For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ ભારતીયની કહાણી જેણે કૃત્રિમ મોતી પકવીને દુનિયાને અચંબિત કરી નાખી

એ ભારતીયની કહાણી જેણે કૃત્રિમ મોતી પકવીને દુનિયાને અચંબિત કરી નાખી

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

વિશ્વાસ ન બેસે એવી આ એક સામાન્ય પરિવારમાંથી આવનારા વ્યક્તિની અસાધારણ ઉપલબ્ધિઓ હાંસલ કર્યાની વાર્તા છે.

આ વાત છે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનારા જળચર-ઉછેરના વિજ્ઞાની અલ્હાબાદના ડૉક્ટર અજયકુમાર સોનકરની. લગભગ ત્રણ દાયકા પહેલાં તેમણે કૃત્રિમ મોતી બનાવનારા દેશોમાં ભારતનું નામ ઉમેરવાનો ચમત્કાર કર્યો હતો.

પાછલા ત્રણ દાયકાની પોતાની કરિયરમાં સોનકરે મોતી બનાવવા માટેની જુદીજુદી નવતર પદ્ધતિઓ શોધી કાઢી છે. પરંતુ સૌથી પહેલાં તો એમના નવા કામ વિશે જાણીએ, જે કામના કારણે દુનિયાભરના જળ-ઉછેર વિજ્ઞાનીઓ અચંબિત છે.

મોતી

ડૉક્ટર સોનકરે ટિશ્યૂ કલ્ચર દ્વારા ફ્લાસ્કમાં મોતી ઉગાડવાનું અચંબિત કરે એવું કાર્ય કર્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, છીપની અંદર જે ટિશ્યૂ હોય છે તેને બહાર કાઢીને કૃત્રિમ વાતાવરણમાં રાખીને તેમાં મોતી પકવવાનું ચમત્કારિક કાર્ય તેમણે કર્યું છે.

એટલે કે મોતી પકવવા માટે હવે, છીપની આવશ્યકતા પૂરી થઈ ગઈ છે અને એની સાથે જ એ છીપને માટે જરૂરી સામુદ્રિક વાતાવરણની જરૂરત પણ.

સમુદ્રી જીવજંતુઓની દુનિયા પર કેન્દ્રિત સાયન્ટિફિક જર્નલ 'ઍક્વાકલ્ચર યુરોપ સોસાયટી'ના સપ્ટેમ્બર 2021ના અંકમાં ડૉક્ટર અજય સોનકરના આ નવા રિસર્ચ-આવિષ્કારને પ્રકાશિત કરાયાં છે. આ રિસર્ચ અનુસાર ડૉક્ટર અજય સોનકરે આંદામાન-નિકોબાર સમુદ્રની છીપના ટિશ્યૂમાં મોતી પકવવાનો પ્રયોગ પ્રયાગરાજની પોતાની ઘરઘરાઉ લૅબોરેટરીમાં કર્યો છે.

અર્થાત્ છીપમાંથી કાઢવામાં આવેલા ટિશ્યૂ લગભગ બે હજાર કિલોમીટર દૂર પણ પોતાનું કુદરતી કાર્ય કરવામાં સક્ષમ રહ્યા છે, જે કામ તે સામુદ્રિક વાતાવરણમાં જ કરે છે.

ડૉક્ટર અજયકુમાર સોનકરે પોતાની આ શોધ વિશે જણાવ્યું કે, "પિંકટાડા માર્ગે રેટિફેરા નામની છીપ અતિશય ખારા સમુદ્રમાં જ થાય છે. એના કવચને ઉતારીને હું તેને બે હજાર કિલોમીટર દૂર પ્રયાગરાજમાંની મારી લૅબમાં લઈ આવેલો."

"એ કવચને સુરક્ષિત રાખવા મેં તમામ નિયમોનું પાલન કર્યું હતું. તેને પ્રયાગરાજ લાવવામાં લગભગ 72 કલાક થયા હતા પણ તે જીવિત અને સંપૂર્ણ રીતે સ્વસ્થ હતું. પછી એના કલ્ચર કરીને તેમાં ઇન્જેક્ટ કર્યું તો એણે માત્ર પર્લી કમ્પોનન્ટ જ ન બનાવ્યા, પણ મોતી પણ તૈયાર કર્યું."

એમની આ નવી તકનીકને ખૂબ જ મહત્ત્વની ગણાવતાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની લખનૌ-સ્થિત સંસ્થા નૅશનલ બ્યૂરો ઑફ ફિશ જેનેટિક રિસોર્સિસના નિર્દેશક ડૉક્ટર કુલદીપ કે. લાલે જણાવ્યું કે, "ચોક્કસ, ડૉક્ટર સોનકરે કરેલું આ કામ અતિમહત્ત્વપૂર્ણ છે. એનાથી મોતી પકવવાની તકનીકમાં આમૂલ પરિવર્તન થઈ શકે છે. મોતી પકવવાની તકનીક હવે માત્ર સમુદ્ર પર આધારિત નહીં રહે. આ ખરેખર આશ્ચર્યચકિત કરી દેનારું કામ છે."

અત્યાર સુધી, કૃત્રિમ મોતી પકવવાની કલ્પના સમુદ્રમાં મળનારી છીપ અને કોડી (શેલો) વગર કરી શકાતી નહોતી. શંખ અને કોડીની જેમ મોતી પણ છીપ કે મત્સ્યસમૂહના બીજા જીવોનું જૈવિક ઉત્પાદન છે.

આ જીવ શ્વાસ લેવા માટે જ્યારે મોં ખોલે છે ત્યારે કોઈ કોઈ વખત બહારના પદાર્થો તેમાં જતા રહે છે.

તે જીવ પહેલાં તો એ પદાર્થને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે, પણ એમાં સફળતા ન મળે તો પોતાની તકલીફને ઓછી કરવા માટે શરીરમાંથી એક ખાસ પ્રકારનું રસાયણ છોડે છે.

આ રસાયણની અસરને લીધે એ વસ્તુ-પદાર્થ સમય વીતતાં મોતી બની જાય છે. જો કે, કુદરતી રીતે જોઈએ તો, લગભગ દm લાખ છીપમાંથી કોઈ એકમાં જ મોતી મળતું/પાકતું હોય છે.

પરંતુ કૃત્રિમ મોતી પકવવાની તકનીકોએ મોતીની દુનિયાને ઘણી બદલી નાખી છે અને ડૉ. અજય સોનકરના આ નવા આવિષ્કારને આ દિશામાં એક મહત્ત્વનું પગલું ગણાય છે.

કહેવું જોઈએ કે, અજય સોનકરે આ કાર્ય પોતાના કરિયરના સૌથી મુશ્કેલીભર્યા સમયમાં કર્યું છે. એમની એ મુશ્કેલી વિશે માહિતગાર થતાં પહેલાં એમની સફર વિશે જાણવું રોમાંચક રહેશે.

પ્રયાગરાજમાંથી દુનિયાને ચોંકવનાર સોનકર

ડૉક્ટર સોનકરનું નવું કામ ભલે આશ્ચર્યચકિત કરી દેનારું હોય પણ મોતી પકવનારા ઉદ્યોગની દુનિયામાં છેલ્લા ત્રણ દાયકામાં આ જ રીતે તેઓ પોતાનાં નવાં નવાં કારનામાંથી દુનિયાને અચંબિત કરતા રહ્યા છે.

તેમને 1991માં અલ્હાબાદમાં મોતી બનાવવાની ધગશ ઊપડી હતી અને ત્યાં જ એની શરૂઆત થઈ હતી.

ઇલાહાબાદ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન અને ગણિત ભણનારા સોનકર આમ તો એન્જિનિયર બનવા માગતા હતા, પણ, એ દિવસોમાં દૂરદર્શન પર બપોરે આવતા યુજીસીના એક કાર્યક્રમ (ટીવી-શો)ના એક એપિસોડમાં પ્રસારિત થયેલી એક સ્ટોરીએ એમના જીવનની દિશા બદલી નાખી.

એ એપિસોડ વિશે સોનકર જણાવે છે કે, "એ સ્ટોરી જાપાની પર્લ કલ્ચર વિશેની ડૉક્યુમેન્ટરી હતી. એ લોકોને જ્યારે મેં છીપમાંથી મોતી કાઢતા જોયા તો મને એમાં રસ પડ્યો. એનું કારણ એ હતું કે અમારું એક તળાવ હતું અને એમાં છીપ પણ હતી. એટલે તમે મને એમ કહી શકો કે મારા દિમાગમાં એ ઘૂસી ગયું કે, હું પણ મોતી બનાવી શકું છું. જો કે મને તકનીક વિશે કોઈ જાણકારી નહોતી અને ઇન્ટરનેટનો તો ત્યારે જન્મ પણ નહોતો થયો કે ભારતમાં તે હતું પણ નહીં."

ડૉક્ટર અજયકુમાર સોનકર પ્રારંભિક દિવસોની વાત કરતાં જણાવે છે કે, "ગજવામાં છીપ મૂકીને હું ઇલાહાબાદ યુનિવર્સિટીના જંતુ વિભાગમાં એક પ્રોફેસરને પૂછવા જતો રહ્યો હતો કે, સર, આ શું છે? તો એમણે કહેલું કે, આને મસલ્સ કહેવાય છે. મેં પૂછેલું કે, સર આ કઈ રીતે ખૂલે? ત્યારે એમણે કહેલું કે એને પાણીમાં ઉકાળો. એટલે મેં સામે કહેલું કે, તો તો મરી જશે. ત્યાં એમણે કહેલું કે, બીજું નહીં તો શું, મરી ગયા પછી જ આને ખોલી શકાય છે. યુનિવર્સિટીમાં જેટલી પણ છીપ છે તે બધી મરેલી છે."

અજયકુમાર સોનકરને અંદાજ આવી ગયો હતો કે, મોતી પકવવું એટલું આસાન કામ નથી. પણ, તેમણે ઉમ્મીદ ન છોડી.

એમણે જણાવ્યું કે, "અલ્હાબાદના દરભંગા કૉલોનીની પાસે મત્સ્ય વિભાગનું કાર્યલય હતું. ત્યાંના નિર્દેશકને ડરતાં-ડરતાં મેં પૂછેલું તે મારી પાસે એક તળાવ છે અને હું મોતી પકવવા માગું છું, કોઈ મદદ મળશે? તેમણે મને ઉપરથી નીચે સુધી જોયો અને કહ્યું કે અહીં અમે લોકો એક માછલી નથી ઉત્પાદિત કરી શકતાં અને તને મોતી ઉત્પાદિત કરવાનું સૂઝે છે! તારી ઉમ્મર ભણવાની છે તો લખો-ભણો. મોતી તાજા પાણીમાં જ થાય છે, કોઈ દિવસ સમુદ્ર મારી પાસે લઈ આવજે, પછી જોઈશું."

પણ, સોનકરે હાર ન માની. તેમણે કૃત્રિમ મોતી બનાવવાની માહિતી એકઠી કરવા માંડી. પરંતુ એ સમય એવો હતો કે, કોઈ પણ માહિતી મેળવવી એટલું આસાન કામ નહોતું. પણ કહેવાય છે ને કે લગન જો સાચી હોય તો રસ્તા આપોઆપ મળી આવે છે.


ક્યાંથી મળી મોતી બનાવવાની પ્રેરણા

https://www.youtube.com/watch?v=INveKTQb56g

જોગ-સંજોગે, અલ્હાબાદ સ્ટેશન પાસેની એએચ વ્હીલરની દુકાને એમને નૅશનલ જ્યૉગ્રાફિકનો જૂનો અંક મળી ગયો, જે કૃત્રિમ મોતી નિર્માણ કરવાની માહિતી પરનો વિશેષાંક હતો. સોનકરે એને માત્ર ખરીદ્યો એટલું જ નહીં, સાચવીને રાખ્યો છે.

આ બધું કરતા હતા એ દરમિયાન તેમણે પોતાના તળાવમાંનાં છીપલાં પર પોતાની સમજ અનુસારના પ્રયોગો શરૂ કરી દીધા હતા.

જેવા કે, છીપલાંને પકડીને મોટાં મોટાં વાસણોમાં મૂકી રાખવા, એને ખખડાવીને જોવા. આ ક્રિયાઓ સોનવણેને ખુશી આપતી હતી. મિડલ ક્લાસ સમાજમાં આ કામ એમ પણ આસાન નહોતું.

થોડા દિવસોમાં જ એમને ખબર પડી ગઈ કે, શ્વાસ લેવા માટે છીપ મોં ખોલે છે. અને તેમને ખબર હતી કે બહારની કોઈ વસ્તુ એના મોંમાં જાય તો એ મોતી બની શકે છે.

એમણે જણાવ્યું કે, "જ્યારે મેં વાંચવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે, આખી દુનિયામાં એકલા જાપાન પાસે જ મોતી પકવવાની તકનીક છે. તેઓ બીજા દેશોને એ જણાવતા નહોતા. અને, સારું મોતી બનાવવા માટે જે રો-મટિરિયલ એટલે કે ન્યુક્લિયસ ઇન્જેક્ટ કરવું પડે તે અમેરિકાની મિસિસિપી નદીમાંથી મળે છે. પણ અમેરિકા પાસે ટેકનિક નહોતી. એટલે જો મોતી બનાવવું હોય તો જાપાનની મદદ લેવી જ પડે."

શરૂઆતના દિવસોમાં સોનકરે છીપ મોં ખોલે ત્યારે વ્હાઇટ સિમેન્ટની નાની નાની ગોળીઓ તેમાં નાખીને પ્રયોગ શરૂ કરેલા. એ દિવસોને યાદ કરતાં સોનકર જણાવે છે કે, "શું કહું, એ દિવસોમાં જે કોઈ સામા મળે પૂછતા હતા કે ભાઈ, બની ગયું મોતી?

કટાક્ષમાં લોકો કહેતા કે ભાઈ આજકાલ મોતી ઉગાડે છે. માતા-પિતા કહેતાં કે પાગલ થઈ ગયો છે. પણ એનાથી મને કોઈ ફરક નહોતો પડતો."

થકવી દેનારો નિરાશાભર્યો આ પ્રયોગ માત્ર સોનકરની જીદને કારણે જ થતો રહ્યો અને માત્ર દોઢ વરસની અંદર જ તેમણે તાજા પાણીમાં કૃત્રિમ મોતી બનાવીને દુનિયાને અચંબિત કરી દીધી, અને એ પણ જાપાનની મદદ વિના.

આ પહેલો પ્રસંગ હતો કે કૃત્રિમ મોતી બનાવવામાં જાપાનને કોઈએ પડકાર્યું હોય.

1993માં મળેલી આ સફળતાએ રાતોરાત અજય સોનકરને છાપાના પહેલા પાને ચમકાવી દીધા હતા.

https://www.youtube.com/watch?v=qd3xaWEC5To

સોનકરે જણાવ્યા અનુસાર, સેંકડો છીપલાંમાંથી પહેલી વાર 36 છીપમાં મોતી બનેલાં. પરિવારના લોકો તો આશ્ચર્યમાં ગરકાવ હતા, પણ હું વિચારમાં પડી ગયેલો કે બાકીની છીપોમાં કેમ ન બન્યાં.

એમની આ સફળતાને એ વખતે દૂરદર્શન પર પ્રસારિત થતા ગિરીશ કર્નાર્ડના પ્રસિદ્ધ કાર્યક્રમ 'ટર્નિંગ પૉઇન્ટ'માં દર્શાવાઈ હતી.

14થી 19 મે, 1994માં હવાઈ ટાપુઓ પર પર્લ કલ્ચરની પહેલી ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઓયોજિત થઈ હતી અને તેમાં હાજરી આપવા માટેનું નિમંત્રણ સોનકરને પણ મળેલું. એને યાદ કરતાં સોનકર જણાવે છે કે, "એમણે ઍર-ટિકિટ પણ મોકલી હતી. પહેલી જ વાર વિમાનમાં બેસવાનું હતું. હવાઈ ટાપુ પહોંચ્યો તો ત્યાં જાતભાતના લોકોને જોઈને પહેલાં તો ગભરાઈ ગયેલો. અધૂરામાં પૂરું, એ બધાંમાં સૌથી નાની વયનો હું જ હતો. મેં રસ્તો વિચારી લીધો. વિચાર્યું કે લોકોની સામે જોઈશ જ નહીં. કૉન્ફરન્સ હૉલમાં જ્યારે મેં મારું પેપર વાંચ્યું ત્યારે એક વાર પણ પેપર પરથી મેં નજર હઠાવી નહોતી. જ્યારે પેપર પૂરું થયું તો જોયું કે લોકો ઊભા થઈને તાલીઓ પાડતા હતા. એ દૃશ્ય આજે પણ હું નથી ભૂલ્યો."

જો કે ત્યારથી શરૂ થયેલી સફર આજે પણ ચાલુ છે અને દુનિયાભરમાં કમ સે કમ 68 દેશોમાં પર્લ કલ્ચર વિશે અજય સોનકર વ્યાખ્યાન આપી ચૂક્યા છે. એમના કોડીબંધ શોધપત્રો કેટલીય એક્વાકલ્ચર જર્નલ્સમાં છપાયા છે.

એ પછીનાં બે વરસની અંદર 1996માં અજય સોનકરે 22 મીલીમીટર લાંબું ન્યુક્લિયસ બનાવ્યું, જે કૃત્રિમ મોતીનિર્માણની દુનિયામાં સૌથી લાંબા ન્યુક્લિયસ તરીકે નોંધાયું છે.

આ ન્યુક્લિયસની અમેરિકામાં કસોટી કરવામાં આવી અને કૃત્રિમ મોતી બનાવવાની દુનિયામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક ડૉ. સી રિચર્ડ ફૉસ્લરે અમેરિકાના બજારમાં એની કિંમત 30 હજાર ડૉલર જેટલી આંકી, જે જાપાન અને અમેરિકાના ન્યુક્લિયસની તુલનામાં પાંચથી છ ગણી વધુ હતી.

સોનકરના કામની ચર્ચા જ્યારે આખી દુનિયામાં થઈ રહી હતી ત્યારે ભારત સરકારની સૅન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પણ 1999માં તેમને પોતાનુ કામ કરવાની ઑફર કરી. પરંતુ ત્યાં સુધીમાં તો પોતે કરેલા અધ્યયન અને રિસર્ચના આધારે સોનકરે ભારતના આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના સમુદ્રીક્ષેત્રમાં કામ કરવાનું નક્કી કરી નાખ્યું હતું અને એમણે કેન્દ્ર સરકાર અને સ્થાનિક પ્રશાસનની મંજૂરી સાથે 2003થી એ ક્ષેત્રમાં પોતાના કામની શરૂઆત કરી દીધી.

આમ જોવા જાઓ તો આંદામાનના સમુદ્રીક્ષેત્રમાં છીપલાંની પિંકટેડા માર્ગે રેટિફેરા નામની પ્રજાતિ મળે છે. જેનાથી કાળું મોતી પકવી શકાતું હતું. જોતજોતાંમાં જ સોનકરે કાલા પાણી (સજા) માટે પ્રખ્યાત આંદામાનને કાળાં મોતીનું કેન્દ્ર બનાવી દીધું.


આંદામાનના ગર્વથી લઈને મુશ્કેલીઓ સહન કરવા સુધી

જો કે તેઓ પોતાનું કામ સ્વતંત્ર રીતે કરતા હતા, કૃત્રિમ મોતીના બજારમાં એમનાં મોતીની માગ વધી રહી હતી. આંદામાન પ્રશાસન એમના કામને પોતાની સિદ્ધિ તરીકે ગણાવી રહ્યું હતું.

તેમના કામને ભારતના રાષ્ટ્રપતિ આર. કે. નારાયણથી માંડીને અબ્દુલ કલામ અને રામનાથ કોવિંદ સુધીનાએ બિરદાવ્યું છે.

સોનકર આ સૌને મળીને પોતાના કામ વિશે જાણકારી આપતા રહ્યા છે. આ જ ક્રમમાં તેમણે 43 એમએમનું ગણેશની પ્રતલિપિવાળું મોતી બનાવીને દુનિયાનું ધ્યાન પોતાના પ્રતિ આકર્ષિત કરેલું

પણ કહે છે ને કે એક જેવો સમય કોઈનો નથી રહેતો... સોનકર માટે પણ મુશ્કેલીનો સમય શરૂ થયો. 2019માં આંદામાન પ્રશાસને એમને સમુદ્રમાં કામ બંધ કરવા કહ્યું.

એ માટે આંદામાન પ્રશાસને સૅન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એ અધ્યયનનો આધાર ટાંક્યો જેમાં એમ કહેવાયું હતું કે આંદામાનમાં પિંકટેડા માર્ગે રેટિફેરાની સંખ્યા એટલી વધારે નથી કે તેનું કમર્શિયલ ઉત્પાદન કરી શકાય.

ત્યાર પછી સોનકરનો દાવો છે કે સમુદ્રના તળિયે બનેલી પ્રયોગશાળા પર કેટલાક અજ્ઞાત લોકોએ હુમલો કર્યો અને એને તોડી નાખી. આ તોડફોડના વિરોધમાં ડૉક્ટર અજય સોનકરે કલકત્તા હાઈકોર્ટમાં ફરિયાદ કરી અને કોર્ટે પ્રશાસને જારી કરેલા આદેશ સામે સ્ટે મૂક્યો. અર્થાત્, કૃત્રિમ મોતી તૈયાર કરવા માટે સોનકરને એ જગ્યા પાછી મળી.

જે સોનકરને આંદામાન પ્રશાસન પોતાના ગૌરવરૂપે રજૂ કરતું હતું ત્યાં જ એમની સાથે આવું કઈ રીતે બન્યું? એમ પૂછતાં, સોનકરે જણાવ્યું કે, "સરકારના નોકરશાહી લોકોએ મને હેરાન કરવા માંડેલો. મામલો કોર્ટને અધીન છે અને કૉરોના લૉકડાઉન પણ આવી ગયેલું. એ કારણે, દરમિયાનમાં મેં અલ્હાબાદમાં મારું કામ ચાલુ રાખ્યું અને એમાં જ ટિશ્યૂ કલ્ચરનું કામ સફળતાને વર્યું. હું બિચારો નથી, સાયન્ટિસ્ટ છું, તો આ કામ તો હું ક્યાંય પણ કરી શકું."

આ આખી બાબતમાં આંદામાન સાઉથના ડેપ્યુટી કમિશનર સુનીલ અંચિપાકા જણાવે છે કે, "હું એક વર્ષથી અહીંયાં છું અને આ દરમિયાન આવો કોઈ મામલો મારી નજરે નથી પડ્યો. ડૉક્ટર અજય સોનકરને કોઈ સમસ્યા છે તો એમણે મને મળીને એ જણાવવી જોઈએ. તો જ હું એમની ફરિયાદો નિવારી શકું. અથવા તો સંબંધિત ઑથોરિટીને એમની ફરિયાદોનો નિકાલ કરવાની સૂચના આપી શકું."

સોનકર કહે છે કે, કૉવિડ સંકટની સમાપ્તિ પછી તેઓ ફરી એક વાર પોતાના કામને વ્યવસ્થિત કરવા ધારે છે.

જોકે સરકારી નોકરશાહીને માટે એમના મનમાં રોષ જરૂર છે. તેઓ જણાવે છે કે, "એક તરફ તો મોદીજી મેઇડ ઈન ઇન્ડિયાની વાત કરે છે, બીજી બાજુ નીચેનાં પદો પરના લોકો આને ગંભીરતાથી નથી લેતા."

જોકે હમણાં સુધી તો અજય સોનકરે પોતાનું કામ આપબળે જ કર્યું છે, પરંતુ સરકારના સહયોગથી પોતાનો હુન્નર બીજા લોકો સુધી પણ પહોંચાડવા માગે છે.

તેમણે જણાવ્યું કે, "સરકાર પર્લ કલ્ચરની બાબતમાં ઘણી ગંભીર છે. સરકાર ઇચ્છે છે કે એ ડેવલપ થાય. મેં સ્વતંત્ર રીતે કામ કર્યું છે. જો સરકાર ઇચ્છશે તો હું દેશની આર્થિક ઉન્નતિ માટે મારું યોગદાન આપીશ. એ મારા માટે આનંદની વાત હશે."

કુલદીપ કે. લાલ જણાવે છે કે, "ભારતીય પર્લ કલ્ચરને અજય સોનકરની તકનીકથી ફાયદો થઈ શકે છે, પણ, એના માટે બે વાત છે - એક તો, સોનકર પોતાની તકનીક

કેટલા લોકોને શીખવવા ઇચ્છે છે અને બીજી એ કે, આ એટલો બધો શ્રમ માગી લેતું કામ છે કે હજારોમાંથી માત્ર એકાદબે લોકો જ આ તકનીક શીખી શકે છે."

ભારતીય પર્લ કલ્ચરની સંભાવનાઓના વિષયમાં સોનકર જણાવે છે કે, "જાપાનની પાસે તકનીક તો છે પણ એમની પાસે પ્રાકૃતિક જળવાયુ નથી. ત્યાં એટલી ઠંડી પડે છે કે એક રાઉન્ડના પર્લ કલ્ચર માટે ઓછામાં ઓછાં અઢી-ત્રણ વર્ષનો સમય લાગે, આપણે ત્યાં છથી બાર મહિનામાં આ રાઉન્ડ થઈ જાય છે. આ ફાયદો ભારતને છે. આપણા મોતીની કવૉલિટી પણ ઉત્તમ હોય છે."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/k3zctrGacnQ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The story of an Indian who stunned the world by cooking artificial pearls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X