ભ્રષ્ટાચારીએ સામે લાલ આંખ, 700 TRB જવાનોને ઘર ભેગા કરાયા!
અમદાવાદ : ગુજરાત રાજ્યમાં સતત ભ્રષ્ટ્રાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. રાજ્યમાં મોટા ભાગના ખાતાઓમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓથી લોકો સતત હેરાન થઈ રહ્યાં છે. રાજ્યમાં વધતા ભ્રષ્ટાચારના કેસ વચ્ચે હવે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યુ હોવાના સંકેત મળી રહ્યાં છે. મળતી વિગતો અનુસાર અમદાવાદ ટ્રાફિક પોલીસે ભ્રષ્ટાચારને લઈને મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દ્વારા પોલીસ ખાતાએ દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે.
મળતા અહેવાલો મુજબ, અમદાવાદ ટ્રાફિક પોલીસ શહેરમાં ટ્રાફિક નિયમન માટે ટીઆરબી જવાનોની કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરે છે. હવે ટ્રાફિક પોલીસે આવા 700 જેટલા જવાનોને ઘર ભેગા કરવાનો નિર્ણય કર્યો છે. આ જવાનો અમદાવાદમાં વિવિધ જગ્યાએ નોકરી પર હતા અને તેમની સામે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના વિવિધ આરોપો લાગ્યા હતા. આવા આરોપો પર હવે ટ્રાફિક પોલીસ સખત એક્શનમાં આવી છે અને તાત્કાલિક ધોરણે આવા ભ્રષ્ટ કર્મચારીઓને ઘરભેગા કરવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ જેવા મોટા શહેરમાંથી જવાનોને ઘરભેગા કરતા હવે ખાલી પડેલી જગ્યાઓ માટે પણ ટ્રાફિક પોલીસ વિભાગ એક્શનમાં છે. આ જવાનોની ખાલી પડેલી જગ્યા માટે આગામી સમયમાં 700 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે. અહીં તમને જણાવી દઈએ કે ટ્રાફિક પોલીસ ટીઆરબી જવાનોની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરે છે ત્યારે હવે આગામી સમયમાં 3 વર્ષના કોન્ટ્રાક્ટ આધારિત 700 જવાનોની ભરતી કરવામાં આવશે.
એક તરફ વિભાગ એક્શનમાં છે તો બીજી તરફ શહેરમાં ગેરરીતિ અને લોકો સાથે ટીઆરબી જવાનોની ગેરવર્તણુકની ફરિયાદોને ધ્યાનમાં લઈને પણ વિભાગ એક્શનમાં છે. આ માટે હવે નવા ભરતી થનારા તમામ જવાનોને લોકો સાથે સારો અને શાંતિપૂર્ણ વ્યવહાર કરવા તેમજ સિગ્નલને લગતી તમામ માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે.