ભરૂચમાં પણ થયો સલમાન ખાનનો વિરોધ, રેલી કાઢી કર્યું પૂતળા દહન
ફિલ્મ અભિનેતા સલમાન ખાને એક ઇન્ટરવ્યુમાં વાલ્મીકિ સમાજ અંગે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કારણે વાલ્મીકિ સમાજના લોકો ખૂબ રોષે ભરાયા છે અને સતત બીજા દિવસે પણ વિવિધ શહેરોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સમાજના લોકોએ સલમાન ખાન વિરુદ્ધ નારેબાજી કરી હતી અને તેનું પૂતળું પણ બાળ્યું હતું. વાલ્મીકિ સમાજે ચેતવણી પણ આપી હતી કે, જ્યાં સુધી સલમાન ખાન સાર્વજનિક રીતે માફી નહીં માંગે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. ભરૂચમાં પણ આ વિરોધના પડઘા જોવા મળ્યા હતા. ભરૂચ વાલ્મિકી સમાજ દ્વારા પણ રેલી કાઢી સલમાન ખાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
તો બીજી બાજુ,રાષ્ટ્રીય દલિત મહાસંઘ ઉત્તર પ્રદેશના બેનર હેઠળ સહારનપુરમાં રવિવારે બપોરે વાલ્મીકિ સમાજના અનેક લોકો મહાનગરપાલિકાના પરિસરમાં એકત્રિત થયા હતા અને ત્યાંથી સલમાન ખાન વિરુદ્ધ નારેબાજી કરતાં ઝુલૂસ કાઢી ઘંટાઘર ચોક પહોંચ્યા હતા. ઘંટાઘર ચોક પર માનવ શ્રૃંખલા બનાવીને જામ કરવામાં આવ્યો હતો અને પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું. મહાસંઘના જિલ્લા અધ્યક્ષ અને અન્ય લોકોએ ચેતવણી આપતાં કહ્યું હતું કે, કોઇ પણ સંજોગોમાં વાલ્મીકિ સમાજનું અપમાન સહન કરવામાં નહીં આવે, કોઇ પણ વ્યક્તિ સમાજનું અપમાન કરશે કે અપશબ્દોનો ઉપયોગ કરે તો એને પાઠ ભણાવવામાં આવશે. જો સલમાન ખાને માફી ન માંગી તો દેશભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વાલ્મીકિ સમાજે ભારત બંધની ચેતવણી પણ આપી હતી.