ઝાયડસ કેડિલાની 3 ડોઝ ધરાવતી zycov d કોરોના રસીને મંજૂરી મળી
નવી દિલ્હી : કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને આજે વધુ એક હથિયાર મળ્યું છે. કોરોના મહામારી સામે દેશમાં ચાલી રહેલી રસીકરણ અભિયાનમાં હવે વધુ એક રસી ઉમેરાઈ છે. ઝાયડસ કેડિલાની કોરોના રસીને સરકાર તરફથી ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. ઝાયડસ કેડિલાએ ગત મહિને તેની કોવિડ 19 રસી ઝાયકોવ ડી (zycov d)ના તાત્કાલિક ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસેથી મંજૂરી માટે અરજી કરી હતી.
કેન્દ્ર સરકારે ઝાયડસ કેડિલાની 3 ડોઝ કોરોના રસીને મંજૂરી આપી છે. આ રસીનું નામ ઝાયકોવ ડી (zycov d) છે. ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાની નિષ્ણાત સમિતિએ શુક્રવારના રોજ ઇમરજન્સી ઉપયોગ માટે આ રસીને મંજૂરી આપી હતી. સમિતિએ ફાર્મા કંપની પાસેથી આ રસીના 2 ડોઝની અસર અંગે વધારાનો ડેટા પણ માંગ્યો છે.
કેડિલા હેલ્થકેર લિમિટેડ તરીકે સૂચિબદ્ધ સામાન્ય દવા ઉત્પાદકે સમગ્ર દેશમાં 28,000થી વધુ સ્વયંસેવકો પર પરીક્ષણો કર્યા છે. આ રસીની અસરકારકતા દર 66.6 ટકા હોવાનું બહાર આવ્યું છે. કેડિલા હેલ્થકેર લિમિટેડે 1 જુલાઈએ ZyCoV D ના ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી માટે અરજી કરી હતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ રસી 12 થી 18 વર્ષના બાળકો માટે સલામત છે. જો કે તેના ટ્રાયલ ડેટાની હજૂ સુધી પીઅર રિવ્યુ કરવામાં આવ્યું નથી.
આ અગાઉ ઝાયડસ કેડિલાએ જણાવ્યું હતું કે, ZyCoV D ને મંજૂરી મળ્યા બાદ બે મહિનાની અંદર રસી લોન્ચ કરી શકે છે. ZyCoV D રસી ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ રસી સામાન્ય ફ્રીઝરમાં 2 થી 8 ° C પર સંગ્રહિત કરી શકાય છે.
બે દિવસ પહેલા જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનની એક ડોઝ વાળી કોવિડ 19 રસીને ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારના રોજ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું કે, આ ચેપ સાથે વ્યવહારમાં દેશના એકંદર પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.