Iran vs US War : અમેરિકાના તમામ મિલિટરી બેઝ તબાહ કરી દઈશું, ઈરાનનો હુંકાર
મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેનાથી યુદ્ધનું જોખમ વધ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ખુલ્લી ચેતવણી આપી છે કે મધ્ય પૂર્વના તમામ અમેરિકી સૈન્ય મથકો હવે તેમના નિશાના પર છે.

ઈરાનનો દાવો છે કે તેઓ માત્ર પાડોશીઓ સાથે જ નહીં, પરંતુ સીધી રીતે અમેરિકા અને ઈઝરાયેલ સામે લડાઈ લડી રહ્યા છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પોતાના અસ્તિત્વની રક્ષણ માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે.
વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વમાં સ્થિત દરેક અમેરિકી લશ્કરી થાણા ઈરાની મિસાઈલોની સીધી પહોંચમાં આવી ગયા છે. જ્યારે અમેરિકી ફાઈટર જેટ્સ ઈરાન પર હુમલા કરશે, ત્યારે વળતો પ્રહાર કરવો ઈરાન માટે હવે અનિવાર્ય બની ગયો છે.
ઈરાને ખાડી દેશોને સલાહ આપી છે કે તેઓ તેહરાનને રોકવાને બદલે વોશિંગ્ટન પર યુદ્ધ રોકવાનું દબાણ કરે. અરાઘચીએ સવાલ ઉઠાવ્યો છે કે પાડોશી દેશોની મંજૂરી વગર અમેરિકી વિમાનો તેમના આકાશમાં કેવી રીતે ઉડી રહ્યા છે?
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને હોસ્પિટલો અને શાળાઓ પર થતા હુમલાઓને માનવતા વિરુદ્ધનો મોટો ગુનો ગણાવી તેની સખત નિંદા કરી છે. તેમણે વિશ્વ સમુદાયને અપીલ કરી છે કે ઈઝરાયેલના અત્યાચાર સામે ઈરાનના આત્મરક્ષણના અધિકારને સમર્થન આપવામાં આવે.
ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકી સૈનિકો મથકો છોડી હોટલોમાં જશે, તો પણ તેમની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. હવે આ વિસ્તારમાં અમેરિકી સેના માટે સુરક્ષિત રહેવું અશક્ય છે, કારણ કે યુદ્ધનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.












Click it and Unblock the Notifications
