PM મોદી સાથે વર્ચ્યુઅલી મીટિંગ બાદ બોલ્યા જો બિડેન, કહ્યું- અમારી સરકારો વચ્ચે સબંધો થશે મજબુત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમના અમેરિકી સમકક્ષ પ્રમુખ જો બિડેન સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર પહેલા જ અમેરિકા પહોંચી ગયા હતા. બંને દેશો આ બેઠકને સકારાત્મક ગણાવી રહ્યા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
બિડેને ટ્વિટ કરીને લખ્યું કે આજે સવારે મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. હું અમારી સરકારો, અર્થતંત્રો અને લોકો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ (મજબૂત) કરવા માટે આતુર છું. તે જ સમયે, આ મામલાના નિષ્ણાતોએ કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ છે. અમેરિકા ઈચ્છતું હતું કે ભારત ખુલ્લેઆમ રશિયાનો વિરોધ કરે, પરંતુ મોદી સરકારે તેમ કરવાનો ઈન્કાર કરી દીધો. હવે આ બેઠક બાદ બંને વચ્ચેનો તણાવ મહદઅંશે ઓછો થવાની આશા છે.
રાજનાથ સિંહ અમેરિકી સમકક્ષને મળ્યા
બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારે વોશિંગ્ટનમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોન પહોંચ્યા હતા. ત્યાં તેમનું યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ જે ઓસ્ટિન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.
અમેરિકા સાથે વાત કેમ બગડી હતી?
વાસ્તવમાં જ્યારે અમેરિકાના કહેવા પર રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી બહાર કરવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે ભારતે તેનાથી દૂરી લીધી. આ પછી ભારતે બુચામાં થયેલા હત્યાકાંડ પર કોઈ નક્કર ટિપ્પણી કરી નથી. અમેરિકા ઈચ્છતું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ન ખરીદે, પરંતુ મોદી સરકારે તેની ચેતવણીને અવગણી. જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડી કડવાશ આવી હતી.