1 ડિસેમ્બરે રિલીઝ નહીં થાય ફિલ્મ 'પદ્માવતી'!
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' હવે 1 ડિસેમ્બરના રોજ રિલીઝ નહીં થાય. ફિલ્મનું નિર્માણ કરનાર કંપની વાયકૉમ 18 દ્વારા આ ફિલ્મની રિલીઝ હાલ પૂરતી ટાળવામાં આવી છે. સમાચાર એજન્સિ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા(PTI) તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર, ફિલ્મ નિર્માતા એ જાતે રિલીઝ ડેટ પાછળ ઠેલવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'પદ્માવતી' અંગેના વિવાદે ધીર-ધીરે ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ કારણે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી ફિલ્મમાંથી આપત્તિજનક દ્રષ્યો ખસેડવામાં નહીં આવે, ત્યાં સુધી યુપીમાં ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાય. વિવાદ પૂર્ણ કરવા માટે પ્રાઇવેટ સ્ક્રિનિંગમાં કેટલાક લોકોને આ ફિલ્મ બતાવવામાં આવી હતી, જેની પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન નારાજ થયું હતું. બોર્ડના સર્ટિફિકેટ વિના આ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. બોર્ડે જણાવ્યું હતું કે, જે રીતે આ ફિલ્મ રજૂ કરવામાં આવી અને પછી જે રીતે લોકો એ વિશે પોતાનો મત રજૂ કરી રહ્યાં છે, એ પછી તેને પ્રાઇવેટ સ્ક્રિનિંગ ના કહી શકાય.
સીબીએફસી તરફથી કહેવામાં આવ્યું હતું કે, બોર્ડના સર્ટિફિકેટ વિના ફિલ્મ બતાવવી અયોગ્ય છે. પ્રાઇવેટ અને પબ્લિક સ્ક્રિનિંગ વચ્ચે ખૂબ નાનું અંતર હોય છે. એવામાં જે રીતે આ ફિલ્મ રજૂ કરવામાં આવી છે એને કારણે ખૂબ ખોટો સંદેશો જાય છે. ફિલ્મ નિર્માતાઓના આવા વલણથી અમે ખુશ નથી. ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજીનું પાત્ર ભજવતાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વચ્ચેના કથિત સિનને કારણે ફિલ્મનો આટલો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. જો કે, ફિલ્મની પ્રાઇવેટ સ્ક્રિનિંગમાં જનારા લોકોએ એ વાતની પુષ્ટિ કરી છે કે, આ ફિલ્મમાં એવો કોઇ સિન નથી. આ પહેલાં સંજય લીલા ભણસાલી અને દીપિકા પાદુકોણ પણ આ અંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, ફિલ્મમાં એવો કોઇ સિન નથી, જેને કારણે રાજપૂતોની કે કોઇની પણ ભાવનાઓ દુભાય.