મહારાષ્ટ્ના શિવસેનાના ધારાસભ્યોને ગુજરાત જ કેમ લવાયા?
- મહારાષ્ટ્રના ધારાસભ્યોને સુરતની હોટલમાં આવી પહોંચ્યા છે, નિષ્ણાતો દ્વારા આને મહાવિકાસ અઘાડી સરકારના પાયા હચમચાવી નાખવાના ભાજપના કાવતરા સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે.
- નિષ્ણાતોના મતે આ સમગ્ર કાર્યવાહીની જવાબદારી ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલને અપાઈ હોવાની વાત થઈ રહી છે.
- સી. આર. પાટીલની દક્ષિણ ગુજરાતમાં મજબૂત પકડ અને સરકારી વિભાગો પર દબદબાને આ કાર્યવાહી સુરતમાં હાથ ધરવામાં આવી હોવાનો નિષ્ણાતોનો મત.
હાલ શિવસેનાની મહાવિકાસ અઘાડી સરકારના મહત્ત્વના પક્ષ એવા શિવસેનાના 12 ધારાસભ્યો સુરત આવી પહોંચ્યા છે. તેઓ મહારાષ્ટ્ર સરકારના શહેરીવિકાસમંત્રી અને થાણે જિલ્લાના ધારાસભ્ય એકનાથ શિંદે સાથે સુરતની એક ખાનગી હોટલમાં આવી પહોંચ્યા છે.
નિષ્ણાતો આને મહારાષ્ટ્રની સરકાર ઉથલાવવા માટેનો પ્રયાસ ગણાવી રહ્યા છે.
આવામાં એ પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે કે શિવસેનાના ધારાસભ્યોએ પક્ષથી સંપર્ક કાપી કેમ દેશમાં અન્યત્રે ક્યાંય નહીં અને સુરત ખાતે આવીને જ આગળની વ્યૂહરચના ઘડવાનું નક્કી કર્યું.
તેની પાછળ મૂળ મરાઠી એવા ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલની ગુજરાત સરકાર પરની પકડને મૂળ કારણ માનવામાં આવી રહ્યું છે.
હાલમાં સુરતની એક લક્ઝુરિયસ હોટલમાં શિવસેનાના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે.
આખી હોટલને એક કિલ્લામાં તબદીલ કરી દેવમાં આવી છે, જેના બંદોબસ્તની જવાબદારીના ઉચ્ચ અધિકારી શરદ સિંઘલને આપવામાં આવી છે. સિંઘલે સોમવારે સાંજે આ હોટલની મુલાકાત લઈ તેના બંદોબસ્તની તમામ ગોઠવણ વિશે જાણકારી લીધી હતી.
આ સિવાય સી. આર. પાટીલનાં ખૂબ જ નજીકના કહેવતા એવા હર્ષ સંઘવી ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી છે, અને સુરતમાં તેમની પકડ મજબૂત પકડને પણ આ ઑપરેશન માટે ગુજરાત અને તેમાં પણ સુરતની પસંદગી માટેનાં કારણ ગણાવાઈ રહ્યાં છે.
બીબીસી ગુજરાતીએ આ અંગે વધુ વાત કરવા માટે અમુક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી. જે પૈકી મોટાભાગના લોકોનું કહેવું છે કે, આ ઑપરેશન કમલ છે, જેનો આદેશ હાઇકમાન્ડ તરફથી જ કરવામાં આવ્યો છે, પરંતુ તેની મુખ્ય જવાબદારી અને સંકલન સી. આર. પાટીલને માથે મૂકવામાં આવી છે.
'મુખ્ય ભૂમિકા અમિત શાહની'

આ વિશે વાત કરતાં સિનિયર એડિટર અજય ઉમટે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "આ ઑપરેશન એક રીતે તો ગુજરાતના જ રાજનેતાઓએ પાર પાડ્યું છે, જેમાં મુખ્ય ભૂમિકા અમિત શાહની છે અને તેમણે આ તમામ ધારાસભ્યોને સંભાળવાની જવાબદારી પાટીલને આપી છે.
ઉમટ વધુમાં જણાવે છે કે, "આ ધારાસભ્યોને સુરતમાં મોકલવાનાં બે કારણો છે, પહેલું તો ત્યાં પાટીલ ખૂબ જ મજબૂત છે અને બીજું તે મહારાષ્ટ્રથી નજીક હોવાથી દરેક હલચલ પર ખૂબ જ સારી રીતે નજર રાખી શકાય તેમ છે."
જોકે તેઓ એ પણ કહે છે કે આ ધારાસભ્યોને મનાવવા કે તેમને અહીં સુધી લાવવામાં પાટીલની કોઈ ભૂમિકા નહીં હોય પરંતુ તેમને સંભાળવાની જવાબદારી ચોક્કસ તેમના શીરે છે.
'પાટીલ જ છે ખરાં CM'
સી. આર. પાટીલ 2020માં ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા હતા, 2021માં જ્યારે વિજય રૂપાણી સરકારની આખી કૅબિનેટને બદલવામાં આવી ત્યારે તમામ નવા ચહેરા સી. આર. પાટીલની ભલામણ થકી લેવામાં આવ્યા હતા. ઘણા રાજકીય વિશ્લેષકો સી. આર. પાટીલને ગુજરાતના રાજકારણમાં ભાજપના એક નવા પાવરસેન્ટર તરીકે જુએ છે.
આ વિશે વાત કરતાં રાજકીય વિશ્લેષક મનીષી જાની બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "મહારાષ્ટ્રના ધારાસભ્યોને સંભાળવા હોય તો તે માટે ભાજપ પાસે ગુજરાત અને સી. આર. પાટીલ જેવો બીજો કોઈ વિકલ્પ નથી. ગુજરાતમાં તેઓ દરેક સ્થળે મજબૂત છે, તેઓ પોલીસ કે બીજાં કોઈ પણ સરકારી ખાતાં પર સંપૂર્ણ અંકુશ રાખીને બેઠા છે. મારા મત પ્રમાણે હાલમાં ગુજરાતમાં સરકાર સી. આર. પાટીલ જ ચલાવી રહ્યા છે અને ભુપેન્દ્રભાઈ પટેલ તો માત્ર નામના જ મુખ્ય મંત્રી છે."
એક ખાનગી ન્યૂઝ ચેનલના એક અહેવાલ પ્રમાણે સી. આર. પાટીલ સુરતની હોટલમાં એકનાથ શિંદેને મળ્યા હતા.
તેમની આ મુલાકાત વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ સિનિયર એડીટર દીપલ ત્રિવેદી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, "પાટીલ અને શિંદે એમ તો ખૂબ નજીકના મિત્રો છે, પરંતુ હું એ વાત નથી માનતી આ આખા ઑપરેશનમાં પાટીલની એક સંકલનકાર સિવાય બીજી કોઈ ભૂમિકા હોય. આ ઑપરેશન ભાજપ હાઇકમાન્ડ દ્વારા પાર પાડવામાં આવ્યું છે અને પાટીલની જવાબદારી આ ધારાસભ્યોને સંભાળવાની છે."
સી. આર. પાટીલ હાલમાં ગુજરાતના નવસારીના સાંસદ છે. હાલ તેઓ દેશમાં સૌથી વધારે લીડ સાથે ચૂંટણી જીતનારા નેતા છે. તેઓ દક્ષિણ ગુજરાતના રાજકારણના ખૂબ જ મહત્ત્વના નેતા મનાય છે, અને ભાજપના પ્રમુખ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ ખૂબ વધ્યું છે.
હવે જ્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી છે ત્યારે તેમાં ગુજરાત અને પાટીલની ભૂમિકા અને ભવિષ્યમાં આ આખો મામલો કઈ તરફ વળે છે તે જોવું રસપ્રદ બની રહેશે.
નોંધનીય છે કે બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સરકાર બચાવવાની કવાયતમાં લાગી ગયા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.
YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.