શરદ પવારઃ PM મોદી ઈચ્છતા હતા અમે સાથે મળીને કામ કરીએ, પરંતુ મે પ્રસ્તાવ ઠુકરાવી દીધો
શિવસેના-કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનની મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ એનસીપી ચીફ શરદ પવારે પોતાના પીએમ સાથે થયેલી મુલાકાત વિશે મોટો ખુલાસો કર્યો છે. શરદ પવારે દાવો કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ તેમણે પ્રસ્તાવ ઠુકરાવી દીધો. પવારે સોમવારે એક મરાઠી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ દાવો કર્યો.

સુપ્રિયા સુલેને મંત્રી પદ કર્યુ હતુ ઑફર
શરદ પવારે એક મરાઠી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ સાથે થયેલી મુલાકાત પર ખુલીને વાત કરી. પવારે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદીએ સાથે આવીને કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. મે તેમને કહ્યુ હતુ કે આપણા વ્યક્તિગત સંબંધો બહુ સારા છે અને તે હંમેશા રહેશે પરંતુ મારા માટે સાથે મળીને કામ કરવુ સંભવ નથી. તેમણે કહ્યુ કે પીએમ મોદીએ દીકરી સુપ્રિયા સુલેને કેબિનેટ મંત્રી બનાવવાનો પણ પ્ર્તાવ રાખ્યો હતો. શરદ પવારે કહ્યુ કે પીએમ મોદીનો પ્રસ્તાવ મે ફગાવી દીધો હતો.

અડધી રાતની સરકાર પર ખુલીને બોલ્યા
મહારાષ્ટ્રમાં સરકાર રચના વિશે ચાલી રહેલા ઘટનાક્રમ દરમિયાન શરદ પવારે ગયા મહિને મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી ઘણા પ્રસંગે પવારની પ્રશંસા કરી ચૂક્યા છે. થોડા દિવસો અગાઉ પીએમ મોદીએ કહ્યુ હતુ કે સંસદીય નિયમોનુ પાલન કેવી રીતે કરવામાં આવે છએ એ વિશે બધા પક્ષોએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)પાસેથી શીખવુ જોઈએ. શરદ પવારે અડધી રાતે થયેલા શપથ પર કહ્યુ કે 28 નવેમ્બરે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા તો એ સમયે અજિત પવારને શપથ નહિ અપાવવાનો નિર્ણય સમજી વિચારીને લેવામાં આવ્યો હતો.

અજિત પવારના નિર્ણયમાં મારી સંમતિ નહોતી
પવારે કહ્યુ, જ્યારે મને અજિતના (દેવેન્દ્ર ફડણવીસને આપેલ) સમર્થન વિશે ખબર પડી તો સૌથી પહેલા મે ઠાકરેનો સંપર્ક કર્યો. મે તેમને જણાવ્યુ કે જે થયુ તે યોગ્ય નથી થયુ અને તેમને ભરોસો આપ્યો કે હું અજિતની બગાવતને દબાવી દઈશ. તેમણે કહ્યુ, જ્યારે એનસીપીમાં બધાને ખબર પડી કે અજિતના પગલાંને મારુ સમર્થન નથી તો જે પાંચ-દસ (ધારાસભ્ય) તેમના (અજિત) સાથે હતા,તેમના પર દબાણ વધી ગયુ.

અજિતે જે કર્યુ તે માફીને યોગ્ય નથી
શરદ પવારે કહ્યુ કે તેમને ખબર નથી કે (પવાર) પરિવારમાં શું કોઈએ (અજિત પવાર સાથે ફડણવીસને સમર્થન આપવા માટે તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે) વાત કરી હતી, પરંતુ પરિવારના બધાનુ માનવુ હતુ કે અજિતે જે કર્યુ તે ખોટુ હતુ. તેમણે કહ્યુ, બાદમાં મે તેમને કહ્યુ કે જે કંઈ પણ થયુ તે માફઈને યોગ્ય નથી. જે કોઈ પણ આવુ કરશે તેમને પરિણામ ભોગવવુ પડશે અને તમે અપવાદ નથી. તેમણે કહ્યુ, મારી સાથે પાર્ટીમાં એક મોટો હિસ્સો છે, મારામાં આસ્થા છે. તે મારો સાથ આપશે.