નરેન્દ્ર મોદી કર્ણાટકમાં એક જ સભા સંબોધી શકે

રાજ્યના ભાજપ એકમના અધ્યક્ષ પ્રહલાદ જોશીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી રવિવારે શહેરમાં એક જનસભા સંબોધિત કરશે. પત્રકારોએ જ્યારે એવું પૂછ્યું કે પાર્ટીના પ્રચાર માટે નરેન્દ્ર મોદીની સંપૂર્ણ સેવાઓનો લાભ શા માટે લેવામાં આવી રહ્યો નથી ત્યારે જોશીએ જણાવ્યું કે કર્ણાટકમાં ચૂંટણી પ્રચારની બાકીની તારીખો અંગે તેઓ મોદી સાથે ચર્ચા કરશે.
જો કે કર્ણાટક ભાજપના સૂત્રોનું કહેવું છે કે રવિવારે નેશનલ કોલેજ ગ્રાઉન્ડમાં યોજાનારી રેલી ઉપરાંત નરેન્દ્ર મોદીના કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં વધારે સમય આપે તેવી શક્યતા ઓછી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ રાજ્યમાં પહેલા જ પ્રચાર કરી ચૂક્યા છે.
રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ પાર્ટીની ચૂંટણી રણનીતિ અને ઘોષણાપત્ર તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેટલાક વિસ્તારોમાં એ બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પ્રચારમાં અડવાણીની ભૂમિકા કેટલી રહેશે. કારણ કે કર્ણાટક ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓની માગ છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિસ્તારમાં પ્રચાર કરે.
કેટલાક પાર્ટી અધિકારીઓનું માનવું છે કે નરેન્દ્ર મોદી કર્ણાટકમાં પ્રચંડ પ્રચાર કરવાથી દૂર રહ્યા છે કારણ કે રાજ્યમાં પાર્ટીની સ્થિતિ બહુ સારી ગણવામાં આવી રહી નથી. છેલ્લા પાંચ વર્ષના શાસનમાં અનેક કૌભાંડો, પ્રકરણો અને પાર્ટીમાં આંતરકલેહને કારણે પાર્ટીએ વિરોધ પક્ષના અનેક આક્ષેપોનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં જો મોદી વધારે પ્રચાર કરશે તો રાજ્યમાં પાર્ટીની સંભવિત હારની અસર તેમની છબી ઉપર પડી શકે છે. આ કારણે તેઓ વ્યાપક ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા છે.












Click it and Unblock the Notifications
