
સ્ત્રી હોય કે પુરુષ, માફ નહીં કરવામાં આવે બેવફાઈ, આ દેશે બનાવ્યો કાયદો
ભારતમાં લગ્ન બાદ પણ તમારા જીવનસાથી સિવાય અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવો ગેરકાનૂની છે, જ્યારે ઈન્ડોનેશિયામાં લગ્ન પછી જીવનસાથી સિવાય અન્ય વ્યક્તિ સાથે સેક્સ માણવા પર જેલની સજાની જોગવાઈ છે. ઇન્ડોનેશિયામાં બહુ જલ્દી આ અંગેનો કાયદો સંસદમાં લાવવામાં આવી રહ્યો છે, જેના હેઠળ ગેરકાયદેસર સંબંધો બાંધવા ગુનાહિત પ્રવૃતિ ગણવામાં આવશે.

સંસદમાં બનશે કાયદો
સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇન્ડોનેશિયાની સંસદમાં આ મહિને નવો ફોજદારી કાયદો પસાર કરવામાં આવશે અને આ કાયદા હેઠળ લગ્ન બાદ જીવનસાથી સિવાય અન્ય વ્યક્તિ સાથે સેક્સ કરવું એ કાયદેસરનો ગુનો ગણાશે અને આવું કરનાર વ્યક્તિને સજા કરવામાં આવશે. આવી વ્યક્તિને એક વર્ષની જેલનો સામનો કરવો પડશે.
લગ્નેતર જાતીય સંબંધ ઉપરાંત, રાષ્ટ્રપતિ અથવા રાજ્યના વડા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓને પણ ઇન્ડોનેશિયાની સંસદમાં કાનૂની અપરાધની શ્રેણી હેઠળ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે, જ્યાં લગ્ન પહેલા સહવાસ પર પણ પ્રતિબંધ છે અને આવું કરવું કાયદા દ્વારા સજાપાત્ર છે.

15 ડિસેમ્બર સુધીમાં બનશે કાયદો
ઇન્ડોનેશિયાના ડેપ્યુટી જસ્ટિસ મિનિસ્ટર એડવર્ડ ઓમર શરીફ હિયરિજે જણાવ્યું હતું કે, આ કાયદો ઘણો વહેલો પસાર થઇ જવો જોઇતો હતો અને દાયકાઓ પહેલા જ બનાવી દેવો જોઇતો હતો, પરંતુ હવે તે 15 ડિસેમ્બર સુધીમાં પસાર કરવામાં આવશે. અમને ક્રિમિનલ કોડ બિલ હોવાનો ગર્વ છે, જે ઇન્ડોનેશિયન મૂલ્યોને અનુરૂપ છે.
આ ડ્રાફ્ટ બનાવનારી ટીમમાં શામેલ એક સાંસદે જણાવ્યું હતું કે, નવું કોડ બિલ આવતા અઠવાડિયે પસાર થઈ જશે. આવા સમયે, જો આ કાયદો અમલમાં આવે છે, તો તે ઇન્ડોનેશિયન નાગરિકો અને વિદેશીઓને સમાન રીતે લાગુ થશે. જોકે, બિઝનેસ જૂથોએ ચિંતા વ્યક્ત કરી છે કે, આવા નિયમો હોલીડે અને ઇન્વેસ્ટમેન્ટના હબ તરીકે ઇન્ડોનેશિયાની છબીને નુકસાન પહોંચાડી શકે છે.

બનાવવામાં આવી રહ્યા છે કડક કાયદાઓ
સરકાર જે ફેરફારો કરી રહી છે, તેમાં એક જોગવાઈનો સમાવેશ થાય છે કે, 10 વર્ષ સારા વર્તન બાદ, કેદીની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલી શકાય છે. આવા સમયે બિલમાં ગર્ભપાત હજૂ પણ અપરાધ છે, જેમાં બળાત્કાર પીડિતોને છૂટ આપવામાં આવી છે, જ્યારે કાળા જાદુને પણ ગુનાની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. આ સાથે લગ્નેતર જાતીય સંબંધો, જેની જાણ માત્ર નજીકના સંબંધીઓ જેવા મર્યાદિત પક્ષો દ્વારા જ કરી શકાય છે, તે મહત્તમ એક વર્ષની જેલની સજાને પાત્ર છે. રાષ્ટ્રપતિનું અપમાન કરવા પર ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.