
કોણ છે બિપિન રાવત, જાણો ક્યારે બન્યા હતા CDS?
તમિલાનાડુના કુન્નુરમાં ખરાબ હવામાનને કારણે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકો સવાર હતા. પ્રારંભિક માહિતી અનુસાર CDS બિપિન રાવત તેમની પત્ની સાથે વેલિંગ્ટનમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. આ દુર્ઘટના કુન્નૂરના ગાઢ જંગલમાં બની છે. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોનું નિધિન થયું છે. આ દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવતનું પણ નિધન થયું છે.

ઉત્તરાખંડના છે બિપિન રાવત
ઉલ્લેખનિય છેકે બિપિન રાવતને 31 ડિસેમ્બર 2019ના રોજ સીડીએસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ લક્ષ્મણ સિંહ રાવતના પુત્ર બિપિન રાવતનો જન્મ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં થયો હતો. તેમનો પરિવાર ઘણી પેઢીઓથી સેનામાં સેવા આપી રહ્યો છે. બિપિન રાવત સેન્ટ એડવર્ડ સ્કૂલ શિમલાના અને નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકસાલાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેમને ડિસેમ્બર 1978માં ભારતીય મિલિટરી એકેડેમી, દેહરાદૂનમાંથી 11મી ગોરખા રાઈફલ્સની 5મી બટાલિયનમાં કમિશન આપવામાં આવ્યું હતું, જ્યાં તેમને 'સ્વોર્ડ ઓફ ઓનર'થી નવાજવામાં આવ્યા હતા.

બિપિન રાવતનો પરિવાર
બિપિન રાવતની પત્નીનું નામ મધુલિકા રાવત છે. મધુલિકા રાવત આર્મી વેલ્ફેર સાથે સંકળાયેલી છે. તે આર્મી મહિલા કલ્યાણ સંઘના પ્રમુખ છે. બિપિન રાવતને પણ બે દીકરીઓ છે. એક દીકરીનું નામ કૃતિકા રાવત છે.

2016માં બન્યા આર્મી ચીફ
CDS બનતા પહેલા બિપિન રાવત 27માં આર્મી ચીફ હતા. આર્મી ચીફ બનાવતા પહેલા, તેમને 1 સપ્ટેમ્બર 2016 ના રોજ ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

દેશને વિશિષ્ટ સેવાઓ આપવા બદલ ઘણી વખત સન્માનિત કરાયા
બિપિન રાવત પાસે આતંકવાદ વિરોધી કામગીરીમાં કામ કરવાનો ઘણા વર્ષોનો અનુભવ છે. બિપિન રાવતે ઘણા વર્ષોથી હાઈ એલ્ટિટ્યુડ વોર ઝોનમાં પણ કામ કર્યું છે. તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે, તેમને 'પરમ વિશિષ્ટ સેવા મેડલ' એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ઠ સેવા મેડલ વગેરેથી નવાજવામાં આવ્યા છે.

બિપિન રાવતે ચીન સાથેની LoC પર આપી સેવા
જનરલ બિપિન રાવતને હાઈ એલ્ટિટ્યુડ કોમ્બેટ ઝોન અને કાઉન્ટર ઈન્સર્જન્સી ઓપરેશન્સ કમાન્ડ કરવાનો અનુભવ છે. 1986 માં, તેમણે ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર પાયદળ બટાલિયનના વડા તરીકે સેવા આપી હતી. આ સિવાય તેમણે કાશ્મીર ઘાટીમાં રાષ્ટ્રીય રાઈફલ્સ અને 19 ઈન્ફન્ટ્રી ડિવિઝનના સેક્ટરની કમાન પણ સંભાળી છે. તેમણે કોંગોમાં યુએન પીસકીપીંગ મિશનનું નેતૃત્વ પણ કર્યું છે.ૉ

ઘણા ઓપરેશન કર્યા લીડ
CDS બિપિન રાવતના નેતૃત્વમાં ભારતીય સેનાએ પણ અનેક ઓપરેશન હાથ ધર્યા છે. તેમણે પૂર્વોત્તરમાં આતંકવાદને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જૂન 2015માં મણિપુરમાં આતંકવાદી હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા. આ પછી 21 પેરા કમાન્ડોએ સરહદ પાર કરી અને મ્યાનમારમાં આતંકવાદી સંગઠન NSCN-ના ઘણા આતંકવાદીઓને ઠાર કર્યા. ત્યારે 21 પેરા થર્ડ કોર્પ્સ હેઠળ હતું, જેના કમાન્ડર બિપિન રાવત હતા.

સર્જિકલ સ્ટ્રાઇકમાં પણ મહત્વની ભુમિકા
આ સિવાય 29 સપ્ટેમ્બર 2016ના રોજ ભારતીય સેનાએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને ઘણા આતંકી કેમ્પ અને આતંકીઓને ઠાર કર્યા હતા. ઉરીમાં આર્મી કેમ્પ અને પુલવામામાં CRPF પર થયેલા હુમલામાં અનેક જવાનો શહીદ થયા બાદ ભારતીય સેનાએ આ કાર્યવાહી કરી હતી.

40 વર્ષ કરી દેશની સેવા
વર્ષ 2019 માં PM નરેન્દ્ર મોદીએ દેશની ત્રણેય સેનાઓ વચ્ચેના સંકલનને વધુ બહેતર બનાવવા માટે લાલ કિલ્લાના કિલ્લા પરથી 15 ઓગસ્ટના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) ના નવા પદની રચના કરવાની જાહેરાત કરી હતી. આ પછી જ, ભારતીય સેના પ્રમુખ પદ પરથી નિવૃત્ત થયા પછી, બિપિન રાવતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સંભાળ્યું.
તેમની ચાર દાયકાની સેવા દરમિયાન જનરલ બિપિન રાવતે બ્રિગેડ કમાન્ડર, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (GOC) સધર્ન કમાન્ડ, જનરલ સ્ટાફ ઓફિસર ગ્રેડ 2 લશ્કરી કામગીરી ડિરેક્ટોરેટ, મિલિટરી સેક્રેટરી બ્રાન્ચમાં કર્નલ મિલિટરી સેક્રેટરી અને ડેપ્યુટી મિલિટરી સેક્રેટરી તરીકે સેવા આપી હતી. જુનિયર કમાન્ડ વિંગમાં વરિષ્ઠ પ્રશિક્ષક તરીકે પણ સેવા આપી ચૂક્યા છે