ફતેહપુર સિક્રી: સ્વિસ યુગલ હુમલો, સુષ્મા સ્વરાજે માંગ્યો રિપોર્ટ

Written By:
Subscribe to Oneindia News

24 વર્ષીય ક્વિંટિન જેર્મી ક્લેર્ક પોતાની મિત્ર મેરી ડ્રોજ સાથે 30 સપ્ટેમ્બરના રોજ ભારત આવ્યા હતા. સ્વિટઝર્લેન્ડના લૉસેન શહેરથી ફતેહપુર સિક્રી પહોંચેલ આ યુગલ પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. લોકોએ તેમની પર પથ્થર અને ડંડા વડે હુમલો કર્યો હતો, જેમાં આ યુગલને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને ઘાયલ હાલતમાં છોડીને જ હુમલાખોરો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટના સામે આવતા જ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મામલે ઉત્તર પ્રદેશ સરકાર પાસે રિપોર્ટ માગ્યો હતો.

Fatehpur Sikri

સ્વિસ યુગલે જણાવી આપવીતી

જેર્મીએ જણાવ્યું હતું કે, ફતેહપુર સ્ટેશન પર કેટલાક યુવાનોએ અમને હેરાન કર્યા હતા. પહેલા તેમણે અમારા વિશે ટિપ્પણીઓ કરી, જે અમને સમજાઇ નહોતી. ત્યાર બાદ તેમણે અમને દબાણપૂર્વક સેલ્ફી લેવા માટે રોક્યા હતા. અમારા વિરોધ છતાં પણ તેમણે અમારો પીછો કરવાનું બંધ નહોતું કર્યું. તેઓ સતત અમારી તસવીરો લઇ રહ્યાં હતા અને મેરી પાસે જવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. તેમની વાતમાં જે અમને થોડી-ઘણી સમજ પડી એ અનુસાર, તેઓ અમારું નામ પૂછી રહ્યાં હતા અને અમે આગ્રામાં ક્યાં રોકાયા છીએ એ અંગે જાણકારી માંગી રહ્યા હતા. થોડીવાર બાદ તેમણે અમારી પર હુમલો કર્યો, તેમણે અમને પથ્થર અને ડંડા વડે માર માર્યો હતો. જ્યારે મેરીએ મને બચાવવાનો પ્રયત્ન કર્યો તો એ લોકોએ એને પણ ન છોડી. મેરીને પહેલા માનેલું કે, એ મહિલા હોવાથી યુવાનો તેની પર હાથ નહીં ઉગામે, પરંતુ એ વાત ખોટી નીકળી. મને હજુ સુધી નથી સમજાયું કે તેમણે અમારી પર હુમલો શા માટે કર્યો હતો. એ લોકોએ અમારી પાસેની કોઇ મોંઘી વસ્તુ નથી લીધી.

સ્વિસ યુવકને માથા પાસે ઇજા પહોંચી

યુવાનોએ ક્લેર્કને ખૂબ માર માર્યો હતો, જેના કારણે તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેનો ઇલાજ કરનાર તબીબે જણાવ્યું હતું કે, તેના કાન પાસે ઇજા પહોંચતા તેને સાંભળવામાં તકલીફ થઇ રહી છે. યુવતી મેરીને પણ ખૂબ ઇજા થઇ હતી અને તેનો હાથ ભાંગી ગયો હતો. તેમણે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, અમે રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા લોકો અમારો વીડિયો અને તસવીરો લઇ રહ્યા હતા. સ્થાનિક પોલીસે એ વાત તરફ ઇશારો કર્યો હતો કે, આ યુગલે જાહેર સ્થળ પર કરેલ કોઇ વર્તનને કારણે યુવાનોએ તેમની પર હુમલો કર્યો હોય એવી શક્યતા છે. જો કે, મેરીએ આ વાત નકારી હતી.

English summary
Swiss couple was attacked in Agra near Fatehpur Sikri Railway station.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.