
એક્સપ્રેસ વે પર વાહનોની સ્પીડ 140 કિમી સુધી લઈ જવા સરકાર બીલ લાવશે!
નવી દિલ્હી, 08 ઓક્ટોબર : કેન્દ્ર સરકાર એક્સપ્રેસ વે પર વાહનોની ઝડપ મર્યાદામાં સુધારો કરવા માંગે છે. આ અંગે બિલ લાવવાની તૈયારી કરી રહ્યી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે કહ્યું કે તેઓ એક્સપ્રેસ વે પર મહત્તમ ઝડપ મર્યાદાને વધારીને 140 કિમી પ્રતિ કલાક કરવાની તરફેણમાં છે અને ટૂંક સમયમાં આ અંગેનું બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે બિલનો ઉદ્દેશ રસ્તાઓની વિવિધ કેટેગરીમાં વાહનોની ઝડપ મર્યાદામાં ફેરફાર કરવાનો છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સ્પીડ અંગે એક માનસિકતા છે કે જો કારની સ્પીડ વધે તો અકસ્માતો થાય. મારો અંગત મત એ છે કે એક્સપ્રેસ વે પર વાહનોની ઝડપ મર્યાદા વધારીને 140 કિમી પ્રતિ કલાક કરવી જોઈએ. તેમણે કહ્યું કે ચાર લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઝડપ મર્યાદા ઓછામાં ઓછી 100 કિમી પ્રતિ કલાક હોવી જોઈએ, જ્યારે બે લેન રસ્તાઓ અને શહેરી રસ્તાઓ માટે ઝડપ મર્યાદા અનુક્રમે 80 કિમી અને 75 કિમી પ્રતિ કલાક હોવી જોઈએ.
તેમણે કહ્યું કે, ભારતમાં વાહનોની ઝડપ મર્યાદા માટે ધોરણ નક્કી કરવા એક મોટો પડકાર છે. ગડકરીએ કહ્યું કે, કારની સ્પીડ અંગે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના કેટલાક ચુકાદાઓ છે, જેના કારણે અમે કંઇ કરી શકતા નથી. નીતિન ગડકરીએ કહ્યું કે આજે દેશમાં આવા એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યા છે કે કૂતરો પણ તે રસ્તાઓ પર આવી શકતો નથી, કારણ કે રસ્તાની બંને બાજુ બેરીકેડીંગ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, વિવિધ કેટેગરીના રસ્તાઓ માટે વાહનોની મહત્તમ ઝડપ મર્યાદાને સુધારવા માટે એક ફાઈલ તૈયાર કરવામાં આવી છે. લોકશાહીમાં અમને કાયદા બનાવવાનો અધિકાર છે અને ન્યાયાધીશોને કાયદાનું અર્થઘટન કરવાનો અધિકાર છે. ભારતીય રસ્તાઓ પર વાહનોની ઝડપ મર્યાદા સુધારવા માટે ટૂંક સમયમાં સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે.
અગાઉ નીતિન ગડકરીએ સોમવારે કહ્યું હતું કે, તેઓ એક કાયદો લાવવાની યોજના બનાવી રહ્યા છે, જેના હેઠળ વાહનોના હોર્ન તરીકે માત્ર ભારતીય સાધનોનો અવાજ વાપરી શકાય. નાસિકમાં હાઇવેના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા તેમણે કહ્યું કે તેઓ એમ્બ્યુલન્સ અને પોલીસ વાહનો દ્વારા ઉપયોગમાં લેવાતી સાયરનનો પણ અભ્યાસ કરી રહ્યા છે અને તેને ઓલ ઇન્ડિયા રેડિયો પર વગાડવામાં આવતી વધુ મધુર ધૂનમાં બદલવા પર વિચાર કરી રહ્યા છે.
નીતિન ગડકરીએ કહ્યું કે, અમે લાલ બત્તી નાબૂદ કરી છે. હવે હું આ સાયરનનો પણ અંત લાવવા માંગુ છું. હવે હું એમ્બ્યુલન્સ અને પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતી સાયરનનો અભ્યાસ કરી રહ્યો છું. ગડકરીએ કહ્યું કે, વાહનોમાં જોરથી હોર્ન અને સાયરન વગાડવાથી ખૂબ જ પરેશાની થાય છે અને કેટલીક વખત અકસ્માતો પણ સર્જાય છે.