
પશ્ચિમ બંગાળના મંત્રી સુબ્રતો મુખર્જીનું નિધન, CM મમતા બેનર્જીએ વ્યક્ત કર્યો શોક
કોલકાતા: પશ્ચિમ બંગાળના મંત્રી અને TMCના વરિષ્ઠ નેતા સુબ્રત મુખર્જીનું ગુરુવારની સાંજે 75 વર્ષની વયે નિધન થયું છે. તેમણે કોલકાતાની SSKM હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ તેમના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને શુક્રવારની સવારે કોલકાતાના રવીન્દ્ર સદનમાં રાખવામાં આવશે.
સુબ્રતો મુખર્જીના નિધનના સમાચાર મળતા જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતાની SSKM હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, સુબ્રતો મુખર્જીનું નિધન આપણા માટે મોટી ખોટ છે. ગોવાથી આવ્યા બાદ હું સૌ પ્રથમ સુબ્રતો દાને મળવા હોસ્પિટલ આવ્યો હતો. અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો, ડોક્ટર્સે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ તેને બચાવી શક્યા નહીં.
West Bengal: CM Mamata Banerjee visits SSKM hospital in Kolkata where state minister and senior TMC leader Subrata Mukherjee passed away this evening. pic.twitter.com/5CnfY71FBa
— ANI (@ANI) November 4, 2021
સુબ્રતો મુખર્જી મમતા બેનર્જીની ખૂબ નજીકના નેતાઓમાંના એક હતા. સુબ્રત મુખર્જીના નેતૃત્વમાં પંચાયત વિભાગે બંગાળમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, સુબ્રતો મુખર્જીએ કોલકાતાના મેયરનું પદ પણ સંભાળ્યું હતું અને બંગાળના નેતાઓમાં તેમની એક ખાસ ઓળખ હતી.
પંચાયત મંત્રી સુબ્રત મુખર્જીને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ 25 ઓક્ટોબરના રોજ SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, બંગાળના મંત્રી સુબ્રત મુખર્જી શ્વાસની ગંભીર બિમારીથી પીડિત હતા. આ સિવાય તેમને સુગર અને હાઈ બ્લડ પ્રેશરની પણ સમસ્યા હતી. ઉલ્લેખનીય છે કે, સુબ્રતો મુખર્જી વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં બાલીગંજ સીટ પરથી ચૂંટાયા હતા.