રાહુલ ગાંધીએ જે મહિલાઓ અને ખેડૂતો સાથે ખેતરમાં કર્યુ હતુ કામ, તેમને હવે દિલ્લી બોલાવીને સાથે કર્યુ ભોજન
Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાથી સતત અલગ અવતારમાં દેખાઈ રહ્યા છે. હાલમાં જ હરિયાણામાં જે મહિલાઓ સાથે રાહુલ ગાંધીએ ખેતરોમાં ડાંગરનું વાવેતર કર્યું હતું. હવે તેમણે સોનિયા ગાંધીના ઘરે ભોજન લીધું હતું.
કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાન (10 જનપથ) પર સોનીપતની ડઝનેક મહિલાઓ સાથે ભોજન કર્યું. વાસ્તવમાં, જ્યારે રાહુલ ગાંધી સોનીપતના મદીના ગામમાં ગયા હતા, ત્યારે તેમણે તમામ લોકોને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપવાનું વચન આપ્યું હતું.

જે પછી મદીના ગામના ખેડૂતો શુક્રવારે દિલ્હી પહોંચ્યા, જ્યાં તેમણે સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે લંચ કર્યું. આ દરમિયાન મહિલાઓએ કહ્યું કે રાહુલ ગાંધીએ અમારી સૂકી રોટલી ખાઈને અને અમને સારું ભોજન આપીને તેમનું વચન પૂરું કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે લંચનો આ સમગ્ર કાર્યક્રમ રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાની મદદથી કરવામાં આવ્યો છે.
તાજેતરમાં, રાહુલ ગાંધી ખેતરની અંદર ડાંગર રોપતા અને ટ્રેક્ટર ચલાવતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે 8 જુલાઈના રોજ રાહુલ ગાંધી અચાનક હરિયાણાના સોનીપતના બરોડા મત વિસ્તારના મદીના ગામમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખેડૂતો સાથે ડાંગરનું વાવેતર કર્યું હતું અને તેમની સાથે ભોજન લીધું હતું.
આ દરમિયાન રાહુલ ગાંધીએ તમામ મહિલાઓ અને ખેડૂતોને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું, ત્યારબાદ ખેડૂતો, મહિલાઓ અને તેમના બાળકો શુક્રવારે દિલ્હી પહોંચ્યા, જ્યાં મહિલાઓએ નિવાસસ્થાનમાં પ્રવેશતા પહેલા ગીતો ગાયાં. રાહુલ ગાંધી સાથે 43 લોકોએ ભોજન લીધું હતું.












Click it and Unblock the Notifications
