ચિલીમાં 8.2 મેગ્નિટ્યુડનો ભૂકંપ; સુનામીની ચેતવણી
સેન્ટિયાગો, 2 એપ્રિલ : ગત રાત્રિએ ચિલીમાં 8.2 મેગ્નિટ્યુડની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપને કારણે સુનામી આવ્યું છે જેણે દરિયાકિનારાના વિસ્તારોને અસર કરવાનું શરૂ કર્યું છે. અમેરિકાએ પ્રશાંત તટના તમામ દેશો માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે.
અમેરિકન જીઓલોજીકલ સર્વે અનુસાર ચિલીના ઉત્તરમાં 8.2 મેગ્નિટ્યુડની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર પેસિફિક ઓશન (પ્રશાંત મહાસાગર)ની સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. આ જગ્યા ખનન વિસ્તાર ઇક્વિક્યૂથી 86 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે.

આ ભૂકંપ બાદ ચિલીના કિનારાના વિસ્તારો તરફ બે મીટર ઉંચા મોજા આવી રહ્યા છે જેના પગલે સુનામીની ચેતવણી જાહેર કરીને દરિયા કિનારાના વિસ્તારો ખાલી કરવા જણાવાયું છે. ભૂકંપને કારણે માર્ગોમાં ભૂસ્ખલન થયું છે જેના કારણે સલામત સ્થળે જઇ રહેલા લોકો જામ સર્જાવાને કારણે ફસાઇ ગયા છે.
પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્ર (ટીડબલ્યુસી) તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન માં પેરુ, ઇક્વાડોર, કોલંબિયા, પનામા, કોસ્ટેરિકા અને નિકારાગુઆના કિનારાઓ પર સુનામીની ચેતવણી આપવામાં આવી છે.
દુનિયાના ભૂકંપની દ્રષ્ટિએ સૌથી સક્રિય દેશોમાંથી એક ચિલી છે. ફેબ્રુઆરી 2010માં ચિલીના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે અનેક શહેરોમાં ભારે નુકસાન ફેલાયું હતું.












Click it and Unblock the Notifications
