UP News : માફિયા અતીકનો કબ્જો હતો ત્યાં CM યોગી સરકાર બનાવ્યા ફ્લેટ, હવે ગરીબોને સોંપશે
UP News : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદના કબ્જામાંથી મુક્ત કરાવવામાં આવેલી જમીન પર યુપી સરકારે ગરીબો માટે મકાનો બનાવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે લાભાર્થીઓને આ મકાનો ફાળવવા જઈ રહ્યા છે.
મુખ્યમંત્રી યોગી પ્રયાગરાજમાં એક કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને ફ્લેટની ચાવી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અતીકથી મુક્ત કરાવવામાં આવેલી જમીન પર પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ 76 ફ્લેટ બનાવ્યા છે.

સપ્ટેમ્બર 2020માં પ્રયાગરાજના લુકરગંજમાં માફિયા અતીક અહેમદના કબ્જામાંથી 15,000 ચોરસ ફૂટ જમીન મુક્ત કરવામાં આવી હતી. આ જ જમીન પર 4 માળના ટાવરમાં 76 ફ્લેટ પૂરા થયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચાર માળની ઈમારતમાં તૈયાર કરવામાં આવેલા ફ્લેટમાં એક ફ્લેટની કિંમત 7.5 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમાંથી લાભાર્થીએ માત્ર 3.5 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. બાકીની રકમ લાભાર્થીને સરકાર તરફથી સબસિડીના લાભના રૂપમાં આપવામાં આવશે.
ફ્લેટ મેળવવા માટે 6030 લોકોએ ઓનલાઈન અરજી કરી હતી. જેમાંથી 1600 પાત્ર અરજદારો મળી આવ્યા હતા. તેમાંથી લોટરી સિસ્ટમ દ્વારા પસંદ કરવામાં આવેલ લોકોને આવાસ મળશે.
આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે 11 કલાકે પ્રયાગરાજના લુકરગંજમાં જનસભાને સંબોધિત કરશે. આ દરમિયાન તેમના ફ્લેટની ચાવીઓ લાભાર્થીઓને સોંપવામાં આવશે.












Click it and Unblock the Notifications
