રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો, કોવિડ ટેસ્ટિંગ માટે 8 વિદ્યાર્થીઓના સેમ્પલ મોકલાયા
જામનગરમાં કોવિડ 19 ટેસ્ટિંગ માટે ઓછામાં ઓછા આઠ વિદ્યાર્થીઓના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. ટ્યુટરનો રિપોર્ટ પણ રવિવારના રોજ પોઝિટિવ આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ 5 થી 10 વર્ષની વયના છે અને તેઓને તેમના કોરોના ટેસ્ટના રિપોર્ટ આવે, ત્યાં સુધી હોમ આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. આ બાળકો જામનગરના મોરકંડા રોડ પર કાલાવડ નાકા વિસ્તારના રહેવાસી છે.
ટ્યુટર 28 નવેમ્બરના રોજ અમદાવાદ એરપોર્ટ પર ઝિમ્બાબ્વેથી એનઆરઆઈને રિસીવ કરવા ગયો હતો. તેની સાથે આવેલા 72 વર્ષીય એનઆરઆઈની પત્નીએ રવિવારના રોજ કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એવી શંકા છે કે, NRIની પત્ની અને તેનો ભાઈ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોય શકે છે.
એનઆરઆઈના સાળાએ તેમના ઘરે વિદ્યાર્થીઓને ટ્યુશન આપતો હતો, જો કે, સાવચેતી રૂપે 28 નવેમ્બરથી શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોવિડ 19 માટે ટ્યુટરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ, જામનગર સિવિક બોડીના અધિકારીઓએ ટ્યુટરના સંપર્કમાં આવેલા આઠ વિદ્યાર્થીઓની ઓળખ કરી અને તેમના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલ્યા છે.
આ દરમિયાન રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર નવા પ્રકાર માટે તમામ તકેદારી લઈ રહ્યું છે. એરપોર્ટ પર ચેકિંગ સઘન બનાવાયું હતું અને તેની તૈયારી માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ પીડીયુ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગના સ્ટાફ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પીડીયુ હોસ્પિટલમાં ઓમિક્રોન માટે અલગ વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે.