રાજકોટમાં ક્રિપ્ટો કરંસીના નામે છેતરપિંડી કરનાર 2 ઝડપાયા, 12 દિવસના રિમાંડ મંજુર
ઓનલાઇન છેતરપીંડીના અનેક નુસ્ખાઓ વચ્ચે ઓનલાઇન ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને રોકાણકારોને લલચાવી છેતરી લેવાના કૌભાંડમાં રાજકોટના એડવોકેટ સહિતના સાથે રૂ. 38.30 લાખની છેતરપીંડી થયાની ફરિયાદમાં ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ
ઓનલાઇન છેતરપીંડીના અનેક નુસ્ખાઓ વચ્ચે ઓનલાઇન ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને રોકાણકારોને લલચાવી છેતરી લેવાના કૌભાંડમાં રાજકોટના એડવોકેટ સહિતના સાથે રૂ. 38.30 લાખની છેતરપીંડી થયાની ફરિયાદમાં ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી સુરતના સુત્રધાર સહિત બે શખ્સને દબોચી લઇ કોર્ટમાં રજૂ કરતાં 12 દિવસના રિમાન્ડ મળતાં વિશેષ તપાસ આગળ ધપાવાઇ છે. બીજા બે આરોપી દુબઇ ભાગી ગયાનું બહાર આવ્યું છે. છેતરાયેલાઓનો આંકડો સેંકડોની સંખ્યામાં પહોંચવાની અને કૌભાડમાં કરોડોની ઠગાઇ થયાનું ખુલવાની શકયતા છે.

રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટ-2 રવિકુંજ ઉમિયા પાર્ક ચોક ખાતે રહેતાં એડવોકેટ મહેન્દ્રભાઇ દાદભાઇ વાળાની ફરિયાદ પરથી સુરતના ચાર સહિત તપાસમાં ખુલે તેની સામે આઇપીસી 406, 420, 114 તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનાન્સીયલ ઇસ્ટાબ્લીશમેન્ટસ) એકટ 2003ની કલમ 3 મુજબ બ્રીજેશ જગદીશચંદ્ર ગડીયાલી તથા કિરણકુમાર વનમાળીદાસ પંચાસરા તથા ધવલ લહેરી અને હિતેષ ગુપ્તા સામે ગુનો નોંધી હાલ બ્રિજેશ તથા કિરણને દબોચી લેવાયા છે.
ફરિયાદમાં જણાવાયું છે કે એક વર્ષ પહેલા બ્રિજેશ ગડીયાલી સહિતની ટોળકીએ ઓનલાઈન સાયબરટ્રોન નામની વેબસાઇટ ચાલુ કરી તેના આધારે અલગ અલગ લોકોને રોકાણ કરવા લલચાવ્યા હતા઼. બાદમાં મેગાટ્રોન લોન્ચીંગનો રાજસ્થાના ઉદયપુર ખાતે ભવ્ય કાર્યક્રમ યોજી રોકાણકારોને બોલાવી પૈસા કમાવવાની લાલચ આપી હતી. તેઓએ ઓનલાઇન સ્માર્ટ કોન્ટ્રાકટ બનાવી ફરીયાદી તથા અન્ય સાહેદોને સ્માર્ટ કોન્ટ્રાકટ આધારે ટ્રોનમાં રોકાણ કરવા જણાવી અને તેમાં રોકાણ કરવાથી 150 દિવસ સુધી બે ટકા વળતર રોજે રોજ મળશે તેવી લોભામણી સ્કીમ આપી ફરીયાદી તથા સાહેદોને અલગ અલગ સમયે અલગ અલગ રકમ રોકાણ કરાવી કુલ રૂ. 52,20,100 નું રોકાણ કરાવ્યું હતું.
જેમાંથી ફરીયાદીએ અલગ અલગ સમયે રૂપિયા પરત માંગતા જેમાંથી રૂ. 13,90,000 પરત અપાયા હતાં. બાકીના રૂ. 38,30,100 નું તેમાં રોકાણ હોઇ જેનુ આરોપીઓએ ફરીયાદીના TronLink Pro વોલેટમાં ટ્રોન જમા કરી તેમાં પ્રથમ રોજે રોજ બે ટકા વળતર રૂપે ટ્રોન જમાં કરી બાદ આરોપીઓ પોતે પોતાના મેગાટ્રોન (ક્રીપ્ટો કરન્સી) બહાર પાડવાના હોવાનુ જણાવી તે મેગાટ્રોન લોન્ચીંગનો ભવ્ય કાર્યક્રમ ઉદયપુર ખાતે યોજી ફરીયાદી તથા અન્ય રોકાણકારોને ટ્રોન તથા મેગાટ્રોનની કિંમત સરખીજ હશે તેવું વચન અને વિશ્વાસ અપાવી અને મેગાટ્રોનમાં ટ્રોન ટ્રાન્સફર કર્યા બાદ તેના વળતર રૂપે 50 ટકા ટ્રોન તથા 50 ટકા મેગાટ્રોન આપવાનુ વચન અને વિશ્વાસ આપી તમામ રોકાણકારોના ટ્રોન ઓનલાઇન મેગાટ્રોનમાં ફેરવી અને જે મેગાટ્રોનની કિ.રૂ. 00.001 થતા ફરીયાદી તથા તમામ રોકાણકારોના રૂપિયા ડુબી ગયા હતાં.
મામલો રાજકોટ પોલીસ સુધી પહોંચતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ગુનો દાખલ કરી તપાસ કરવા અને આરોપીઓને શોધી કાઢવા સુચના આપતાં એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ. વી.કે.ગઢવી તથા ટીમના પીએસઆઇ બી. ટી. ગોહિલ, હેડકોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજાએ તપાસ શરૂ કરી સુરતના સુત્રધાર બ્રિજેશ ગડીયાલી તથા કિરણ પંચાસરાને પકડી લઇ કોર્ટમાં રજૂ કરતાં 12 દિવસના રિમાન્ડ મંજુર થયા છે. બીજા આરોપીઓ ધવલ અને હિતેષ દુબઇ ભાગી ગયાનું ખુલ્યું છે.












Click it and Unblock the Notifications
