ટાળવા માટે, CRPF ડેમ પર નજર રાખશે અને ખાતરી કરશે કે બંને પક્ષોને કરાર મુજબ પાણી મળી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ વીડિયો કૉન્ફરન્સ દ્વારા તેલંગાણા અને આંધ્રપ્રદેશને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બંને રાજ્યો આ પ્રસ્તાવ માટે સંમત પણ થયા છે. 2014માં તેલંગાણા આંધ્રપ્રદેશથી અલગ થઈને અલગ રાજ્ય બન્યું ત્યારથી જ બંને રાજ્યો વચ્ચે નાગાર્જુનસાગર ડેમને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. એક દિવસ પહેલા, 29 નવેમ્બરના રોજ, જ્યારે મોટાભાગના અધિકારીઓ અને પોલીસ દળો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત હતા, ત્યારે આંધ્રપ્રદેશે ડેમના અડધા ભાગનો કબજો મેળવી લીધો હતો. આંધ્રપ્રદેશના 400 જેટલા પોલીસકર્મીઓ અડધી રાત્રે ડેમ પર પહોંચ્યા હતા અને જમણી નહેર ખોલી લગભગ 500 ક્યુસેક પાણી છોડ્યું હતું.
જ્યારે તેલંગાણાના અધિકારીઓ અને કેટલાક નાલગોંડા પોલીસકર્મીઓ ડેમ પર પહોંચ્યા ત્યારે તેઓએ આંધ્રપ્રદેશના અધિકારીઓ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે ત્યાંના અધિકારીઓએ આગ્રહ કર્યો કે તેઓ તેમની સરકારની સૂચનાઓનું પાલન કરી રહ્યા છે, ત્યારે તેલંગાણાના અધિકારીઓએ પીછેહઠ કરી. આ પછી બંને રાજ્યો વચ્ચે વિવાદ વધ્યો.
30 નવેમ્બરના રોજ, આંધ્ર પ્રદેશના સિંચાઈ મંત્રી અંબાતી રામબાબુએ ટ્વિટર પર લખ્યું, "પીવાના પાણીની જરૂરિયાત માટે, નાગાર્જુનસાગરની જમણી નહેરમાંથી આજે પાણી છોડવામાં આવશે!"
અંબાતી રામબાબુનું કહેવું છે કે તેમણે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે થયેલા કરાર મુજબ એટલું જ પાણી લીધું છે જે તેમનો અધિકાર છે. તેમણે કહ્યું, "અમે કોઈપણ કરારનું ઉલ્લંઘન કર્યું નથી. કૃષ્ણા નદીનું 66% પાણી આંધ્રપ્રદેશનું છે અને 34% તેલંગાણાનું છે. જે પાણી અમારુ નથી, એના એક ટીપાંનો પણ અમે ઉપયોગ નથી કર્યો. અમે પોતાના વિસ્તારમાં પોતાની નહેર ખોલવાની કોશિશ કરી. આ પાણી ખરા અર્થમાં અમારુ છે."
તેલંગાણાના અધિકારીઓનું કહેવું છે કે ત્રણ વર્ષ પહેલા એપી દ્વારા આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે સફળ થયો ન હતો. અધિકારીઓનું કહેવું છે કે એપી સરકારે 10,000 ક્યુસેક પાણી છોડ્યું છે. આંધ્ર પ્રદેશે ડેમ પર રેગ્યુલેટર ગેટ માટે અલગ પાવર લાઈનો લગાવી હતી. અધિકારીઓનું કહેવું છે કે આંધ્રપ્રદેશ પહેલાથી જ ડેમને કબજે કરીને પાણી છોડવાની યોજના બનાવી રહ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે ડેમને કબજે કરવા માટે, આંધ્ર પ્રદેશ સત્તાવાળાઓએ સીસીટીવી કેમેરા તેમજ ડેમ પરના ઓટોમેટિક એન્ટ્રી ગેટને પણ નુકસાન પહોંચાડ્યું છે.
નાગાર્જુનસાગર ડેમ શું છે?
નાગાર્જુનસાગર ડેમ નાલગોંડા જિલ્લામાં કૃષ્ણા નદી પર સ્થિત છે. તે વિશ્વનો સૌથી મોટો ચણતર બંધ છે. તેની ઊંચાઈ 124.663 મીટર છે અને તેમાં 26 દરવાજા છે. આ ડેમમાં અંદાજે 11,472 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે અને તે 9.81 લાખ એકર જમીનને સિંચાઈ કરી શકે છે.
આ ડેમ 16 કિલોમીટર લાંબો છે અને મુખ્ય પ્રવાસીઓનું આકર્ષણ પણ છે. નાગાર્જુનસાગર ડેમ એ હરિયાળી ક્રાંતિના તત્વ તરીકે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રથમ સિંચાઈ યોજનાઓમાંની એક છે. સિંચાઈની સુવિધા પૂરી પાડવા ઉપરાંત, આ ડેમ હાઈડ્રો-ઈલેક્ટ્રીસીટીનો સ્ત્રોત પણ છે.












Click it and Unblock the Notifications
