
રાજદીપ સરદેસાઈ અને શશિ થરૂર વિરુદ્ધ રાજદ્રોહનો કેસ
ઉત્તર પ્રદેશની નોએડા પોલીસે ગણતંત્ર દિવસે હિંસા ફેલાવવા મામલે કૉંગ્રેસ નેતા શશિ થરૂર સહિત ઘણા વરિષ્ઠ પત્રકારો વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ કર્યો છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી FIR ક્રમાંક 0076ની કૉપી પ્રમાણે, આ મામલે વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઇ, મૃણાલ પાંડે, ઝફર આગા, પરેશનાથ, અનંતનાથ અને વિનોદ સહિત એક અજ્ઞાત વ્યક્તિનું નામ સામેલ કરાયું છે.
FIRની વિગતો અનુસાર તમામ આરોપી પર 'પૂર્વગ્રહયુક્ત' વર્તન કર્યું છે જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષા અને જનતાના જીવ જોખમમાં મુકાયા છે.
FIRમાં લખાયું છે કે, "આ તમામ લોકોએ દુર્ભાવનાપૂર્ણ, વાંધાજનક, ગેરમાર્ગે દોરનાર અને ઉશ્કેરણીજનક નિવેદનો કર્યાં હતાં અને ટ્વીટ કર્યાં હતાં કે પોલીસે એક ટ્ર્રૅક્ટર ડ્રાઇવરનું મૃત્ય નીપજાવ્યું છે."
FIRમાં કહેવાયું છે કે મૃતક ડ્રાઇવરનું મૃત્યુ ટ્રક પલટી જતાં થયું છે પોસ્ટમૉર્ટમમાં મૃતકના શરીર પર ગોળીનો ઘા નથી મળી આવ્યો.
તેમજ FIRમાં આગળ લખાયું છે કે, 'આયોજિત કાવતરા'ના ભાગરૂપે 'ખોટી માહિતી' પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
"આ કૃત્ય મોટા પાયે હિંસા ભડકાવવા અને જુદી જુદી કૉમ્યુનિટી વચ્ચેનો તણાવ વધે તે માટે કરાયું હતું."
FIRમાં કહેવાયું છે કે, "આરોપીઓએ આ કૃત્ય ખાનગી અને રાજકીય લાભ માટે કરાયું હતું."
FIRમાં આરોપ છે કે, "આ તમામ આરોપીઓનાં ટ્વીટના કારણે સર્જાયેલા વાતાવરણને લીધે આંદોલનકારીઓ લાલ કિલ્લા પર પહોંચી ધાર્મિક અને અન્ય ધ્વજ ફરકાવવા માટે ઉશ્કેરાયા હતા. ભારતના ઇતિહાસની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે આ તમામ લોકો સંપૂર્ણપણે જવાબદાર છે."
તેમાં લખાયું છે કે, આ ટ્વીટ પોલીસ અને સુરક્ષાદળના જવાનોની છબિ ખરાબ કરવા માટે કરાયાં હતાં.
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર કૅરાવાનના એડિટર વિનોદ જોશેએ અખબારને જણાવ્યું હતું કે, "અમારા વકીલો આ મામલા સંભાળી રહ્યા છે. અમારા રિપોર્ટરો સ્થળ પર હતા અને તેમની પાસે કૅમેરા પર સાક્ષીઓ હતા."
જ્યારે કોમી અવાજના ઝફર આગાએ અખબારને કહ્યું કે, "મેં આ મામલા વિશે સાંભળ્યું છે. હું મારા કાયદાકીય સલાહકારોની સલાહ વગર કશું જ કહી શકું એમ નથી."
નોએડા સેક્ટર 20 પોલીસ સ્ટેશનના રાકેશ કુમાર સિંઘ અખબારને જણાવ્યું હતું કે, "અમુક વ્યક્તિઓ દ્વારા પોસ્ટ કરાયેલા કન્ટેન્ટને લઈને રાષ્ટ્રદ્રોહનો મામલો દાખલ કરાયો છે. અત્યાર સુધી કોઈ પણ ધરપકડ કરાઈ નથી. અમે આરોપોની તપાસ કરી રહ્યા છીએ."

- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો