For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૉર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ કેમ ન આપી?

કૉર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ કેમ ન આપી?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

Click here to see the BBC interactive

આગામી 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર અને ભાવનગર એમ કુલ છ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ચૂંટણી યોજાશે. જે માટે રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

આ વખત જ્યારે આપ અને ઑલ ઇન્ડિયા મજલિસ-એ- ઇત્તેહાદ-ઉલ-મુસલિમીન (AIMIM)ની એન્ટ્રીને કારણે રાજ્યની સ્થાનિકસ્વરાજની ચૂંટણી વધુ ચર્ચાસ્પદ બની છે ત્યારે રાજ્ય અને દેશમાં સત્તા પર વિરાજમાન ભાજપે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં એક પણ બેઠક પર મુસ્લિમ ઉમેદવારને તક ન આપતાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીનો આ ચોપાંખીયો જંગ વધુ રસપ્રદ બન્યો છે.

નોંધનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સહિત રાજ્ય અને દેશમાં સત્તા પર આસીન ભાજપે મ્યુનિસિપલ કૉર્પોરેશનની 192 બેઠકો પૈકી એક પણ બેઠક પર મુસ્લિમ ઉમેદવાર નથી ઊતાર્યા.

ઇન્ડિય એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ભાજપના કેટલાક મુસ્લિમ કાર્યકરોએ પાર્ટીના આ નિર્ણય સામે વિરોધ પગ્રટ કરવા માટે અમદાવાદના ખાનપુર ખાતે પાર્ટી ઑફિસ પર પ્રદર્શન કર્યું હતું. પાર્ટીના આ નિર્ણયના કારણે રોષે ભરાયેલા મુસ્લિમ કાર્યકરે પાર્ટીના આ નિર્ણયને 'કોમવાદી’ ગણાવ્યો હતો.

આની સામે અમદાવાદ જેવા મોટા શહેરમાં, જ્યાં વર્ષ 2011ની વસતિગણતરી મુજબ આશરે 55 લાખની કુલ વસતિની સામે 13.51 ટકા જેટલા, એટલે કે કે 7,60,000થી વધુ મુસ્લિમો છે, ત્યાં એક મહત્ત્વપૂર્ણ રાજકીય પક્ષ દ્વારા એક પણ મુસ્લિમને ચૂંટણી લડવા માટેની ટિકિટ ન આપવામાં આવે એ વાતને કારણે પક્ષના મુસ્લિમ કાર્યકરોમાં અસંતોષ હોય એ વાત સ્વાભાવિક છે. પરંતુ આટલી મોટી સંખ્યા છતાં આખરે સત્તાપક્ષ ભાજપે કેમ આવો નિર્ણય લીધો હશે? તે પાછળ પક્ષની રણનીતિ શું હશે? પક્ષ આ નિર્ણય થકી શું સંદેશો આપવા માગે છે?

આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક રાજકીય વિશ્લેષકો અને પક્ષના હોદ્દાદારો સાથે વાતચીત કરી હતી.


શું કહે છે ભાજપના સત્તાધીશો?

નરેન્દ્ર મોદી

ગુજરાત ભાજપના લઘુમતિ મોરચાના પ્રમુખ એમ. કે. ચિસ્તી અમદાવાદમાં ભાજપે કોઈ પણ મુસ્લિમ કાર્યકરોની અવગણના કરી નથી તેવો મત વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે, “કોઈ પણ રાજકીય પક્ષ ઉમેદવારની જીતવાની શક્યતાના આધારે ટિકિટ આપતો હોય છે. ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 2010 અને 2015ની ચૂંટણીમાં ભાજપે અમદાવાદમાં પણ ચાર-ચાર મુસ્લિમ ઉમેદવારોને કૉર્પોરેશનની ચૂંટણીમાં તક આપી છે. પરંતુ તેઓ જીતી શક્યા નહોતા. તેથી ભૂતકાલને જોતાં આ વખત અમદાવાદમાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ નથી અપાઈ.”

તેઓ પક્ષના આ નિર્ણય પાછળનો તર્ક વ્યક્ત કરતાં આગળ જણાવે છે કે, “ભાજપના મુસ્લિમ ઉમેદવારો શહેરોમાં નહીં પરંતુ તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીઓમાં જીતે છે. પાછલી ચૂંટણીની વાત કરીએ તો તાલુકા-નગરપાલિકાની ચૂંટણીઓમાં મુસ્લિમ સમાજના ભાજપના 200 જેટલા ઉમેદવારો જિત્યા છે. આ વલણને જોતાં પક્ષે અમદાવાદમાં મુસ્લિમોને આ વખત ટિકિટ નથી ફાળવવામાં આવી.”

તેઓ ભાજપના આ નિર્ણયના કારણે મુસ્લિમોની અવગણના થઈ હોવાનું માનતા નથી. તેઓ કહે છે કે, “એવું નથી કે ભાજપ ક્યાંય મુસ્લિમોને ટિકિટ જ નથી આપતો. અમને વિશ્વાસ છે કે બીજા તબક્કામાં જ્યારે તાલુક અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે ત્યારે મુસ્લિમ સમાજના ઉમેદવારોને સારી એવી સંખ્યામાં ટિકિટો ફાળવવામાં આવશે. તેથી હું નથી માનતો કે માત્ર એક શહેરમાં ટિકિટો ન ફાળવવાથી ભાજપે મુસ્લિમ સમાજની ક્યાંય અવગણના કરી છે.”

ભાજપ-કૉંગ્રેસના ધ્વજ

તેમની આ વાત સાથે સૂર પુરાવતાં ભાજપના અમદાવાદ-ગાંધીનગરના પ્રભારી અનવર હુસૈન જણાવે છે કે, “ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે. ભાજપ ક્યારેય હિંદુ કે મુસ્લિમનો ભેદભાવ કરતો નથી. જ્યારે ચૂંટણી લડવાની વાત આવે છે ત્યારે ઉમેદવારની જીતવાની ક્ષમતા જોવામાં આવે છે. જો પક્ષને લાગે કે જે-તે ઉમેદવારમાં જીતવાની ક્ષમતા નથી તો તેને ટિકિટ ન પણ આપે. તેમાં ક્યાંય વ્યક્તિ હિંદુ છે કે મુસ્લિમ તે સવાલ આવીને ઊભો રહેતો નથી.”

આ સિવાય તેઓ અમદાવાદમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ચૂંટણી લડવા માટેની ટિકિટ નથી ફાળવાઈ, તેનું કારણ સ્પષ્ટ કરતાં કહે છે કે, “હાલમાં મુસ્લિમ સમાજના ઘણા ઓછા લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. એવા સંજોગોમાં પક્ષ મુસ્લિમ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારીને તેમના જીવને જોખમમાં નથી મૂકવા માગતી. કારણ કે ”

તેઓ પક્ષના આ નિર્ણય માટે કૉંગ્રેસ અને AIMIMના નેતાઓએ સર્જેલા કોમવાદી વાતાવરણને કારણ ગણાવતાં કહે છે કે, “ભાજપે જો અમદાવાદમાં મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા હોત તો પણ તેમની જીતવાની શક્યતા નહિવત્ હતી. બીજી વાત એ કે હાલ ચૂંટણીમાં કૉંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા સર્જવામાં આવેલ કોમવાદનો માહોલ મુસ્લિમ ઉમેદવાર માટે હિતકારી નથી.”

તેઓ કહે છે કે, “પાર્ટી પાસે બધી જગ્યાએ સક્ષમ ઉમેદવારો છે, જેમાં મુસ્લિમ ઉમેદવારો પણ સામેલ છે. પરંતુ પક્ષ જીવના જોખમે કોઈને ચૂંટણીમાં ઉતારવા નથી માગતો. અત્યારના સંજોગોમાં કૉંગ્રેસના કાર્યકરોનો પણ હૂરિયો બોલાવવામાં આવે છે. તેમની ઉપર પણ ઈંડાં અને ટમાટર ફેંકવામાં આવે છે. આવા સંજોગોમાં ભાજપના કાર્યકરોની સુરક્ષા શું ગૅરંટી છે.”

“મુસ્લિમ વિસ્તારોમાં એમ પણ ભાજપની તરફેણમાં ખૂબ જ ઓછા મત પડે છે. તો આવા સંજોગોની અંદર કેવી રીતે મુસ્લિમ સમાજના ઉમેદવારને ચૂંટણીમાં ઊભા રાખી શકાય?”

વિજય રૂપાણી

ભાજપના મુસ્લિમ કાર્યકરો સામે મહાનગરોમાં જે નફરતનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તેના કારણે એવું કહેવાય છે કે ભાજપના મુસ્લિમ કાર્યકરો સમાજના દ્રોહી અને વિરોધી છે. તેથી હાલ મહાનગરોમાં ભાજપના મુસ્લિમ કાર્યકરોની જાન જોખમમાં છે. આવા સંજોગોમાં કેવી રીતે પક્ષના મુસ્લિમ કાર્યકરોને આવા વિસ્તારોમાં ચૂંટણીમેદાનમાં ઉતારી શકાય?

તેઓ ભાજપના મુસ્લિમ કાર્યકરોને અંગે થઈ રહેલા દુષ્પ્રચાર અંગે વાત કરતાં કહે છે કે, “ભાજપના મુસ્લિમ ઉમેદવારના ઘર સામે પ્રદર્શન થાય, તેમને તેમના વિસ્તારમાં જ પ્રચાર ન કરવા દેવામાં આવે. આવા સંજોગોમાં પક્ષનો મુસ્લિમ કાર્યકર કફોડી સ્થિતિમાં મુકાય છે. અને આવું બધું ભૂતકાળમાં બની ચૂક્યું છે. તેથી આ વખત પક્ષે અમદાવાદમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર નહીં ઉતારવાની રણનીતિ અપનાવી છે.”

પરંતુ ભાજપના મોવડી મંડળના આ નિર્ણયથી પક્ષના મુસ્લિમ કાર્યકરની લાગણી નહીં દુભાઈ હોય? આ પ્રશ્નના જવાબમાં અનવર હુસૈન કહે છે કે, “અત્યારે તો પક્ષે પોતાની નીતિઓને કારણે પાછલી ટર્મમાં કૉર્પોરેટર રહી ચૂક્યા હોય તેવા ઉમેદવારોને પણ ટિકિટ નથી આપી તો શું તેમની લાગણી નહીં દુભાઈ હોય? અહીં પ્રશ્ન લાગણીનો નહીં પરંતુ પક્ષના સમજી-વિચારીને લેવાયેલા નિર્ણયને અનુસરવાનો છે. અને પાર્ટીના એક કાર્યકર તરીકે અમને આ વાતનું કોઈ દુ:ખ નથી.”

અમિત ચાવડા

તેઓ પણ ભાજપના આ નિર્ણયથી મુસ્લિમ સમાજની અવગણના ન કરાઈ હોવાનો મત વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે, “મુસ્લિમ સમાજમાં ભાજપનો મુસ્લિમ કાર્યકર અમદાવાદ જેવાં શહેરોમાં હજુ પણ લઘુમતિમાં છે. તેમને પોતાના જ સમાજના મત નથી મળતા.

આ બિલકુલ સ્પષ્ટ વાત છે. તેથી જેમ કોઈ પણ પક્ષનું લક્ષ્ય વિનિંગ કૉમ્બિનેશનને મેદાને ઉતારવાનું હોય તેમ ભાજપે પણ સમજી-વિચારીને મુસ્લિમોને આ વિસ્તારોમાં તક નથી આપી. માત્ર અમદાવાદની બેઠક ફાળવણીને આધારે ભાજપની વિચારધારા સમજવાની જરૂર નથી. પાર્ટીને જ્યાં લાગ્યું છે કે મુસ્લિમ ઉમેદવાર જીતી શકશે ત્યાં, એટલે કે જામનગરમાં મુસ્લિમ સમાજના પાંચ લોકોને ટિકિટ ફાળવી જ છે. આગળ પણ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં મુસ્લિમ સમાજના ઉમેદવારોને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવશે.”


હિંદુ વોટ બૅંક મજબૂત કરવા માગે છે ભાજપ

ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં એક પણ બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ન ઉતારવા પાછળનો તર્ક સમજવા માટે અમે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈનો સંપર્ક સાધ્યો.

તેમણે આ મુદ્દા અંગે પોતાનો મત રજૂ કરતાં કહ્યું કે, “ભાજપની ભૂમિકા બહુ સ્પષ્ટ છે, તેઓ હિંદુ વોટ બૅંક મજબૂત કરવા માગે છે. તે એ ભૂમિકા પર જ ચાલે છે. ભલે તે 'સબકા સાથ સબકા વિકાસ’ની વાત કરે, પણ જ્યારે ચૂંટણીમાં ટિકિટ આપવાની વાત આવે છે ત્યારે તેઓ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ નથી ફાળવતા, જોકે, તેમની પાર્ટીમાં મુસ્લિમ કાર્યકર્તાઓ પણ છે જ.”

ભાજપ

જ્યારે તેમને પૂછવામાં આવે છે કે AIMIM અને AAPના ચૂંટણીમેદાનમાં ઝંપલાવવાને કારણે ભાજપે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં એક પણ બેઠક પરથી ઉમેદવાર નથી ઉતાર્યા? તો આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, “AIMIM અને BTP તો કૉંગ્રેસની પરંપરાગત વોટ બૅંક તોડવા માટે ભાજપની મદદ માટે જ ચૂંટણીમેદાનમાં આવ્યા છે. BTPનું જોડાણ કૉંગ્રેસ સાથે તૂટી ગયેલ છે, તેમજ વાત કરીએ AIMIM તો તેમણે બિહારમાં પણ ભાજપને લાભ કરાવવા માટે કામ કર્યું, હૈદરાબાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં પણ કામ કર્યું અને અહીંયા પણ તે ભાજપને જ લાભ કરાવવાનું કામ કરશે. તેથી ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ નથી ફાળવી તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી.”

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્વલેષક પ્રકાશ ન. શાહ પણ અમદાવાદની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ નથી ફાળવી તેને આશ્ચર્યજનક બાબત ગણતા નથી.

કચ્છ જિલ્લામાં કૉંગ્રેસ દ્વારા મહાજનસંપર્ક અભિયાન હેઠળ લોકસંવાદ

તેઓ આ પગલા પાછળની ભાજપની રણનીતિ વિશે વાત કરતાં કહે છે કે, “અમુક અપવાદોને બાદ કરતાં ભાજપની સ્થાયી રણનીતિ 'નો મુસ્લિમ’ ઉમેદવારની જ રહી છે. ભાજપની રણનીતિ પહેલાંથી જ એવી રહી છે કે કોમી ધોરણે ધ્રુવીકરણ થાય અને હિંદુ કૉન્સોલિડેટ થાય, એટલા માટે 'નો મુસ્લિમ કૅમ્પેન ભાજપનો ભાગ છે. જો ભાજપે ગમે તે જગ્યાએ મુસ્લિમો ટિકિટ ફાળવી હોય તો તેને અપવાદરૂપ બાબત ગણવી જોઈએ. ભાજપનું કોમી ધ્રુવીકરણનું રાજકારણ અને તેનો ગળથૂથીગત ઉછેર જોતાં આ રણનીતિ સિવાયનો વિકલ્પ વિચારી શકાય તેમ નથી. હાલ ભાજપ અને ઓવૈસી બંને પ્રતિસ્પર્ધી કોમવાદથી આપણા રાજકારણને વધુ ડહોળી રહ્યા છે.’”

ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં ભાજપની મુસ્લિમો પ્રત્યે રણનીતિની વાત કરીએ તો ભાજપે માત્ર 1998માં જ એક મુસ્લિમ ઉમેદવારને વિધાનસભાની ચૂંટણીમાં બેઠક ફાળવી હતી. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ત્યાર પછીના વર્ષ 2002, 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં તો ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ફાળવી નહોતી.

આ સિવાય વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતમાં ભાજપ દ્વારા એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ફાળવવામાં નહોતી આવી.

https://youtu.be/crmkxaP0kI0


ફૂટર

https://youtu.be/Zo-SXKccPGw

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why didn't BJP give tickets to any Muslim candidate in the corporation elections?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X