બાબા મોં બંઘ રાખી તેમની દુકાન સંભાળે : શંકરાચાર્ય
હરિદ્વાર, 28 એપ્રિલ : બાબા રામદેવે દલિતોને લઇને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અંગે કરેલી ટિપ્પણી પર પોતાનો મત વ્યક્ત કરતા પુરીની ગોવર્ધન પીઠના શંકરાચાર્યએ જણાવ્યું કે 'બાબા રામદેવ ઘાઘરી પહેરીને પહેલા જ સંતોને બહુ જ બદનામ કરી ચૂક્યા છે. હવે તેઓ મોઢું બંધ રાખી પોતાનું કામ કરે તો સારું.'
શંકરાચાર્યએ આ વાત દિલ્હી રામલીલા મેદાનની ઘટનાના સંદર્ભમાં કહી હતી, જ્યારે બાબા રામદેવે પોલીસ કાર્યવાહીથી બચવા માટે મહિલાઓના કપડાં પહેરી લીધા હતા. રાહુલ ગાંધી પર બાબા રામદેવના નિવેદનને અમર્યાદિત અને સંત આચરણની વિરુદ્ધ ગણાવતા શંકરાચાર્ય અધોક્ષાનંદે જણાવ્યું કે સંતમુખ પ્રવચન માટે હોય છે. અશ્લીલ દુર્વચન માટે નહીં.

તેમણે રામદેવ દ્વારા રાહુલ ગાંધી અંગે કરેલી ટિપ્પણીઓની ટીકા કરતા જણાવ્યું કે કોઇ સારી વ્યક્તિ તે બલિદાની નવ યુવાન માટે આવી વાત કરી શકે નહીં. જેણે આ દેશને માટે પોતાના પિતાનો ઓછાયો અને દાદીનું વાત્સલ્ય અને સંરક્ષણ ગુમાવ્યું છે.
શંકરાચાર્યએ વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિશે જણાવ્યું કે મોદી આ દેશની કમાન સંભાળવા અને દેશ ચલાવવાનો વાયદો કરતા ફરી રહ્યા છે. પરંતુ જે વ્યક્તિ પોતાની પત્નીને સાત વચનો આપીને તેને નિભાવી ના શક્યા, તે દેશની જનતાને આપેલા વચનો કેવી રીતે નિભાવશે તેના પર શંકા જાય છે. નરેન્દ્ર મોદી જનતાને ભ્રમિત કરીને સત્તા સુખ ભોગવવાના અભિલાષી છે.
તેમણે જણાવ્યું કે ભાજપના લોકો જનતામાં ભ્રમ ફેલાવે છે અને તેમાં બાબા રામદેવનો પણ સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
