
પશ્ચિમ બંગાળ ચૂંટણીઃ પીએમ મોદીની આજે પુરુલિયામાં રેલી, BJPએ બદલી પોતાની રણનીતિ
કોલકત્તાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે પશ્ચિમ બંગાળ અને આસામમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. પીએ નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પુરુલિયામાં આજે એક રેલી કરવાના છે જે માટે ભાજપે પોતાની રણનીતિ બદલી છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના નંદીગ્રામમાં ઘાયલ થયા બાદ પીએમ મોદીની આજે બંગાળમાં પહેલી ચૂંટણી સભા છે. એવામાં ભાજપે પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પીએમ મોદી આજની રેલીમાં મમતા બેનર્જી પર હુમલો નહિ કરે. પીએમ મોદી આજે આસામના કરીમગંજમાં પણ રેલી કરશે. પીએમ મોદીએ આ પહેલા કહ્યુ હતુ કે પશ્ચિમ બંગાળની જનતાના મનમાં પરિવર્તની ઈચ્છા જાગી ચૂકી છે.

પુરુલિયામાં જનસભા
પીએમ મોદીએ ગુરુવારે થનારી રેલી માટે ટ્વિટ કર્યુ હતુ. પીએમ મોદીએ લખ્યુ હતુ, 'મને કાલે 18 માર્ચે પશ્ચિમ બંગાળમાં પોતાના ભાઈઓ અને બહેનો વચ્ચે રહેવાનો મોકો મળશે. હું પુરુલિયામાં એક જનસભાને સંબોધિત કરીશ. આખા પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની ઈચ્છા જાગૃત છે. ભાજપના સુશાસનનો એજન્ડા પશ્ચિમ બંગાળના લોકોને ગમી રહ્યો છે.'

મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ
એક અન્ય ટ્વિટમાં પીએમ મોદીએ આસામની રેલી વિશે જણાવ્યુ. પીએમ મોદીએ કહ્યુ, 'હું 18 માર્ચે આસામનો પણ પ્રવાસ કરીશ. હું કરીમગંજમાં ચૂંટણી રેલી દરમિયાન આસામ જેવા મહાન રાજ્યના લોકો વચ્ચે હાજર રહીશ. જેના માટે હું ઘણો ઉત્સુક છુ. છેલ્લા પાંચ વર્ષોમાં આસામની જનતામાં ઘણા સકારાત્મક પરિવર્તન જોવામાં આવ્યા છે. આ વિકાસના એજન્ડાને ચાલુ રાખવા માટે એનડીએને જનતાના આશીર્વાદ જોઈએ.' પીએમ નરેન્દ્ર મોદી આ પહેલા સાત માર્ચે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કોલકત્તા બ્રિગેડ મેદાનમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મમતા બેનર્જી પર જોરદાર નિશાન સાધ્યુ હતુ.

દિલ્લી ભાજપ મુખ્યાલયમાં મોડી રાત સુધી બેઠક
આ પહેલા બુધવારે(17 માર્ચ) દિલ્લી ભાજપ મુખ્યાલયમાં મોડી રાત સુધી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની પશ્ચિમ બંગાળ યુનિટના કોર ગ્રુપ સાથે બેઠક ચાલી. આ પહેલા ભાજપ મુખ્યાલયમાં સીઈસીની બેઠક પણ થઈ હતી. જેમાં પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ અને કૈલાશ વિજયવર્ગીય સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતા હાજર હતા. ભાજપ નેતા બાબુલ સુપ્રિયોએ બેઠકની મીડિયોને માહિતી આપી કે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે બચેલા ઉમેદવારોના નામની ઘોષણા જલ્દી કરી દેવામાં આવશે.