હું વડાપ્રધાન બનવાનું સપનું જોતો નથી: નિતિશ

નવી દિલ્હીમાં આયોજીત એક સંમેલનમાં વડાપ્રધાન પદને લઇને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નિતિશ કુમારે સ્પષ્ટપણે કહ્યું હતું કે હું વડાપ્રધાન બનવાનું સપનું જોતો નથી. હાલનું રાજકારણ ગઠબંધન આધારિત છે અને આ ચાલુ રહેશે. એક પાર્ટીની સરકાર બનશે નહી અને વડાપ્રધાન પદની જવાબદારી કોઇ મોટા દળે સંભાળવી જોઇએ.
એક તરફ જ્યાં ભાજપમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની વાત થઇ રહી છે, તો બીજી તરફ કોંગ્રેસમાં રાહુલ ગાંધી નામને લઇને ચર્ચા થઇ રહી છે. સપા નેતા મુલયમ સિંહ યાદવે પણ વડાપ્રધાન પદની દાવેદારીના સંકેત આપતાં કહ્યું હતું કે કેન્દ્રમાં તેમને કોંગ્રેસની જરૂર પડશે કાં તો કોંગ્રેસને તેમની. જો કે નિતિશ કુમારે કહ્યું હતું કે હજુ સુધી કોઇપણ પક્ષે વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરી નથી, માટે હાલમાં ચર્ચાની કોઇ જરૂર નથી.
નિતિશ કુમારે કહ્યું હતું કે વડાપ્રધાનનું પદ મહત્વપુર્ણ છે. જે નેતા હોય તે આ પદની જવાબદારી સંભાળે. બીજા કોઇને સોંપવામાં ન આવે. અત્રે ઉલ્લેખનીય છે કે 2004માં કોંગ્રેસ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં જીતીને આવી હતી પરંતુ જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં યૂપીએ સરકારનું ગઠન થયું તો વડાપ્રધાનની જવાબદારી મનમોહન સિંહને સોંપવામાં આવી.
નિતિશ કુમારે કહ્યું હતું કે તે વ્યક્તિગત રીતે મનમોહન સિંહની ઇજ્જત કરે છે અને તે એકદમ લાયક વ્યક્તિ છે પરંતુ તેમનું સ્પષ્ટપણે માનવું છે કે કોઇ નામિત વ્યક્તિને વડાપ્રધાન જેવા મહત્વપુર્ણ પદની જવાબદારી સોંપવામાં ન આવે.












Click it and Unblock the Notifications
