ફિલ્મ 'પદ્માવતી' પર વિવાદ ધીરે-ધીરે વધતો જાય છે. ફિલ્મના શૂટિંગ સમયથી ચાલુ થયેલ આ વિવાદ હજુ પણ શમ્યો નથી. કરણી સેના અને રાજપૂતો દ્વારા રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પણ આ ફિલ્મનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. એવામાં ફિલ્મમાં પદ્માવતીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દીપિકા પાદુકોણે આ અંગે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, અમારી જવાબદારી સેન્સર બોર્ડ તરફ છે. તેમણે આ ફિલ્મ પાસ કરી છે. મારો વિશ્વાસ છે કે, હવે આ ફિલ્મના રિલીઝ થતાં કોઇ નહીં રોકી શકે. ફિલ્મનો જે રીતે વિરોધ થઇ રહ્યો છે, એ અંગે પણ સવાલ કરતાં તેણે કહ્યું કે, આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ મુદ્દા પર એકજૂટ છે, એ જ દર્શાવે છે કે આ માત્ર 'પદ્માવતી' ફિલ્મ અંગેની જ વાત નથી. અમે આનાથી પણ મોટી લડાઇ લડી રહ્યાં છીએ.
દીપિકા પાદુકોણનું નિવેદન
દીપિકાએ આગળ કહ્યું કે, આ ફિલ્મનો જે રીતે વિરોધ થઇ રહ્યો છે, તે ખૂબ ડરામણું છે અને નિઃસંદેહ ભયભીત કરનારું છે. આપણે પોતાને પ્રશ્ન કરવો જોઇએ કે, આપણે પોતાનો કેવા બનાવ્યા છે? એક દેશ તરીકે આપણે ક્યાં પહોંચ્યા છીએ? ફિલ્મ અંગે વાત કરતાં તેણે આગળ કહ્યું કે, ફિલ્મમાં બે મોટા અભિનેતાઓ હોવા છતાં ફિલ્મમાં મુખ્ય પાત્ર અભિનેત્રીનું હોય, એવું બહુ ઓછું જોવા મળે છે. એક મહિલા તરીકે આ ફિલ્મનો ભાગ બનીને હું ખૂબ ગર્વ અનુભવું છું. આ ફિલ્મમાં એ જ બતાવવામાં આવ્યું છે, જે બતાવવું જોઇએ.
સંજય લીલા ભણસાલીનો વીડિયો
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ પણ ફિલ્મ અંગે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, મેં આ ફિલ્મ ખૂબ પ્રમાણિકતા અને મહેનત સાથે બનાવી છે. ફિલ્મમાં પદ્માવતી અને અલ્લાઉદ્દીન ખીલજીનું પાત્ર ભજવતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વચ્ચે એવો કોઇ પણ પ્રકારનો સિન કે ડ્રીમ સિક્વન્સ નથી, જેનાથી કોઇની પણ ભાવના દુભાય. આ ફિલ્મમાં રાજપૂતોની માન-મર્યાદાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.
રાજપૂતોનો વિરોધ યથાવત
આમ છતાં પણ કરણી સેના તરફથી ફિલ્મનો વિરોધ ચાલુ જ છે. આ વીડિયો બાદ પણ રવિવારે કરણી સેના દ્વારા ગાંધીનગરમાં એક મહાસંમેલન કરી ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમણે દાવો પણ કર્યો હતો કે, તેઓ 1 ડિસેમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ નહીં થવા દે. આ ઉપરાંત સુરતમાં પણ રાજપૂતો, વિશ્વ હુંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિશાળ રેલી કાઢી આ ફિલ્મનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો.