
ગણતંત્ર દિવસની ઉજવણીમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બની શકે છે
ભારત દર વર્ષે ગણતંત્ર દિવસે ભવ્ય પરેડ યોજી ઉજવણી કરે છે. ગણતંત્ર દિવસની ઉજવણીમાં દર વર્ષે ભારત વિવિધ દેશોના રાષ્ટ્રપતિ અને મોટા નેતાઓને આમંત્રણ આપે છે. આ વખતે ભારતે ઇજિપ્તના 14માં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસીને આમંત્રણ મોકલ્યુ છે. ઇજિપ્ત આફ્રિકાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ વર્ષે ભારત અને ઇજિપ્તે રાજદ્વારી સંબંધોની 75મી એનિવર્સરી ઉજવી છે.
હાલમાં જ વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈજિપ્તની મુલાકાત લીધી હતી. ઓક્ટોબરમાં મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું હતું કે, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસીને મળીને સન્માનનીય અનુભવ કરી રહ્યો છુ. તેમને હાર્દિક અભિનંદન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી વ્યક્તિગત સંદેશ આપ્યો.
આ સિવાય રાજનાથ સિંહે ઇજિપ્તના રક્ષા મંત્રી જનરલ મોહમ્મદ ઝાકી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બન્નેએ સંયુક્ત તાલીમ, સંરક્ષણ સહ-ઉત્પાદન અને સાધનોની જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા. સપ્ટેમ્બર 2016માં રાષ્ટ્રપતિ સિસી ભારતની મુલાકાતે આવ્યા હતા.
આ પહેલી વખત નથી કે કોઈ દેશના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથી તરીકે આવ્યા હોય. પીએમ મોદી વડાપ્રધાન બન્યા પછી 2015માં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા, 2016માં ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઈસ ઓલાંદ ગણતંત્ર દિવસની ઉજવણી માટે આમંત્રણ આપ્યું હતું. આ સિવાય 2017માં UAE ના મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, 2018માં તમામ ASEAN નેતાઓ, 2019માં દક્ષિણ આફ્રિકાના સિરિલ રામાફોસા અને 2020માં બ્રાઝિલના જેયર બોલ્સોનારો પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા.