Nipah Virus : કેરળમાં નિપાહ વાયરસથી બે લોકોના મોત, કેન્દ્ર સરકારે પૃષ્ટિ કરી
કોરોના મહામારી માંડ ટળી છે ત્યાં હવે ભારતમાં ફરીથી નિપાહ વાયરસે દેખા દીધી છે. અહેવાલો અનુસાર, કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસથી બે લોકોના મોત થયા હોવાની કેન્દ્ર સરકારે પૃષ્ટિ કરી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા જણાવ્યુ કે, કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસથી બે લોકોના મોત થયા છે. કોઝિકોડ જિલ્લામાં આ બન્ને લોકોના મોત બાદ રાજ્ય સરકારે નમૂના પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં તપાસ માટે મોકલ્યા છે.

આ સેમ્પલ મૃતકો નિપાહ વાયરસથી સંક્રમિત છે કે નહીં તે જાણવા માટે મોકલાયા છે. કુલ પાંચ સેમ્પલમાંથી એ મૃતકના હતા અને ચાર તેના સંબંધીઓના હતા. આ સિવાય રાજ્યના આરોગ્ય વિભાગે બે લોકોના મોત બાદ એલર્ટ જાહેર કર્યું છે.
બીજી તરફ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મંગળવારે ફેસબુક પર લખ્યુ કે, સરકાર બે લોકોના મોતને ગંભીરતાથી લઈ રહી છે. આરોગ્ય વિભાગે આ મૃત્યુના કારણ તરીકે નિપાહ વાયરસ સંક્રમણની શંકા સાથે જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે.
આ મોત બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયુ છે. આ ક્રમમાં જ વીણા જ્યોર્જ કોઝિકોડ પહોંચ્યા હતા. તેમણે સ્થિતિનું મૂલ્યાંકન કરવા એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. તેમણે કહ્યું કે, સરકાર તમામ સાવચેતીના પગલાં લઈ રહી છે.
તેમણે કહ્યું કે, પ્રથમ મૃત્યુ ખાનગી હોસ્પિટલમાં થયું હતું. મૃતકના બાળકો, ભાઈ અને તેના સંબંધીઓને તાવ હોવાથી સારવાર આપવામાં આવી રહી છે. ઘણા લોકો હોસ્પિટલમાં આવ્યા હતા અને મૃતક અથવા તેના પરિવારના સંપર્કમાં આવેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે.
જણાવી દઈએ કે, 2018 અને 2021માં કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના કારણે મૃત્યુના કેસ નોંધાયા હતા. દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસનો પ્રથમ કેસ કોઝિકોડમાં 19 મે 2018ના રોજ નોંધાયો હતો.












Click it and Unblock the Notifications
