કર્ણાટક હિજાબ પ્રતિબંધ પર બંને જજોમાં મતભેદ, SCની મોટી બેંચને મોકલવામાં આવ્યો કેસ
કર્ણાટકમાં શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ બેન હાલમાં ચાલુ રહેશે. કેસની સુનાવણી કરનાર બંને જજોમાં મતભેદ ઉભરીને સામે આવ્યો છે.
Karnataka Hijab Ban: કર્ણાટકમાં શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ બેન હાલમાં ચાલુ રહેશે. કેસની સુનાવણી કરનાર બંને જજોમાં મતભેદ ઉભરીને સામે આવ્યો છે. ખંડપીઠના એક જજ જસ્ટીસ સુધાંશુ ધૂલિયાએ હાઈકોર્ટનો ચૂકાદો પલટવાના પક્ષમાં ચૂકાદો લખ્યો છે. જ્યારે જસ્ટીસ હેમંત ગુપ્તાએ હાઈકોર્ટનો ચૂકાદો જાળવી રાખવાના પક્ષમાં ચૂકાદો સંભળાવ્યો. હવે મોટી બેંચની રચવા કરવા માટે સીજેઆઈને કેસ મોકલવામાં આવી રહ્યો છે.

જસ્ટિસ ધુલિયાએ કહ્યું કે મે કર્ણાટક સરકારના 5 ફેબ્રુઆરીના આદેશને બાજુ પર રાખ્યો છે અને હિજાબ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યુ કે આખો મામલો જોયા પછી મારા મનમાં છોકરીઓના શિક્ષણને લઈને સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું આપણે તેમનુ જીવન સારુ બનાવી રહ્યા છીએ? આ સિવાય મારા મનમાં બીજો પ્રશ્ન હતો કે તે પસંદગીની બાબત છે. જસ્ટિસ ધુલિયાએ કહ્યુ કે હાઈકોર્ટે ખોટો રસ્તો અપનાવ્યો. મે આ બાબતે મારા મતભેદો આદરપૂર્વક વ્યક્ત કર્યા છે. તે માત્ર કલમ 19 અને 25 સંબંધિત મામલો હતો. તમને જણાવી દઈએ કે જસ્ટીસ હેમંત ગુપ્તા અને જસ્ટીસ સુધાંશુ ધૂલિયાની ડિવિઝન બેંચે 10 દિવસની લાંબી સુનાવણી બાદ 22 સપ્ટેમ્બરે તેના પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ડિવિઝન બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી કુલ 23 અરજીઓ પર સુનાવણી કરી હતી.
આ અરજીમાં કર્ણાટક સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યુ છે કે હિજાબ પ્રતિબંધનો નિર્ણય મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવા માટે લેવામાં આવ્યો છે. મુસ્લિમ વિદ્યાર્થીનીઓ તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે હિજાબ પહેરવાથી કોઈ મૂળભૂત અધિકારનુ ઉલ્લંઘન થતુ નથી. એવી દલીલ પણ કરવામાં આવી છે કે જો શાળાઓમાં પાઘડી, કડા અને બિંદી પર પ્રતિબંધ નથી તો હિજાબ પર શા માટે? હિજાબ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની સીમામાં છે. એક અહેવાલ મુજબ હિજાબ પર પ્રતિબંધ પછી 17000 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી ન હતી અથવા તેમનો અભ્યાસ છોડી દીધો હતો.












Click it and Unblock the Notifications
