istanbul earthquake : ઇસ્તાંબુલમાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રુજી, કોઈ જાનહાનિના અહેવાલ નહીં
istanbul earthquake : દુનિયામાં ફરી એક વખત ધરતીકંપના કારણે ખૌફનો માહોલ છે. હવે ઇસ્તાંબુલમાં ધરતી ધ્રુજી છે. અહીં 23 એપ્રિલે બપોરે 12:49 વાગ્યે 6.2ની તીવ્રતાનો ભૂકંપ રેકોર્ડ થયો.
સમાચારો અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર માર્મરા સમુદ્રમાં સિલિવ્રીથી લગભગ 80 કિલોમીટર દૂર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આજુબાજુના વિસ્તારોમાં ઘણા આંચકા અનુભવાયા છે. જો કે હજુ કોઈ મોટા નુકસાનના સમાચાર નથી.

ભૂકંપના આંચકા બાદ ઇસ્તાંબુલના રહેવાસીઓમાં ગભરાટનો માહોલ છે. ઘણા લોકો ઘરો, દુકાનો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો-વીડિયમાં કેટલાક લોકો પરિવાર સાથે સંપર્ક કરતા જોવા મળ્યા. સ્થાનિક પોલીસ અને અધિકારીઓએ લોકોને શાંત રહેવા અને જોખમી ઇમારતોથી દૂર રહેવા અપીલ કરી છે.
તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (AFAD) અનુસાર, ભૂકંપથી હજી સુધી કોઈ મોટું નુકસાન થયું નથી. ઇસ્તાંબુલની મ્યુનિસિપાલિટીએ પણ પુષ્ટિ કરી કે કોઈ ગંભીર ઘટના બની નથી. એક અહેવાલમાં જણાવાયું કે એક વ્યક્તિ ગભરાટમાં બાલ્કનીમાંથી કૂદી પડ્યો અને ઘાયલ થયો છે, આ સિવાય કોઈ મોટી ઇજા નોંધાઈ નથી.
તુર્કી ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં આવેલું છે, તે મોટી ફોલ્ટ લાઇન્સ પર સ્થિત છે. 1999માં ઇઝમિટમાં આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપમાં હજારો લોકોના મોત થયા હતા. 2023ના ભૂકંપે પણ દેશને હચમચાવી દીધો હતો. આ નવી ઘટનાએ લોકોને ફરી એકવાર સાવચેત કર્યા છે.
આંતરિક મામલાના મંત્રી અલી યેરલીકાયાએ જણાવ્યું કે ભૂકંપની અસર નજીકના વિસ્તારોમાં પણ થઈ છે. રાષ્ટ્રપતિ એર્દોગનની ટીમે લોકોને સલામતીના નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. AFADની ટીમો નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે અને તમામ એજન્સીઓને તૈયાર રાખવામાં આવી છે.
થોડા જ સમય બાદ 1:02 વાગ્યે 4.9ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્ર પણ માર્મરા સમુદ્રમાં હતું. આ ભૂકંપથી પણ કોઈ નુકસાન થયું નથી. આ ઘટનાએ ઇસ્તાંબુલના લોકોને સતર્ક કર્યા છે, પરંતુ રાહતની વાત એ છે કે કોઈ મોટું નુકસાન થયું નથી.












Click it and Unblock the Notifications
