For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંઘુ બૉર્ડર પર દલિતની હત્યા બાદ ચર્ચામાં આવેલા નિહંગ શીખ કોણ છે અને શું છે તેમનો ઇતિહાસ?

દિલ્હીની સિંઘુ સરહદે એક યુવકની ઘાતકી હત્યા કરી દેવાઈ, જેમાં તેના એક પગ અને હાથ કાપી નાખવામાં આવ્યા. આ હત્યાની જવાબદારી નિહંગ સમૂહે લીધી છે, જેમાં સરવજિત નામના નિહંગે પોલીસ સમક્ષ આત્મસમર્પણ પણ કર્યું છે.અહેવાલો પ્રમાણે

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

દિલ્હીની સિંઘુ સરહદે એક યુવકની ઘાતકી હત્યા કરી દેવાઈ, જેમાં તેના એક પગ અને હાથ કાપી નાખવામાં આવ્યા. આ હત્યાની જવાબદારી નિહંગ સમૂહે લીધી છે, જેમાં સરવજિત નામના નિહંગે પોલીસ સમક્ષ આત્મસમર્પણ પણ કર્યું છે.

અહેવાલો પ્રમાણે નિહંગ સમૂહનું કહેવું છે કે 'યુવકે ગુરુ ગ્રંથસાહેબનું અપમાન કર્યું હતું, આથી તેની હત્યા કરવામાં આવી.' જોકે પોલીસનું કહેવું છે કે તેઓ ગુરુ ગ્રંથસાહિબના અપમાનના મામલા અંગે તપાસ કરી રહી છે.

નિહંગ શીખ

આ મામલામાં હવે લોકો નિહંગ શીખો અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.

આખરે આ નિહંગ સમૂહ શું છે? નિહંગ શીખ કોણ છે અને શું છે તેમનો ઇતિહાસ?


કોણ છે નિહંગ શીખ?

નિહંગો હંમેશાં પોતાની સાથે કોઈ હથિયાર રાખે છે, જે ચક્ર કે ખાંડું (બેધારી તલવાર) હોય છે.

નિહંગ શીખોનો પ્રસિદ્ધ અને સૌથી સન્માનિત સમૂહ છે, લગભગ 300 વર્ષ પહેલાં શીખોના 10મા ધર્મગુરુ ગોવિંદસિંહે મોઘલો સામે લડવા માટે તથા શીખ ધર્મની રક્ષા કરવા માટે તેનું ગઠન કર્યું હતું.

નિહંગ શબ્દનો મતલબ ફારસીમાં કલમ, તલવાર કે મગર એવો થાય છે. 'નિહંગ' શબ્દ નિઃશંક ઉપરથી ઊતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે, જેનો અર્થ મનમાં કોઈ પણ ભય કે શંકા ન હોય તેવી વ્યક્તિ છે.

'પીડા કે સુખાકારીથી પર' કે 'ધ્યાન, તપ તથા સેવાને સમર્પિત' એવો અર્થ પણ થાય છે, ગુરુ ગ્રંથસાહિબમાં પણ નિર્ભય તરીકે નિહંગનો ઉલ્લેખ છે.

ગુરુ ગ્રંથસાહિબ મુજબ નિહંગોને સાંસારિક ચીજવસ્તુઓનો મોહ નથી હોતો, તેઓ નીલરંગી કપડાં પહેરે છે. તેમણે સામાન્યતઃ અમૃતપાન કરેલું હોય છે.

તેમની પાઘડી એક ફૂટ કે તેથી પણ વધારે મોટી હોય છે. તેની પર 'દુમલા' હોય છે. તેઓ હંમેશાં પોતાની સાથે કોઈ હથિયાર રાખે છે, જે ચક્ર કે ખાંડું (બેધારી તલવાર) હોય છે.


1865માં શીખ સૈનિકની તસવીર

નિહંગ શીખ ગુરુ

તેઓ યુદ્ધો દરમિયાન પાઘડી પર ત્રિશૂલ મુખ રાખતા હતા; હાથમાં લોખંડના કડા, કમર પર કટાર, પીઠ પર ભેંસના ચામડાંની ઢાલ, સંજો (લોખંડની સાંકળથી બનેલાં કપડાં), ચાર આઈના (ચાર ભાગનું બનેલું ચમકતું લોખંડી બખતર), તેગ (10 મુઠ્ઠીની તલવાર), જંગી મોજે (બ્લૅડવાળા વિશિષ્ટ જૂતાં) અને ટોધાર બંદૂક રાખતા હતા.

છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન નિહંગો આધુનિક ફાયરઆર્મ્સ, જીપ, કાર તથા ટ્રક જેવાં સાધનો પણ પોતાની સાથે રાખે છે, તેઓ બ્રહ્મચારી કે સંસારી પણ હોઈ શકે છે.

હાલના સમયમાં નિહંગોનું નેતૃત્વ 'સંત' કરે છે, જે ખુદને ગુરુ જાહેર કર્યા વગર શીખ ધર્મની મર્યાદામાં રહીને કામ કરે છે.

તેમની અમુક પરંપરા હિંદુઓને મળતી આવે છે. કેટલાક નિહંગ માંસ તથા મદ્યપાન કરે છે, જેને રૂઢિચુસ્ત શીખ વર્જ્ય માને છે. પરંપરાગત રીતે ઇશ્વરની નજીક પહોંચવા માટે તેઓ ભાંગનું સેવન પણ કરે છે.

https://www.youtube.com/watch?v=GKnSPblasIs

યુદ્ધ દરમિયાન શીખો પોતાની સાથે 'નિશાન સાહિબ' લઈને જતા હતા. યોદ્ધા મૃત્યુ પામે કે ઘાયલ થાય, ત્યારે જ તે જમીનને સ્પર્શતું હતું. પાછળથી શીખ યોદ્ધા નીલરંગી કપડું 'ફર્લા' પહેરીને જતા હતા, જેને પાઘડીની ઉપર બાંધવામાં આવતું હતું.

નિહંગો 'શસ્ત્રવિદ્યા'માં નિપુણ હોય છે, જેના પાંચ તબક્કા હોય છે. દુશ્મન તરફ ધસી જવું, પાંસળી અને થાપાની વચ્ચેના ભાગ પર પ્રહાર કરવો, પોતાની ઉપર થતાં પ્રહારને ખાળવા, વર્ચસ્વ મેળવવું અને હુમલો કરવો.

શસ્ત્રવિદ્યા અને 'ગટકા'એ અલગ વિદ્યા છે. ગટકા લાકડીથી લડવાની વિદ્યા છે. પંજાબ પર અંગ્રેજોના શાસન દરમિયાન તેનો વિકાસ થયો હતો. બ્રિટિશ તથા ભારતીય સેનામાં પણ અનેક શીખ જવાન ગટકા જાણે છે.

તેનો ઉપયોગ લડાઈ કરતાં નિદર્શન વખતે વધુ થાય છે અને પંજાબમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમો તથા શીખ તહેવારો દરમિયાન તેનું નિદર્શન પણ થાય છે.


લડકી અને રૂપા એટલે શું?

શીખોના યુદ્ધ હવે ઇતિહાસ બની ગયા છે, પરંતુ સંઘર્ષના સમયે વિકસેલી બોલી હજુ જીવિત છે. આ 'બોલી' આજે પણ તેમની પરંપરાના ભાગરૂપ છે તથા નિહંગોના દરેક સંપ્રદાય દ્વારા તેનો ઉપયોગ થાય છે.

વિશિષ્ટ સૈન્ય હેતુસર આ બોલીને વિકસાવવામાં આવતી હતી, જે યુદ્ધના સમયે નિહંગોની વચ્ચે સંકલન સાધવામાં તથા તેમનો જોશ વધારવામાં મદદ કરતી હતી.

શીખ યોદ્ધાઓની વ્યૂહરચના જાણવા માટે દુશ્મનોના જાસૂસ નિહંગોની વચ્ચે ભળી જતા હતા, આથી તેમને તથા દુશ્મનોને થાપ આપવા માટે આ બોલી વિકસાવવામાં આવી હતી.

આ સિવાય 'મરદાના' બોલી પણ નિહંગોને તેમની તકલીફ ભૂલાવીને હળવાશથી ભરી દે છે.

આ બોલી દુશ્મનોના જાસૂસોને ગેરમાર્ગે દોરવા ઉપરાંત હામ હારી રહેલા શીખ યોદ્ધાઓમાં જોશ ભરવાનું કામ પણ કરતી હતી, કારણ કે ઘણી વખત યુદ્ધભૂમિમાં તેમની પાસે જમવા માટે કંઈ ન રહેતું.

લડાઈ દરમિયાન જે શીખ યોદ્ધાની આંખ જતી રહે તેને 'સુરમા' તથા શ્રવણશક્તિ જતી રહે તેમને 'ચૌબારે' કહેવામાં આવતા હતા.

નિહંગો દ્વારા તીખાં મરચાંને 'લડકી' કહેવામાં આવે છે, કારણ કે તે જીભ પર તીખાશ મૂકી જાય છે.

આ સિવાયના કેટલાક શબ્દો પર નજર કરીએ તો સવા લાખ (સૈનિક), બદામ (મગફળી), અંડા (બટાટા), મીઠા પ્રસાદ (રોટલી), તીડ ફૂંકની (ચા), ભૂતની (ટ્રૅન), તેજા (એંજિન), ગોબિંદિયા (ગાજર), બસંત કૌર (મક્કા), હીરે (સફેદ વાળ) અને કસ્તૂરા (સુવર) જેવા શબ્દોનો ઉપયોગ કરે છે.

ભાષા અને યુદ્ધવિદ્યા ઉપરાંત કેટલીક મૌખિક પરંપરાઓ પણ છે, જે 'ગુરુ-શિષ્ય પરંપરા'થી આગળ વધે છે.


નિહંગોની ચડતી અને પડતી

https://www.youtube.com/watch?v=R9P0xMmNPgM

અગાઉ બીબીસી સાથે વાત કરતાં યુનિવર્સિટી ઑફ લંડન ખાતે દક્ષિણ એશિયાઈ બાબતોના પૂર્વ પ્રાધ્યાપક ક્રિસ્ટૉફર શૅકલે જણાવ્યું હતું, "શીખોમાં સમયાંતરે ઉત્ક્રાંતિ થઈ છે."

"17મી સદીમાં જ્યારે નિહંગ (સંપ્રદાય)ની સ્થાપના થઈ, ત્યારે તેઓ ખૂબ જ શક્તિશાળી હતા, પાછળથી તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. સાથે જ તેઓ સમય કરતાં પાછળ રહી ગયા હોવાની લાગણી છે."

જ્યારે મહારાજા રણજિતસિંહે શીખ સામ્રાજ્યની સ્થાપના કરી, ત્યારે તેમને અહેસાસ થયો કે અંગ્રેજોને દૂર રાખવા માટે આધુનિક સેનાની જરૂર છે.

આથી તેમણે નેપોલિયનની સેનાના પૂર્વ સૈન્ય અધિકારીઓને કામે રાખ્યા અને નિહંગો હાંસિયામાં ધકેલાઈ ગયા.

અન્ય એક ઘટનાને કારણે રણજિતસિંહને મન નિહંગ અપ્રિય થઈ ગયા હોવાનું કહેવાય છે.

1802માં રાજા રણજિતસિંહે અમૃતસરની મુસલમાન નાચવાવાળી મોરા સાથે લગ્ન કર્યું હતું.

આ બાબત નિહંગોના નેતા અકાલી ફલાસિંહ તથા કેટલાક કટ્ટર શીખોને પસંદ નહોતી આવી. ફલાસિંહ અકાલ તખ્તના જથ્થેદાર પણ હતા.

ફકીર અઝીઝુદ્દીન લખે છે કે એક વખત મહારાજા રણજિતસિંહ હાથી પર સવાર થઈને ફલાસિંહની બાલકનીની નીચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ગિન્નાયેલા નિહંગ સરદારે કહ્યું, "અરે કાણા, આ પાડાની સવારી તને કોણે આપી?"

આ તબક્કે મહારાજા રણજિતસિંહે જવાબ આપતાં કહ્યું હતું, "સરકાર, તમે જ મને આ ભેંટ આપી છે." છતાં કદાચ તેઓ આવા અપમાન ક્યારેય ભૂલી શક્યા ન હતા.

1849માં અંગ્રેજોએ શીખોને હરાવ્યા, ત્યારે નિહંગોએ તેમના હથિયાર સોંપી દેવા પડ્યા હતા.

નિહંગોથી અંગ્રેજો એટલા ગભરાતા કે તેમણે 'મારી નાખવા માટે ગોળી ચલાવો'ની નીતિ અપનાવી હતી. જે મુજબ જો કોઈ નીલરંગી પાઘડીવાળો શખ્સ ફાયરઆર્મ સાથે દેખાય તો તેને ઠાર મારી દેવામાં આવતો હતો.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Who are the Nihang Sikhs discussed after the killing of Dalits on the Singhu border and what is their history?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X