Weather Update: દેશમાં પ્રચંડ ગરમી યથાવત, રાજસ્થાનના બાડમેરમાં પારો 48 ડિગ્રી, કેરળમાં ભારે વરસાદની ચેતવણી
Weather Update: દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત દેશનો મોટા ભાગનો વિસ્તાર ભીષણ ગરમીની ઝપેટમાં છે, જે બુધવારે પણ યથાવત રહ્યો હતો. રાજસ્થાનના બાડમેરમાં તાપમાનનો પારો 48 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો, જે આ વર્ષે અત્યાર સુધી દેશમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે.
ગરમીનો પારો હજુ વધુ તપાવશે!
આ દરમિયાન, હવામાન વિભાગ (IMD) કહે છે કે તાપમાન વધુ વધશે. જેના પરિણામે આગામી દિવસોમાં ગરમીમાંથી કોઈ રાહત મળવાની આશા નથી. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન સહિત અનેક રાજ્યો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત, ઉત્તર મધ્યપ્રદેશ, ગુજરાતમાં હીટવેવથી લઈને ગંભીર હીટવેવ થવાની છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બુધવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જે મોસમી સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી વધારે છે અને 'યલો' એલર્ટ ઝોનમાં રહ્યું હતું.
બાળકો અને વૃદ્ધોએ રાખવી સાવચેતી
IMD એ ચેતવણી આપી હતી કે તમામ ઉંમરના લોકો, ખાસ કરીને શિશુઓ, વૃદ્ધો અને લાંબી બિમારીઓ ધરાવતા લોકોને ગરમી સંબંધિત બીમારીઓ અને હીટ સ્ટ્રોકનું જોખમ વધારે છે. આકરી ગરમી વચ્ચે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ઘટી જતાં પાણી પુરવઠાને અસર થઈ છે.
સરકારી કર્મચારીઓની રજાઓ થઇ રદ
રાજસ્થાનમાં આકરી ગરમી યથાવત છે, બુધવારે બાડમેરમાં સૌથી વધુ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, ગરમીને જોતા રાજ્ય સરકારે આગલા આદેશ સુધી તમામ ડિવિઝનલ કમિશનરો, એડિશનલ ડિવિઝનલ કમિશનરો, જિલ્લા કલેક્ટર, અધિક જિલ્લા કલેક્ટર અને સબ ડિવિઝનલ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે.
વધતા તાપમાનને કારણે આરોગ્ય અધિકારીઓએ પહેલાથી જ સરકારી હોસ્પિટલોના તમામ ડૉકટરો અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરી દીધી હતી. હવામાન વિભાગે બુધવારે આગાહી કરી હતી કે મધ્યપ્રદેશના ઈન્દોર અને આસપાસના જિલ્લાઓમાં આકરી ગરમી યથાવત રહેશે. તેમણે લોકોને બપોરે જરૂરી હોય ત્યારે જ બહાર જવાની સલાહ આપી હતી.
હીટવેવની સ્થિતિ પર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)ના સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે, "ઉત્તર ભારતમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. આ માટે અમે રાજ્યોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી અને તેમને જરૂરી પગલાં લેવા જણાવ્યુ છે. પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે પથારી તૈયાર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.
એક તરફ ઉત્તરમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે દક્ષિણમાં થોડી રાહત મળવાની સંભાવના છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે આગામી 2-3 દિવસમાં તમિલનાડુ અને કેરળમાં 12 સેમી સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ભારતમાં 24 મે સુધી ભારે વરસાદ પડશે. કેરળમાં 22 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચોમાસાની વાત કરીએ તો તે 31 મેના રોજ કેરળમાં શરુ થાય તેવી શક્યતા છે. જે બાદ તે ધીરે ધીરે ઉત્તર ભારત તરફ આગળ વધશે.












Click it and Unblock the Notifications
