For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાનના કબજા બાદ કાબુલમાંથી કઈ રીતે બહાર નીકળી ભારતીય મહિલા? એક-એક પળની કહાણી

તાલિબાનના કબજા બાદ કાબુલમાંથી કઈ રીતે બહાર નીકળી ભારતીય મહિલા? એક-એક પળની કહાણી

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
અફઘાનિસ્તાન

ભારત અફઘાનિસ્તાનમાંથી પોતાના નાગરિકોની સાથે સ્થાનિક અફઘાનીઓને પણ બહાર કાઢી રહ્યું છે, પણ હજુ ઘણા લોકો ત્યાં ફસાયેલા છે. આવી જ એક ભારતીય યુવતી કેવી વિકટ સ્થિતિમાં મુકાઈ ગઈ એની વ્યથા અમને છેલ્લા થોડા દિવસથી જણાવી રહી હતી, જે અહીં રજૂ કરીએ છીએ.

લતીફા (નામ બદલ્યું છે)એ કાબુલથી દિલ્હી આવવા માટે 19 ઑગસ્ટની ફ્લાઇટમાં ટિકિટ બૂક કરી હતી. તેને કલ્પના પણ નહોતી કે ગણતરીના દિવસોમાં જ સ્થિતિ પલટાઈ જશે.

તાલિબાને કાબુલ પર કબજો કરી લીધો અને બધી જ કૉર્મશિયલ ફ્લાઇટ રદ થઈ ગઈ. લતીફા જે ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવવાનાં હતાં તે પણ રદ થઈ ગઈ.

21 ઑગસ્ટની સાંજે મેં વાત કરી ત્યારે લતીફા એક મિનિ બસમાં બેઠાં હતાં. છેલ્લા 20 કલાકથી આ જ બસમાં તેઓ બેસી રહ્યાં હતાં. બાથરૂમ જવા માટે પણ બહાર નીકળાય તેમ નહોતું. ભારતનું લશ્કરી વિમાન આવે અને ઇમરજન્સીમાં નીકળી શકાય તે માટે વિવશ થઈને તેઓ રાહ જોઈ રહ્યાં હતાં.

લતીફા મૂળ ભારતીય છે અને અફઘાનને પરણ્યાં છે. બંને દેશોમાં તેના સગાઓ છે એટલે બંને દેશો વચ્ચે લતીફા નિયમિત આવનજાવન કરતાં રહે છે.


15 ઑગસ્ટ

અફઘાનિસ્તાન

લતીફાઓ 15 ઑગસ્ટે જાગીને જોયું તો કાબુલમાં દૂતાવાસો રાતોરાત બંધ થવા લાગ્યા હતા અને તક મળે તે સાથે જ સ્ટાફ રવાના થવા લાગ્યો હતો. લતીફા ભારતીય હોવાથી તેમના માટે જોખમ વધ્યું હતું અને તેથી તેઓ દેશમાંથી જલદી બહાર નીકળી જાય તેવી તેમના પતિની ઇચ્છા હતી.

લતીફાએ ફટાફટ બ્લ્યૂ ચદારી (બુરખા) ચડાવ્યો અને પાસપોર્ટ લઈને પતિ સાથે ભારતીય દૂતાવાસ પર પહોંચી ગયાં. પતિ તથા સાસરિયાં માટે વીઝા કેવી રીતે મળશે અને ક્યારે બહાર જવા માટે ફ્લાઇટ મળશે તેની પૂછપરછ કરી.

"અમારાં નસીબ એટલાં સારાં કે હું ભારતીય દૂતાવાસ પહોંચી ત્યારે હજી ત્યાં કામકાજ ચાલતું હતું. પણ ત્યાં તણાવ કેવો છે તેનો અંદાજ આવી જતો હતો. સ્ટાફ બધા દસ્તાવેજ અને કાગળો બાળી રહ્યો હતો. સાંજ સુધીમાં આ કામ ચાલશે એમ સ્ટાફે કહ્યું. હું મારા પરિવાર માટે વિઝા ઇચ્છતી હતી, એટલે સાંજ સુધીમાં પરિવારના લોકોના પાસપોર્ટ અને બીજા દસ્તાવેજો લઈને આવવા મને કહ્યું. એટલું હું ઘરે પાછી ફરી," એમ લતીફા કહે છે.

વળતાં તેમણે જોયું કે રસ્તા પર ચારે બાજુ અંધાધૂંધી ફેલાવા લાગી હતી.

"લોકો તાલિબાનના ડરથી આમતેમ ભાગદોડ કરી રહ્યા હતા. મારા પતિએ મારો હાથ પકડ્યો અને એમ ઝડપથી ઘરે પહોંચ્યાં. આખું કાબુલ શેરીઓમાં ઊમટ્યું હોય અને બધા ઍરપૉર્ટ તરફ ધસી રહ્યા હોય એવું લાગતું. બહુ ડરામણું હતું. અમે ઘરે પહોંચ્યાં અને જોયું તો સિક્યૉરિટી સ્ટાફે યુનિફોર્મ કાઢીને કૂર્તા-પાયજામા પહેરી લીધા હતા. અમારી બિલ્ડિંગને તાલિબાનોએ ઘેરી લીધી હતી."

લતીફા અને તેમના પતિએ પાસપોર્ટ એકઠા કર્યા અને સાંજ સુધીમાં ફરી દૂતાવાસ પહોંચ્યાં. તેમનાં નસીબ સારાં કે સમગ્ર પરિવારને વિઝા મળી ગયા.

એ પછી ભારતના વિદેશ મંત્રાલયના ફોનની રાહ જોવાની હતી. લતીફા ભારતીય નાગરિક હતાં એટલે તેનું નામ પ્રાયોરિટીમાં હતું.


19 ઑગસ્ટ

"મને 19 ઑગસ્ટે વિદેશ મંત્રાલયમાંથી ફોન મળ્યો. મને એક જગ્યાએ પહોંચી જવા જણાવાયું (ક્યાં તે સુરક્ષાના કારણોસરથી જણાવી શકાય તેમ નથી). કાબુલમાંથી જેમને બહાર કાઢવાના હતા તે લોકોને ત્યાં એકઠા થવા જણાવાયું હતું. મારે પરિવારને છોડીને નીકળવાનું હતું તે બહુ પીડાદાયક હતું. પરંતુ મારા પરિવારને મારી સલામતીની ચિંતા હતી એટલે બીજો કશો વિચાર કરવાનો સમય પણ નહોતો. અમને સાથે નાની હેન્ડબૅગ લેવાનું જણાવાયું હતું. મેં લૅપટૉપ, હાર્ડ ડ્રાઇવ, ફોન, પાવર બૅન્ક બૅગમાં ભર્યાં અને નીકળી પડી," એમ લતીફા કહે છે.

જે સલામત સ્થળે સૌને એકઠા થવા જણાવાયું હતું ત્યાં 220 લોકો હતા. તેમાં ભારતીય મુસ્લિમો, હિંદુઓ, શીખ અને કેટલાક અફઘાન પરિવારો પણ હતા.

જોકે આ જગ્યા કંઈ એટલી સલામત લાગે તેવી નહોતી અને બે દિવસ સુધી ભારે ચિંતામાં કાઢવામાં આવ્યા.

"કોઈ વ્યવસ્થા ત્યાં નહોતી અને અમને ક્યારે અહીંથી લઈ જવાશે તેની પણ માહિતી નહોતી. અંદરની તરફ એવી કોઈ સુરક્ષા પણ નહોતી પૂરી પાડવામાં આવી. જોકે બહારની તરફ તાલિબાનનો પહેરો હતો એટલે કોઈ જૂથ આવીને હુમલો ના કરે. આમ છતાં અમે ડરતાં હતાં અને ઊંઘી પણ શકતાં નહોતાં," એમ લતીફા કહે છે.


20 ઑગસ્ટ

20 ઑગસ્ટે રાત્રે 10 વાગ્યે નીકળવા માટેનો અચાનક આદેશ આવ્યો અને 150 લોકો સાત મિનિ બસમાં ઍરપૉર્ટ જવા રવાના થયા.

દરેક બસમાં 21 લોકો હતા.

"અમને તાલિબાનનું રક્ષણ મળ્યું હતું. આગળ તેમનું એક વાહન હતું અને પાછળ બીજું વાહન હતું. આ રીતે અમે કાબુલ ઍરપૉર્ટ પર રાત્રે 12.30 વાગ્યે પહોંચ્યાં. દેશમાંથી નાસી છુટવા માટે ઘાંઘા થયેલા અસંખ્ય લોકો ઍરપૉર્ટની આસપાસ એકઠા થયા હતા. એક તરફથી તાલિબાનીઓ ગોળીબાર કરી રહ્યા હતા અને બીજી બાજુથી અમેરિકનો પણ ટિયર ગૅસ છોડતા હતા, જેથી ભીડને કાબૂમાં રાખી શકાય. અમને ઉત્તર તરફના દરવાજે લઈ જવાયાં, જે મોટા ભાગે મિલિટરી માટે ઉપયોગમાં લેવાય છે."

આ રીતે સમગ્ર કાફલો ઍરપૉર્ટ પહોંચી ગયો, પણ તેમની રાહનો અંત આવ્યો નહોતો. અમેરિકન સૈનિકોએ તેમને ઍરપૉર્ટની અંદર જવા દીધા નહીં. 20-21 ઑગસ્ટ વચ્ચેની રાત બધાએ બસમાં બેસીને જ વીતાવી.

"અમારી સાથે મહિલાઓ, બાળકો અને કેટલાક બીમાર લોકો પણ હતાં. અમે રસ્તા વચ્ચે જ સાવ અટકી પડ્યાં હતાં. કેટલીક મહિલાઓ પિરિયડમાં હતી, પણ ટૉઇલેટ જવાનું પણ મુશ્કેલ હતું. અમે ખુલ્લી જગ્યામાં હતાં અને કોઈ પણ હુમલો કરી શકે તેમ હતું," એમ લતીફા કહે છે.


21 ઑગસ્ટ

રાત તો થરથરતાં વિતાવી પણ સવાર પછી નવી મુસબિત આવી પડી.

"સવારે 9:30 વાગ્યે તાલિબાનીઓ આવ્યા અને અમારા કૉઓર્ડિનેટર સાથે માથાકૂટ કરવા લાગ્યા. તેનો ફોન ખેંચી લીધો અને તેને તમાચો મારી દીધો. શું ચાલી રહ્યું છે એની અમને કશી ખબર પડતી નહોતી."

તાલિબાને સાતેસાત બસને પોતાની સાથે અજાણ્યા સ્થળે આવવા માટેનો આદેશ આપી દીધો.

"અમને એક ઔદ્યોગિક વિસ્તારમાં લઈ જવાયાં અને ત્યાં અટક કરીને રાખવામાં આવ્યાં. આ બધા યુવાન તાલિબાન હતા અને કેટલાક માત્ર 17-18 વર્ષના લાગતા હતા. અમને લાગ્યું કે અમારો હવે ખાતમો બોલી જશે. મારા જીવનના સૌથી ખતરનાક તે કલાકો હતા. પરિવારના લોકોને ફરી ક્યારેય નહીં મળાય એમ લાગતું હતું."

એક પાર્કમાં સ્ત્રી અને પુરુષોને જુદાંજુદાં બેસવા જણાવાયું. તાલિબાને પાસપોર્ટ લઈ લીધા અને પૂછપરછ શરૂ કરી દીધી. અફઘાન સાથે શાદી કરનારી ભારતીય મહિલાઓને બીજાથી અલગ કરવામાં આવી.

"મેં કહ્યું કે હું ભારતીય છું અને ભારતીય સાથે રહેવા માગું છું, ત્યારે મને કહે કે તારે અફઘાન સાથે રહેવું જોઈએ. મારાં ભારતીય ભાઈ-બહેનોનું આ લોકો શું કરશે તે વિચારીને હું ફફડવા લાગી. તેમને ક્યાંય લઈ જઈને કશુંક કરશે તો શું થશે."

"એક તાલિબાને મને પડ્યું - તારે કેમ દેશ છોડી દેવો છે? અમે દેશને સારો બનાવવાના છીએ. મને પૂછ્યું કે અફઘાનિસ્તાન પાછી આવીશ. મેં કહ્યું કે ના અમને તમારી બીક લાગે છે. તેણે કહ્યું કે ડરવાની જરૂર નથી અને મને પીવા માટે પાણી આપ્યું. જોકે મારી સાથે આંખ મીલાવીને વાત ના કરી. બાદમાં અમને કહ્યું કે તમારા પર જોખમ હતું એટલે તમને અહીં સલામત લઈ આવ્યા છીએ."

થોડા કલાકો પછી લતીફાને ફરીથી અફઘાન અને અફઘાનોને પરણેલી ભારતીય મહિલાઓ સાથે મોકલી દેવામાં આવ્યાં. ભારતીયોનું બીજું જૂથ પણ ઍરપૉર્ટ જતા રસ્તામાં તેમની સાથે જોડાયું અને 2 વાગ્યે તેઓ ફરીથી કાબુલ ઍરપૉર્ટના ઉત્તર તરફના દરવાજે પહોંય્યાં. અહીં પહોંચીને હવે ફરી ઍરપૉર્ટની અંદર જવા માટે રાહ જોવાની હતી.

"વિદેશ મંત્રાલયના અધિકારીઓ અમને ઍરપૉર્ટની અંદર લાવવા માટે મથી રહ્યા હતા, પણ કામ થઈ રહ્યું નહોતું. મને બહુ ગુસ્સો આવ્યો હતો અને મેં કહ્યું કે અમને તાલિબાનીઓ પકડી ગયા હતા. અમે ફસાઈ ગયાં છીએ અને તમે કશું કરી રહ્યા નથી. પરદા પાછળ શું વાતચીત ચાલે છે તેની અમને કશી ખબર નહોતી. ફસાઈ ગયેલી વ્યક્તિમાં હોય તેવી વિવશતા મારામાં હતી."

"તેમને ખાતરી નહોતી તો અમને ઘરેથી બહાર કાઢવાની ક્યાં જરૂર હતી. અમે ઘરે શાંતિથી બેઠાં હોત. અમે ઘરની બહાર નીકળ્યાં અને હવે આ રીતે ખુલ્લામાં ફસાયેલાં છીએ."

સાંજે 5 વાગ્યે : લતીફાના ગ્રૂપને વિદેશ મંત્રાલયે જાણ કરી કે બસ 15-20 મિનિટમાં તમને અંદર લઈ જવાશે, પણ એવું કંઈ થયું નહીં.

સાંજે 6 વાગ્યે : વિદેશ મંત્રાલયમાંથી ફરી ફોન આવ્યો અને કહ્યું કે તમે મૂળ સલામત સ્થળે પહોંચી જાવ. વાત કંઈ આગળ વધી ના રહી હોય તેમ લાગ્યું.

"શું આપણી સરકારમાં કોઈ તાકાત નથી? શું અમને ઍરપૉર્ટની અંદર પ્રવેશ પણ ના કરાવી શકે? અમને અહીં જ છોડી દેવામાં આવ્યાં છે. પ્લીઝ અમને અહીંથી કાઢો."

આખો દિવસ આમતેમ ધક્કા ખવરાવ્યા પછી કશું ખાધા વિના, ઊંઘ વિના થાક્યાપાક્યા લોકોને અને લતીફાને ફરીથી સલામત સ્થળે લઈ જવાયાં.

તે દિવસે રાત્રે આવા જ એક ગ્રૂપને સલામત રીતે ઇન્ડિયન ઍરફૉર્સના C-17 વિમાનમાં બહાર લઈ જવાયું હતું. લતીફા અને તેમના જૂથના લોકોને તે ફ્લાઇટમાં જગ્યા ના મળી. લતીફાએ આશા રાખી કે તેમને ભારત સરકાર ઝડપથી અહીંથી બહાર કાઢશે.

ઉજાગરાને કારણે લતીફા ભાવનાત્મક રીતે ભાંગી ચૂક્યાં હતાં અને અન્યોની સ્થિતિ પણ આવી જ હતી.

સાંજે 6:50 વાગ્યે : "અધિકારીઓએ અમને જણાવ્યું કે અમને રાતે લઈ જવાશે, પણ શું ખબર? આવું તો તેઓ કેટલીય વખત કહી ચૂક્યા હતા. અમે નિરાશ હતાં અને કેટલાય લોકો ઘરે પરત જવાનો વિચાર કરી રહ્યા હતા. અમે ત્રણ દિવસથી ઊંઘ્યાં નહોતાં. જેમની સાથે નાનાં બાળકો હતાં એમની પરિસ્થિતિ વધારે ખરાબ હતી."

8 વાગ્યે : થાકેલાં અને નિરાશ લતીફાએ એ વિચારીને ઘરે પરત ફરવાનો નિર્ણય કર્યો કે આટલી જલદી તો તેઓ દેશની બહાર નહીં નીકળી શકે. જોકે, બાદમાં એ જ રાતે ભારતીય વાયુસેનાના C-17 વિમાને ભારતીયો અને અફઘાનોના એક જૂથને સપફતાપૂર્વક ત્યાંથી બહાર કાઢ્યું અને લતીફા જેવાં લોકો ઘરે જતાં રહ્યાં અને છૂટી ગયાં.

9:40 વાગ્યે : "મને બીજા લોકોએ કહ્યું કે બધું ફટાફટ થઈ ગયું. સલામત સ્થળે પહોંચ્યાં કે તત્કાલ એમને ઍરપૉર્ટ લઈ જવાયા. એમની પાસે એટલો સમય પણ નહોતો કે મને જાણ કરે. હું પાછળ રહી ગઈ. એ બધા ઍરપૉર્ટની અંદર હતા."

લતીફા કહે છે, "સલામત સ્થળ છોડવાના નિર્ણય પર હું મારી જાતથી નારાજ થવા નહોતી ઇચ્છતી. અમે શારીરિક અને માનસિક રીતે થાકી ગયાં હતાં. મને હજુ પણ આશા હતી, કેમ કે મને જણાવાયું હતું કે બીજા લોકોને પણ બહાર કાઢવા માટે ફ્લાઇટ સંચાલિત કરાશે."


22 ઑગસ્ટ

લતીફા સાથે વિદેશ મંત્રાયલે બે વખત સંપર્ક કર્યો અને તેમનું નામ એ લોકોની નવી યાદીના ઉમેરી દેવાયું, જેમને બહાર કાઢવાનાં હતાં.

23 ઑગસ્ટ

લતીફા સાથે મંત્રાલયે 2:30 (સ્થાનિક સમયાનુસાર) વાગ્યે સંપર્ક કર્યો અને કહ્યું કે તેઓ સવારે 5:30 એક ખાસ જગ્યાએ પહોંચી જાય. ત્યાંથી બસ તેમને લઈને સવારે 6:30 વાગ્યે ઍરપૉર્ટ માટે રવાના થવાની હતી.

સવારે 8 વાગ્યે : 21 સીટોની ક્ષમતા ધરાવતી બે મિનિ બસ 70-80 મુસાફરોને લઈને હામિદ કરઝઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના મુખ્ય દ્વાર પર પહોંચી. બહારનો માહોલ પહેલાં જેવો જ હતો.

"લોકો મોટી સંખ્યામાં પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. અમે તાલિબાનીઓને લોકોને ચાબુક ફટકારતા જોયા છે. તેઓ હવામાં ગોળીબાર કરી રહ્યા હતા. અમને બધાયને બારીઓ બંધ રાખવા અને પરદો લગાવી દેવા કહેવાયું હતું. એ ભારે બિહામણું હતું."

સવારે 8:45 વાગ્યે : લતીફાને લઈને બસે મુખ્ય દ્વારથી ઍરપૉર્ટમાં સુરક્ષિત પ્રવેશ કર્યો.

તેઓ જણાવે છે, "ભારે મુશ્કેલીથી અમે અંદર જવા માટે સફળ થયાં. મુખ્ય દ્વારે તાલિબાનના સભ્યો હતા. કેટલાક મુખ્ય દ્વારની અંદર પણ હતા. અમે અંદર પહોંચ્યા એટલે અમેરિકન સૈનિકો અમને દેખાવા લાગ્યા. તેઓ અમને વૅવ કરી રહ્યા હતા. કેટલાક ભારતીય અધિકારીઓ અમને લેવા માટે આવ્યા અને પાસપૉર્ટ ચકાસ્યા."

સવારે 10 વાગ્યે : તમામ મહિલા મુસાફરોને એક અસ્થાયી તંબૂમાંમાં બેસાડવામાં આવી અને અમેરિકનોએ તેમને ખાવાનું આપ્યું.

11:20 વાગ્યે : "અમેરિકન સૈનિકોએ આવીને અમને તંબૂમાંથી બહાર કાઢ્યાં અને એ બાદ અમને ધોમ ધખતા સૂરજ નીચે ટરમૅક પર બેસાડી દીધાં. અમે ભારતીય વિમાન ઊતરે એની રાહ જોઈ રહ્યાં હતાં. અમને જાણવા મળ્યું કે વિમાન અમેરિકન સૈનિકો પાસેથી ઊતરવાની પરવાનગી મળે એની રાહ જોઈ રહ્યું હતું."

બપોરે 12:04 વાગ્યે : "હું અમારાથી થોડા અંતરે ઊભેલા ભારતીય વિમાનને જોઈ શકતી હતી. એ બાદ અમને ફ્લાઇટમાં ચઢવા માટે લઈ જવાયાં."

12:20 વાગ્યે : "અમે ભારતીય સૈન્યવિમાનની અંદર હતા અને તેઓ અમને તાજિકિસ્તાન લઈ જઈ રહ્યા હતા."

બપોરે 1 વાગ્યે : લતીફાનો ફોન બપોરે 1 વાગ્યે સ્વિચ ઑફ થઈ ગયો. અમે તેમને કૉલ કરવાનો પ્રયાસ કર્યો પણ વાત ન થઈ શકી. એનો અર્થ કદાચ એવો હતો કે ફ્લાઇટે કાબુલથી તાજિકિસ્તાન માટે ઉડાણ ભરી લીધી હશે અને ત્યાંથી ભારતના રસ્તે વળી ગઈ હશે.


24 ઑગસ્ટ

આખરે લતીફાની ફ્લાઇટ સવારે 9:40 વાગ્યે દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઊતરી અને આ રીતે એક દુખદ પ્રકરણનો અંત આવ્યો.

ફ્લાઇટ ઊતરતી એ સાથે જ મેં તેમને કૉલ કર્યો અને કહ્યું - વૅલકમ હોમ લતીફા.

આ સાંભળીને તે રડવા લાગ્યાં અને બોલ્યાં, "મને સમજાઈ નથી રહ્યું કે આનો શો અર્થ કાઢું. હું તો અહીં આવી ગઈ પણ મારા પતિ અને પરિવારજનો હજુ પણ અફઘાનિસ્તાનમાં જ છે."

લતીફાએ કહ્યું, "કાબુલમાં મારી સાથે જે કંઈ પણ ઘટ્યું, હવે મને બધું જ યાદ આવી રહ્યું છે. અમે જ્યારે કાબુલમાં હતાં ત્યારે વિચારવા માટે એક મિનિટનો સમય પણ નહોતો. પણ જેવી જ ફ્લાઇટ દુશાંબે પહોંચી, બધું જ યાદ આવવા લાગ્યું."

તેમણે કહ્યું, "હું ઠંડી પડી ગઈ છું. હવે હું માત્ર એ જ પાર્થના કરી રહી છું કે મારા પતિ અને સાસુ-સસરા પણ ત્યાંથી સુરક્ષિત નીકળી જાય. જ્યાં સુધી આવું નહીં થાય, મને નથી લાગતું કે હું ઘરે પરત ફરી છું."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
How did an Indian woman get out of Kabul after the Taliban took over? One-on-one story
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X