
પાકિસ્તાનમાં એશિયા કપ રમવા મુદ્દે રોજર બિન્નીનું મોટુ નિવેદન, જાણો શું કહ્યું?
નવી દિલ્હી : ભારત અન પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધો વધારે વણસી ગયા છે અને તેની અસર ક્રિકેટ પર થઈ છે. એક તરફ આઈપીએલમાંથી પાકિસ્તાન ખેલાડીઓની બાદબાકી અને બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમ પણ પાકિસ્તાનનો પ્રવાસ નથી કરી રહી. આ તમામ ઘટનાઓ વચ્ચે હવે એશિયા કપ 2023 ને લઈને વિવાદનો મધપુડો છેડાયો છે. એક તરફ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે પાકિસ્તાન પ્રવાસનો ઈન્કાર કર્યા બાદ પાકિસ્તાન તરફથી પણ T20 વર્લ્ડકપને લઈને ભારત આવવા મુદે નિવેદન આવ્યુ છે. હવે આ તમામ ઘટનાઓ વચ્ચે બીસીસીઆઈ અધ્યક્ષ રોજર બિન્નીનું મહત્વનું નિવેદન આવ્યુ છે.

રોજર બિન્નીએ શું કહ્યું?
તમામ વિવાદો વચ્ચે બીસીસીઆઈના નવા અધ્યક્ષ રોજર બિન્નીએ જણાવ્યુ છે કે, ભારતીય ક્રિકેટ ટીમ ક્યાં દેશમાં રમવા જવુ એનો નિર્ણય અમે ન લઈ શકીએ. ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે એ તમારા હાથમાં નથી. અમે એ ન કહી શકીએ કે ટીમ ક્યાં પ્રવાસે જશે.

સરકારની મંજુરી જરૂરી
રોજર બિન્નીએ જણાવ્યુ કે, અમે ક્યાં રમવા જઈએ છીએ અથવા કોઈ આવે છે તો અમારે સરકારની મંજુરી લેવાની હોય છે. એ વાતનો ફેંસલો અમે ન કરી શકીયે કે, અમે ક્યાં જઈને રમીએ. અમારે સરકાર પર ભરોસો રાખવો પડશે, બન્ને દેશો માટે સરકારને ઠીક લાગશે તે નિર્ણય લેશે. આ પહેલા અનુરાગ ઠાકુરે પણ સરકાર પર છોડવાની વાત કરી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નારાજગી જાહેર કરી ચુક્યુ છે
પાકિસ્તાનમાં એશિયા કપ રમવા ભારતીય ટીમના પ્રવાસને લઈને જય શાહના નિવેદન બાદ પાકિસ્તાન ખફા છે. પાકિસ્તાન બોર્ડે કહ્યું કે, જો એશિયા કપ 2023ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે તો આ ખોટુ છે. 2024થી લઈને 2031 સુધી ભારતમાં આઈસીસીના ઘણા મેચ છે, એમાં પણ પાકિસ્તાન ભારતનો પ્રવાસ નહીં કરે. જો ભારત પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન પણ ભારત નહીં જાય.