
કોવિન પોર્ટલ પર આધાર કાર્ડ ફરજિયાત કેમ?-સુપ્રીમ કોર્ટે
નવી દિલ્હી, 01 ઓક્ટોબર : એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને UIDAI ને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં કોર્ટે બંને પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાતી અરજીમાં કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે આધારની ફરજિયાત જરૂરિયાતને દૂર કરવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરી રહી છે. કોર્ટે નોટિસમાં પૂછ્યું છે કે, કોવિન પોર્ટલ પર આધાર કાર્ડની વિગતો આટલી મહત્વની કેમ છે?
કોર્ટમાં અરજદારના વકીલે પોતાની દલીલમાં કહ્યું કે, રસીના રજીસ્ટ્રેશન માટે માત્ર આધાર કાર્ડ માંગવું કેટલું યોગ્ય છે, જ્યારે અન્ય દસ્તાવેજોનો પણ આઈડી પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકાય છે. અરજદારના વકીલે કહ્યું કે, કોવિન એપ પર તમે અન્ય દસ્તાવેજો દ્વારા પણ નોંધણી કરાવી શકો છો, પરંતુ રસીકરણ કેન્દ્રમાં માત્ર આધાર કાર્ડ કેમ માંગવામાં આવે છે?
આ સુનાવણી દરમિયાન જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે અરજદારના વકીલને પૂછ્યું કે, શું તમે તાજેતરમાં ખુદ CoWin એપ જોઈ છે? અખબારોના લેખો પર ન જાવ. તેને અપડેટ કરવામાં આવ્યું છે. કોર્ટે વધુમાં કહ્યું કે હવે કોવિન પોર્ટલ પર નોંધણી માટે અન્ય આઈડી પ્રૂફ પણ આપી શકાય છે. સુપ્રીમ કોર્ટ અરજદાર સિદ્ધાર્થ શંકર શર્માની અરજી પર સુનાવણી કરી રહી છે અને તેમના વકીલ મયંક ક્ષીરસાગર કોર્ટમાં દલીલ કરી રહ્યા હતા.
ખંડપીઠે અરજદારના વકીલને કહ્યું કે, કોવિન પોર્ટલ પર નોંધણી કરવા માટે આધાર કાર્ડ એકમાત્ર આઈડી નથી. તમે ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, મતદાર ID, પાસપોર્ટ, રેશન કાર્ડ વગેરે સાથે પણ નોંધણી કરાવી શકો છો. તમે ખુદ જઈને ચેક કરી શકો છો. જવાબમાં વકીલે કહ્યું કે, ભલે પોર્ટલ પર સાત આઈડી સાથે નોંધણી કરાવી શકે, પરંતુ કેન્દ્રમાં માત્ર આધાર કાર્ડ જ માંગવામાં આવે છે.