ઇન્ટરપોલમાં એશિયાનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા IPS પ્રવીણ સિંહા કોણ છે?
નવી દિલ્હી, 25 નવેમ્બર : ઇન્ટરપોલે ગુરુવારે ભારતના IPS અધિકારી પ્રવીણ સિંહાને તેની કાર્યકારી સમિતિમાં એશિયાના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા છે. તુર્કીમાં યોજાયેલી 89મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલી દરમિયાન કાર્યકારી સમિતિની ચૂંટણીમાં પ્રવિણ સિંહા ચૂંટાયા હતા. ભારતીય ઉમેદવારને આ ચૂંટણીમાં મોટા પડકારનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે આ ચૂંટણીમાં ચીન, સિંગાપોર, રિપબ્લિક ઓફ કોરિયા અને જોર્ડનની નજર એક્ઝિક્યુટિવ કમિટીના બે હોદ્દા પર હતી.

ભારતની ચીન સાથે સ્પર્ધા હતી
ભારતે બે પદ માટે ચૂંટણી લડી હતી. મળતી માહિતી મુજબ, આ ચૂંટણીઓને લઈને ભારતીય ઉમેદવારની તરફેણમાં વાતાવરણ બનાવવાના પ્રયાસો ઘણા સમયથી ચાલી રહ્યા હતા. સુત્રો મુજબ, દિલ્હીમાં રાજદૂતો અને હાઈ કમિશનરોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ભારતીય દૂતાવાસો અને હાઈ કમિશનોએ પણ આ ચૂંટણીમાં તેમની ભૂમિકા ભજવી હતી. સુત્રોએ કહ્યું કે, આજની જીત સમગ્ર વિશ્વમાં તીવ્ર અને સારી રીતે સંકલિત ચૂંટણી અભિયાનનું પરિણામ છે. ઇન્ટરપોલ આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાઓ, આતંકવાદ અને સાયબર ગુનાઓના વધતા જોખમને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ સંસ્થા છે. આ દરમિયાન ઇન્ટરપોલે યુએઇના એક વિવાદાસ્પદ અધિકારીને તેના નવા પ્રમુખ તરીકે ચૂંટ્યા છે.

પ્રવીણ સિંહા સીબીઆઈમાં ઘણા મહત્વના પદો પર રહી ચૂક્યા છે
બીજી તરફ જો આઈપીએસ પ્રવીણ સિંહાની વાત કરીએ તો તે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડાયરેક્ટર છે. પ્રવીણ સિંહા ભૂતકાળમાં સીબીઆઈના કાર્યકારી વડા તરીકે પણ રહી ચૂક્યા છે. સીબીઆઈના પૂર્વ નિર્દેશક ઋષિ કુમાર શુક્લાના સ્થાને તેમને આ જવાબદારી મળી છે. પ્રવીણ સિંહા સીબીઆઈમાં લાંબો કાર્યકાળ ધરાવે છે અને એજન્સીમાં અનેક મહત્વના હોદ્દા પર રહીને મોટા કેસ ઉકેલવામાં સામેલ રહ્યાં છે. તે ગુજરાત કેડરના 1988 બેચના IPS અધિકારી છે.

આ કેસ ઉકેલી ચૂંક્યા છે
પ્રવીણ સિંહાએ 2000 થી 2021 વચ્ચે બે રાઉન્ડમાં કેન્દ્રીય તપાસ એજન્સીમાં એસપી, ડીઆઈજી, જોઈન્ટ ડાયરેક્ટર અને હવે એડિશનલ ડાયરેક્ટર જેવા મહત્વના પદો સંભાળ્યા છે. તે 1996માં ACB, અમદાવાદમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. પ્રવીણ સિંહા બેંક છેતરપિંડી, નાણાકીય ગુનાઓ અને શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ વગેરે સહિત સુપ્રીમ કોર્ટ/હાઈકોર્ટ દ્વારા નિર્દેશિત અથવા દેખરેખ હેઠળના અનેક કૌભાંડોની તપાસ સાથે પણ સંકળાયેલા છે. આ ઉપરાંત, તેમણે CAT અને ઓલ ઈન્ડિયા પ્રી મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ (AIPMT) માં પેપર લીકને બહાર લાવવામાં પણ મોટી ભૂમિકા ભજવી છે.

ફોજદારી કાયદાઓમાં સુધારામાં મહત્વની ભૂમિકા ભજવી છે
પ્રવીણ સિંહાને 15 વર્ષ બાદ CBIના ક્રાઈમ મેન્યુઅલમાં સુધારો કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ સિવાય તેઓ 2015-2018 વચ્ચે દેશના ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં વધારાના સચિવ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 2020માં CBIના ક્રાઈમ મેન્યુઅલનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો તે પહેલા પ્રવીણ સિંહાએ 2017માં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના વિજિલન્સ મેન્યુઅલનો મુસદ્દો પણ તૈયાર કર્યો હતો. તેઓ ઘણી નવીન અને સુધારાત્મક પહેલોમાં પણ સામેલ રહ્યાં છે. તેઓ CVC દ્વારા સ્થપાયેલી અનેક સુધાર સમિતિઓના સભ્ય રહી ચૂક્યા છે. આ સિવાય ગૃહ મંત્રાલય દ્વારા ફોજદારી કાયદામાં સુધારા માટે જે સમિતિની રચના કરવામાં આવી છે તેઓ તેના પણ સભ્ય છે.