For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારિયુપોલ : એ હસતું-રમતું નગર જેને રશિયાએ 80 દિવસમાં બરબાદ કરી નાખ્યું

મારિયુપોલ : એ હસતું-રમતું નગર જેને રશિયાએ 80 દિવસમાં બરબાદ કરી નાખ્યું

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

લગભગ ત્રણ મહિના સુધી સતત લડાઈ ચાલી તે પછી યુક્રેનના શહેર મારિયુપોલ ધ્વસ્ત થયું છે. યુક્રેનની સેનાએ જણાવ્યું છે કે બંદરના આ નગરને બચાવવાના પ્રયાસો પડતા મુકાયા છે.

બીજા કોઈ પણ સ્થળ કરતાં રશિયાના આક્રમણની ઉગ્રતા અને ક્રૂરતાનો અને યુક્રેનની વળતી લડાઈનો નમૂનો મારિયુપોલમાં જોવા મળ્યો છે.

યુક્રેન અને રશિયા યુદ્ધની તસવીર

23 ફેબ્રુઆરી બુધવારના રોજ ઈવાન સ્ટેનિસ્લેવસ્કીએ પોતાની ઑફિસમાં કૅમેરા બૅગને મૂકી.

એક મિત્રના ઘરે જઈ રહ્યા હતા, જેમના નવા પુસ્તકનું કવર તૈયાર થયું હતું. પુસ્તકમાં સોવિયેટ યુગના સમયના મારિયુપોલના મ્યુરલની તસવીરો હતી. બીજા દિવસે બૅગ લઈ જઈશ એમ વિચારીને તેઓ નીકળ્યા હતા.

બીજા દિવસે પોતાની બંધ ઑફિસની બહાર શેરીમાં તેઓ ઊભા હતા ત્યારે પૂર્વની દિશામાંથી જોરદાર ધડાકા સંભળાવા લાગ્યા હતા. શહેર પર આખરે હુમલો થઈ ગયો હતો.

તોપમારો વધવા લાગ્યો હતો અને હવે તો પશ્ચિમમાંથી વિસ્ફોટક અવાજો આવી રહ્યા હતા.

ઈવાને પોતાના ઘરની વચ્ચે હૉલમાં પલંગ ખસેડ્યો. તેના પર કળાનાં પોતાનાં પુસ્તકોનો ઢગલો કર્યો. તેમાં યુક્રેનના રૉક મ્યુઝિકનો ઍન્સાયક્લોપીડિયા પણ સામેલ હતો.

36 વર્ષના તસવીરકાર ઈવાન કહે છે, "આને આપણે લાયબ્રેરીનો વધેલો કચરો નહીં કહીએ."

યુક્રેનની જાણીતી ફૂટબૉલ ક્લબ એફસી મારિયુપોલના પ્રેસવિભાગમાં પણ તેઓ કામ કરતા હતા.

તેમના શહેરના કેલ્મિયુસ્કી વિસ્તારમાં રહેતા વેપારી યેવહેન પણ સાવધ થઈ ગયા હતા. તેમણે પરિવારને જણાવ્યું કે સામાન બાંધી લો જેથી શહેર છોડીને જતું રહેવાય.

જોકે તેઓ દુકાનેથી ઘરે પહોંચ્યા ત્યારે સામાન બાંધેલો હતો નહીં. કુટુંબના લોકોએ કહ્યું કે આપણે શહેર છોડીને જવું નથી.

ઈવાન સ્ટેનિસ્લેવસ્કી

તેમના જ બ્લૉકમાં બીજા ઍપાર્ટમેન્ટમાં રહેતાં 43 વર્ષનાં નતાલિયા અને 41 વર્ષના ઍન્ડ્રેઈ નજીકની સ્ટીલ મિલમાં કામ કરે છે.

દંપતિને માંડમાંડ બ્રેડનો લોવ મળ્યો હતો અને તેઓ બ્રેડ કાપીને તૈયાર કરી રહ્યાં હતાં. તે પછીના અઠવાડિયામાં આ બ્રેડના ટુકડા ખાઈને જ ચલાવવાનું હતું.

કેલ્મિયુસ્કી વિસ્તારમાં રહેતા 52 વર્ષના પેરામેડિક્સ વોલોદિમીર પણ હુમલાના સમાચાર આવ્યા ત્યારે રસોડામાં હતા.

ક્રાઇમિયાથી પશ્ચિમ તરફ જવાના મુખ્ય વ્યૂહાત્મક હાઈવે પર આવેલા ચોનહાર શહેરમાં રશિયાની સેના ઘૂસી ગઈ છે તે સમાચાર સાંભળીને તેઓ આઘાત પામી ગયા હતા.

તેમને ખ્યાલ આવી ગયો કે સંયુક્ત રીતે બધી બાજુથી હુમલો થઈ રહ્યો છે.

ઍમ્બ્યુલન્સનું કામ સંભાળતી વ્યક્તિને ફોન કરીને વોલોદિમીરે જણાવ્યું કે રુટિન કૉલ ના લેશો પણ "ઘાયલ થયા હોય તેમને શોધીને લઈ આવો."


'પથ્થર યુગની શરૂઆત'

મારિયુપોલ શહેર

એન્જિનિયરિંગનું ભણી રહેલાં 22 વર્ષનાં મારિયાએ પહેલી વાર ધડાકો સાંભળ્યો ત્યારે લાગ્યું કે વીજળીનો ગડગડાડ હશે. થોડી વારમાં બીજો વિસ્ફોટ સંભળાયો હતો.

મારિયા કહે છે, "અમને સમજાતું નહોતું કે શું કરવું. મારા ભવિષ્ય માટે, મારી યોજનાઓ વિશે વિચારવાનો સમય જ નથી. શું ખાશું, શું પીશું અને આ બિલાડીઓનું શું કરવું બસ એનું જ વિચારવાનું છે."

પોતે જ્યાં કામ કરે છે તે દુકાને છેલ્લા થોડા દિવસોથી સૈનિકો આવવા લાગ્યા હતા અને બ્લૂ અને યલો પટ્ટીઓ ખરીદવા લાગ્યા હતા. તે લોકોએ પોતાના યુનિફોર્મ પર આ પટ્ટીઓ મારવાની હતી.

લડાઈ શહેરની નજીક પહોંચવા લાગી અને ચારેક દિવસ થઈ ગયા એ પછી ઈવાન અને તેમનાં પત્નીએ સ્થાનિક સુપરમાર્કેટના બેઝમેન્ટમાં આશરો લીધો હતો.

તેમને લાગ્યું કે અહીં સુરક્ષા મળી શકે છે અને અહીં વિસ્ફોટના અવાજો થોડા ઓછા આવતા હતા એટલે તેમનો ફફડાટ પણ ઓછો થતો હતો.

રોજિંદુ જીવન હવે ગમે તેમ કરીને ટકી જવાનું બની ગયું હતું.

લવિવમાં શહેર તેમણે આશરો લીધો છે ત્યાંથી બીબીસી સાથે વાતચીત કરતાં તેઓ કહે છે, "અમારે આદિમ મનુષ્યોની જેમ જીવવું પડ્યું હતું. જાતે જ લાકડાં કાપી લાવવાનાં, ચૂલો પેટાવવાનો, તેના પર રસોઈ કરવાની. મેં તો સાંભળેલું કે લોકોને કબૂતરોને પણ મારીને ખાવાં પડ્યાં."

પોતાની આસપાસ અંધાધૂધી વધતા તેમણે જોઈ. તેમણે વિગતવાર ડાયરી લખી હતી, જે બાદમાં તેમણે પોસ્ટ કરી હતી.

છઠ્ઠી માર્ચના પાના પર તેમણે લખ્યું હતું, "પથ્થર યુગ આવી ગયો છે."

ત્યજી દેવાયેલા સ્ટોર પર યુક્રેનના લોકોએ કેવી રીતે ધાડ પાડી અને કમ્પ્યુટરોથી માંડીને ફ્રીજ અને સ્વીમસૂટથી માંડીને અંડરવેર સુધીનું બધું લૂંટી ગયા હતા.

દુકાનની બહાર લાઇનમાં ઊભેલા લોકો

બેઝમેન્ટમાં તેમણે આશરો લીધો હતો ત્યાં એક રાત્રે એક પીધેલી મહિલાએ કહ્યું કે આવો પાર્ટી કરીએ. તેમણે ફ્લેશ લાઈટથી જોયું તો તે એક ઊંચી બ્રાન્ડ હતી, જે નજીકની ઇટાલિસ્ક્સા શેરીની વાઇન શોપમાંથી લીધેલી હતી.

ઈવાને હતાશ સાથે નોંધ્યું હતું કે લોકો દવા પણ લૂંટી લેતા હતા અને ગલ્લામાંથી પૈસા પણ કાઢી લેતા હતા.

તેમણે લખ્યું હતું, "આપણે જ આપણા જીવના દુશ્મન બની ગયા છીએ."

આવી સ્થિતિમાં લોકો કેવી રીતે ટકી ગયા એની નવાઈ પણ તેમને લાગે છે. થોડા દિવસ પછી તો રોજેરોજ જીવવા માટેનો સંઘર્ષ કરવો પડતો હતો.

થોડાં જ અઠવાડિયાંમાં મારિયુપોલ ભાંગ્યું. રશિયાએ શહેરમાં ઘેરો ઘાલ્યો અને પાણી અને વીજળીનો પુરવઠો પણ બંધ કરી દીધો.

રશિયાએ 9 માર્ચે મૅટરનિટી હૉસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો. અઠવાડિયા પછી નાગરિકોના આશ્રય તરીકે સ્પષ્ટ દર્શાવાયું હતું તોય એક થિયેટર પર વિમાનમાંથી બૉમ્બમારો કર્યો હતો.

ઈવાનને નવાઈ લાગતી હતી કે કેટલું ઝડપથી બધું બની રહ્યું હતું.

"સમગ્ર શહેર, તેનું માળખું, તેનો પુવરઠો, વ્યવસ્થા, વીજળી બધું જ થોડા દિવસોમાં પડી ભાગ્યું."

રાતવાસો અંડરગ્રાઉન્ડમાં કરવો પડતો હતો અને તેમને લાગ્યું કે લોકો નિષ્ક્રિય થઈ રહ્યા છે.

તેમણે ડાયરીમાં લખ્યું હતું, "આશ્રય સ્થાનમાં બેસીને તમારે બસ રાહ જોવાની હતી. કોઈ વસંતની રાહ જોતા હતા, કોઈ સવારની રાહ જોતા અને કોઈક યુદ્ધના અંતની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક રાહમાં હતા કે બૉમ્બ આવીને પડશે અને બધા ખતમ થઈ જશે."


મારિયુપોલનો 'સુવર્ણકાળ'

મારિયુપોલ શહેરની એક ચર્ચ

મારિયુપોલ એક નવા યુગમાં પ્રવેશની તૈયારીમાં હતું ત્યારે આવી તબાહી આવી હતી. એક જમાનામાં હેવી ઇન્ડસ્ટ્રી અને શસ્ત્રો માટે જાણીતું નગર ચમકદાર બની રહ્યું હતું, કેમ કે નવો પૈસો આવી રહ્યો હતો.

ઈવાન કહે છે, "કશુંક બનવા માટે શહેર થનગની રહ્યું હતું." અગાઉ ક્યારેય આવો ઉત્સાહ નહોતો.

રશિયા પર આક્રમણ થયું તેની પહેલાં જ ડોનેસ્ક અને લુહાન્સ્કના રશિયા તરફી વિભાજનવાદીઓ સામે મારિયુપોલનો મોરચો મંડાયો હતો. આ બંને વિસ્તારો ડોનબાસ તરીકે ઓળખાતા પડોશી પ્રાંતમાં આવેલા છે.

2014માં પ્રથમ વાર રશિયા તરફથી વિરોધીઓ સામે ઘર્ષણ શરૂ થયું હતું ત્યારે શરૂઆતમાં થોડો સમય સરકારના હાથમાંથી મારિયુપોલ જતું રહ્યું હતું.

જાન્યુઆરી 2015માં બળવાખોરોએ જોરદાર રોકેટમારો કર્યો હતો અને તેમાં 30 નાગરિકો માર્યા ગયા હતા.

તે પછી લડત ઘટવા લાગી હતી, પરંતુ મારિયુપોલના છેવાડેના વિસ્તારોમાં અવારનવાર ગોળીબારીના બનાવો બનતા રહેતા હતા.

એમ છતાં શહેર પોતાની રીતે આગળ વધી રહ્યું હતું. યુક્રેનની સરકારે ડોનેસ્ક ઓબ્લાસ્ટ પ્રાંતના વહીવટી કેન્દ્ર તરીકે ડોનેસ્કની જગ્યાએ મારિયુપોલને પસંદ કર્યું હતું,

ઈવાન કહે છે, "શહેરને જરૂરી બધા સંસાધનો મળવાં લાગ્યાં હતાં અને તે સૌનું ધ્યાન પણ ખેંચવા લાગ્યું હતું."

સરકારી ઇમારતોને રિનોવેટ કરાઈ, કાફે ખુલવાં લાગ્યાં અને નવા બગીચા પણ બન્યા.

ગત ઑક્ટોબરમાં પોડકાસ્ટમાં શહેરના મેયર વાદિમ બોયચેન્કોએ વાયદો કર્યો હતો કે શહેરની બેસ્ટ મ્યુનિસિપાલિટી બનાવીશું, આઈટી માટેની સ્કૂલ ખોલીશું અને કલા તથા રમતગમતને પ્રોત્સાહન આપીશું.

યુક્રેનનો સૌથી મોટો વોટર પાર્ક અને ડિઝનીલૅન્ડ જેવું પણ ખોલવાનું છે એવી યોજના તેમણે મૂકી હતી. તેને આપણે કદાચ 'મેરિલૅન્ડ' કહીશું એમ તેમણે કહેલું.

હકીકતમાં 2021માં મારિયુપોલને યુક્રેનની સૌથી સારી સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ જાહેર કરવામાં આવ્યું હતું.

એક તરફ મારિયુપોલ ધમધમવા લાગ્યું હતું, ત્યારે બળવાખોરોના કબજામાં રહેલું ડોનેસ્ક પાછું પડવા લાગ્યું હતું. કદાચ તેના કારણે જ રોષે ભરાયેલા આ બળવાખોરોએ આ વખતે મારિયુપોલ પર હુમલો કરીને બદલો લેવાની કોશિશ કરી છે.

વોલોદિમીર કહે છે પોતે રવાના થયા ત્યારે એક ચેકપોસ્ટ પાસે તે લોકોએ તેમને કહેલું, "અમે ખરાબ સ્થિતિમાં હોઈએ તો તમે શાના સારી રીતે રહો? તે લોકો અમારી ઇર્ષા કરવા લાગ્યા હતા."

વેપારી યેવહેન પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન મારિયુપોલમાં વીતેલા જીવનને ખુશહાલ ગણાવે છે.

"શહેરનું નવસર્જન થઈ રહ્યું હતું, રસ્તાઓ નવા બની રહ્યા હતા, જાહેર પરિવહન સુધરી ગયું હતું."

તેઓ રિસ્ટોરેશનનું કામ કરતી કંપની ચલાવતા હતા. શહેરને 240 વર્ષ પૂરાં થયાં ત્યારે તેમની કંપનીએ જ મારિયુપોલની ઐતિહાસિક પાણીની ટાંકીનું રિનોવેશન કર્યું હતું.

"આ ઉત્તમ કારિગરોનું શહેર છે. મજૂરોને માટે સાંજે છ વાગ્યે કામ પૂરું કરી દેવા માટે આગ્રહ કરવો પડતો હતો. તે લોકો તો મોડે સુધી કામ કરવા માગતા હતા."

અનેક પરિવારોની જેમ તેઓ પણ સપરિવાર શહેરના નવા બનેલા બગીચામાં જતા અથવા દરિયાકિનારે ફરવા જતા.

તેઓ કહે છે, "મારો એક જ સવાલ છે કે તમારે શહેરને કબજે કરવું હોય તો પછી તમે તેનો નાશ શા માટે કરો છો? રશિયાને સારું વિચારનારા લોકોની જરૂર નથી, તેમને તો ભૂમિ કબજે કરવી છે."

તેઓ ઉમેરે છે કે હવે રશિયનોના જ ફોન આવે છે અને પુનનિર્માણના કામમાં મદદ કરવા કહે છે.

"પણ મારિયુપોલ પર રશિયનોનો કબજો હશે તો તેનું કોઈ ભવિષ્ય નથી. જીવવા જેવું કશું નહીં હોય. આવા વિસ્તારમાં રહેવું એ તમારાં બાળકોના ભવિષ્યને બગાડવા જેવું છે."


કલાનગરી તરીકે પ્રખ્યાત

મારિયુપોલ શહેર

પાંચ લાખની વસતિમાંથી 150,000 જેટલા લોકો જ શહેરમાં રહ્યા હતા. પાછળ રહી ગયેલા લોકો પણ મોટા ભાગે છટકી જવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

આંખમાં આંસુ સાથે તેઓ કહે છે, "મેં મારિયુપોલ છોડી દીધું છે, પણ મારો આત્મા ત્યાં જ છે".

શહેરમાં સૌથી મોટાં બે કારખાનાંમાંથી એક પોલાદના કારખાના ઈલિચ પ્લાન્ટમાં નતાલિયા અને તેમના પતિ ઍન્ડ્રેઈ કામ કરતાં હતાં. ઈવાનની તસવીરો પણ આ કારખાનું ઘણી વાર દેખાયું છે.

તેઓ લાંબો સમય સુધી કારખાનામાં કામ કરતાં એટલે તેમના માટે ફૂરસદનો સમય અગત્યનો હતો.

ઍન્ડ્રેઈ કહે છે, "શહેરના સત્તાધીશોએ માર્બલ ટાઇલ્સ લગાવી હતી, દરિયાકિનારે પિલર્સ બનાવ્યા હતા એટલે દરિયાકિનારે સાવ નજીક બાંકડે બેસી શકાતું હતું,"

તેમનાં પત્ની પણ કહે છે, "બહુ ઉષ્માપૂર્ણ અને મજાનું શહેર હતું. બગીચા, ફુવારા, કાર્યક્રમો સાથે કોઈ યુરોપિયન સિટી જેવું લાગતું હતું".

શહેરના ભૂતકાળને વાગોળનારા ઈવાને શહેરના આ બદલાયેલા રૂપની પણ તસવીરો લીધી હતી. તેમનો મનપસંદ વિષય હતો સોવિયેય વખતના મ્યુરલ્સની તસવીરો લેવી.

આવા કલાના નમૂનાને જાળવી રાખવાની વાત બહુ અગત્યની હતી. જોકે સોવિયેય યુગને યાદ કરવાની વાત મારિયુપોલમાં આધુનિક શહેર અને યુરોપિયન શહેર તરીકેની ઓળખમાં જરાક વિચિત્ર પણ લાગતી હતી એમ ઈવાન કહે છે:

"યુક્રેનના કલાજગતમાં આ સાંસ્કૃતિક વારસાને સંમિશ્રિત કરવાનું રાજકારણને કારણે મુશ્કેલ બની રહ્યું હતું."

તેના કારણે આખરે યુદ્ધ આવી પડ્યું ત્યારે સાંસ્કૃતિક વારસો પણ વિચિત્ર લાગવા લાગ્યો હતો.

28 એપ્રિલે મારિયુપોલની મ્યુનિસિપાલિટીએ જાહેર કર્યું હતું કે રશિયાએ શહેરના મ્યુઝિયમમાંથી 2,000થી વધુ વસ્તુઓ લૂંટી લીધી હતી. પ્રાચીન પ્રતીકો, હાથે લખેલા તોરોના ગ્રંથો અને 200થી વધુ મેડલો ઉપાડી જવામાં આવ્યા હતા.

મારિયુપોલ મ્યુઝિયમનાં ડિરેક્ટર નતાલિયા કાપુશ્તનિકોવાએ બાદમાં રશિયાના અખબાર 'ઇઝવેસ્તિયા'ને જણાવ્યું હતું કે તેમણે જાતે જાણીતા કલાકારોની કૃતિઓ રશિયનોને સોંપી દીધી હતી. તેમણે દાવો કરેલો કે યુક્રેનના 'રાષ્ટ્રવાદીઓ'એ મ્યુઝિયમમાં પ્રદર્શિત થયેલા કલાના નમૂનામાંથી 95% બાળી નાખ્યા હતા.

નતાલિયા એક માત્ર એવા સ્થાનિક અધિકારી નહોતાં, જે રશિયા તરફી લાગણી ધરાવતા હોય.

9 એપ્રિલે યુક્રેનના સરકારી વકીલે મારિયુપોલના નગરસેવક કોસ્ટિયાન્ટિન ઇવાશ્ચેન્કો પર રાજદ્રોહનો આરોપ મૂક્યો હતો.

રશિયા તરફી વિભાજનવાદીઓએ તેમને ડોનેસ્ક શહેરના મેયર બનાવ્યા ત્યારે તેમણે આ આરોપ મૂક્યો હતો.

ઇવાશ્ચેન્કોની રશિયા તરફી પક્ષને ગત ચૂંટણીમાં સારું એવું સમર્થન પણ મળ્યું હતું. તેમનો પક્ષ બીજા નંબર રહ્યો હતો, જ્યારે પ્રમુખ ઝૅલેન્સ્કીનો પક્ષ છેક પાંચમાં નંબરે હતો.

ચૂંટણી પહેલાં જ કિએવમાં આવેલા સેન્ટર ફૉર સોશ્યલ ઇન્ડિકેટર્સે સર્વે કર્યો તેમાં અડધોઅડધ નગરવાસીઓએ પોતાને "રશિયન" ગણાવ્યા હતા. જોકે 80% જેટલાએ પોતાને યુક્રેનિયન પણ ગણાવ્યા હતા.

સૌથી ધ્યાનાકર્ષક વાત એ હતી કે 20%થી ઓછા લોકોએ પોતાને 'યુરોપિયન' ગણાવ્યા હતા, જ્યારે 50% લોકોએ કહેલું કે પોતે "સોવિયેય" છે.

નતાલિયાના પિતા રશિયન છે. શહેર પર બૉમ્બમારો થયો ત્યારે તેમણે પતિની માફી માગતાં કહ્યું હતું કે "હું રશિયન છું તેની મને શરમ આવે છે."

એન્જિનિયર મારિયા પણ કહે છે કે યુદ્ધ પહેલાં પોતાની પ્રથમ ભાષા રશિયન હતી, પરંતુ બૉમ્બમારો શરૂ થયો તે પછી "મને દરેક રશિયન બાબત સામે ધિક્કાર જાગ્યો હતો, તે ભાષા હોય, ફિલ્મો હોય કે રશિયન વસ્તુઓ હોય."

https://www.youtube.com/watch?v=31kcvbRL-yk

મારિયુપોલની ઓળખમાં આવી સંકુલતા યુક્રેનમાં નવી વાત નથી, કેમ કે આ દેશ 1980ના દાયકામાં સોવિયેટ સંઘ તૂટી પડ્યો ત્યાં સુધી તેનો હિસ્સો રહ્યો છે.

જોકે પોતાને 'રશિયન' અથવા 'સોવિયેટ' ગણાવનારા લોકો યુક્રેનને ફરી પોતાના પ્રભાવમાં લાવવા માટે મૉસ્કોએ કરેલા આક્રમણને પસંદ કરતા હોય તેવું જરૂરી નથી.

વક્રતા એ છે કે રશિયાના આક્રમણ સામે ટક્કર લેવા માટે સૌથી અગત્યનો વિસ્તાર સાબિત થયો તે સોવિયેટ યુગનો વારસો ધરાવનારો વિસ્તાર જ હતો.

સોવિયેટ યુગનાં ઊંડા મૂળિયાં એઝોવ્સ્તલ પોલાદના કારખાનાના વિસ્તારમાં નખાયેલાં છે, કેમ કે શિતયુદ્ધ વખતે સોવિયેટ સત્તાધીશોએ તે બાંધ્યું હતું. તેની નીચે જ કેટલાંય બન્કરો બનેલાં છે.

આવા 36 બૉમ્બ શેલ્ટર બનેલાં છે, તેમાં 12,000 લોકોને આશરો મળી રહે છે. 1991માં આઝાદી મળી પછી આ ભોંયરાંઓનું શું કરવું તે કોઈને સૂઝ્યું નહોતું. ત્યારબાદ 2014માં ઘર્ષણ શરૂ થયું.

એઝોવ્સ્તલના સીઈઓ એન્વેર સ્કિતિસશ્વિલી કહે છે, "શહેરમાં લડાઈ આગળ વધે તો શું કરી શકાય તેનો વિચાર અમે કરવા લાગ્યા હતા."

આ બન્કરો અને તેને જોડનારી ટનલોમાં કેવી રીતે રહેવું તેની તાલીમ વર્ષો સુધી રોજેરોજ આપવામાં આવતી રહી હતી.

ફેબ્રુઆરીમાં નવેસરથી લડાઈ થશે તેવું લાગવા લાગ્યું તે પછી આ પ્રયાસોને વધારી દેવાયા. રશિયાએ આક્રમણ કર્યું તેનાં થોડાં અઠવાડિયાં પહેલાં જ અનાજ અને પાણીનો જથ્થો લાવી દેવાયો હતો.


યુદ્ધ માટે નવી બટાલિયનની શરૂઆત

યુક્રેનના જખમી સૈનિક

કારખાનાના અધિકારીઓને ખ્યાલ આવી ગયો કે આ બૉમ્બ શેલ્ટરમાં લોકોને આશરો આપવો પડશે, પરંતુ રશિયાના આક્રમણ સામે છેક સુધી લડી લેનારા વિસ્તાર તરીકે આ જ વિસ્તાર પ્રસિદ્ધ બનશે તેનો અંદાજ નહોતો.

દિવસો વિતવા લાગ્યા અને યુદ્ધ ઈવાન સ્ટાલિનસ્વસ્કીના એપાર્ટમેન્ટનની નજીક આવી રહ્યું હતું.

ફક્ત 400 મીટર દૂર ઝેરકેલની સ્ટોરમાંથી ખાદ્ય સામગ્રી લેવા જવાનું જોખમી બનવા લાગ્યું હતું. ઘણી વાર યુક્રેનની મોર્ટાર ટીમ ટ્રકમાં આવતી હતી અને થોડો તોપમારો કરીને રશિયનો વળતું આક્રમણ કરે તે પહેલાં પાછી ફરી જતી હતી.

નાગરિકો અને સૈનિકો વચ્ચે ભાગ્યે જ સંવાદ થતો હતો.

એક દિવસ એઝોવ રેજિમેન્ટની ટેન્ક ઝેરકેલની પાસે આવી પહોંચી એટલે અહીં લડાઈ થશે એમ સમજીને રહેવાસીઓ નાસવા લાગ્યા હતા.

2014માં આ રેજિમેન્ટ સ્વંયંસેવકોના બહુ અસરકારક જૂથ તરીકે આગળ આવી હતી. પ્રખર જમણેરી અને કેટલાક કેસમાં નિયો નાઝી જોડાણ સાથેની આ રેજિમેન્ટને બાદમાં નેશનલ ગાર્ડ ઑફ યુક્રેનમાં સમાવી લેવામાં આવી હતી.

વ્લાદિમીર પુતિને એઝોવનાં વિવાદાસ્પદ મૂળિયાંનો વારંવાર ઉલ્લેખ કરીને દલીલો કરી છે કે પોતે યુક્રેનમાંથી નાઝીઓને દૂર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

યુક્રેનના અધિકારીઓ કહે છે કે રેજિમેન્ટના મૂળિયા નાઝીવાદમાં હતા તે વાત ભૂતકાળ થઈ ગઈ છે અને પ્રખર જમણેરી તત્ત્વોને પણ ભાગ્યે જ ચૂંટણીમાં સફળતા મળી છે.

પોતાની ડાયરીમાં ઈવાને આ બટાલીયનના સભ્યોનું વર્ણન કર્યું છે. તેમાં મોટા ભાગે મારિયુપોલના રહેવાસીઓ જ હતા, મોટરસાયકલચાલકો, વકીલો, ફૂટબોલના પ્રેમીઓ અને એમેચ્યોર ઍક્ટરો.

આ લોકો કોઈ વિચારધારાને કારણે નહીં, પણ પોતાના જીવનને વેરવિખેર કરી નાખનારા આક્રમણખોરો સામે ક્રોધથી લડવા નીકળી પડ્યા હતા.

તેમણે લખ્યું હતું, "આ લોકોએ ભેગા થઈને 'નાઝી' બટાલિયન તૈયાર કરી હતી અને તેના કારણે સમગ્ર રશિયન સેનાને ડરાવી દીધી હતી."

ડરાવનારી અને લડી લેનારી ટુકડી, પણ તેટલું પૂરતું નહોતું કે રશિયાના આક્રમણને ખાળી શકાય.

શહેરને બચાવવા માટે તેઓ વ્યર્થ પ્રયાસો કરતા રહ્યા, ત્યારે ઈવાને પોતાના બેઝમેન્ટમાં સાંભળ્યું કે લોકો હવે પ્રમુખ ઝેલેન્સ્કીને ગાળો આપી રહ્યા હતા કે તેમણે મારિયુપોલને તેના નસીબ પર છોડી દીધું છે.

શહેરને બચાવવા માટે આ લડાયકોના પ્રયાસોની પ્રસંશા થઈ છે, પણ પહેલેથી જ એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે યુક્રેનની સરકાર માટે મારિયુપોલ અગ્રતાક્રમ નહોતું.

રશિયાએ અનેક મોરચા ખોલ્યા હતા, એટલે ઝૅલેન્સ્કીની અગ્રતા રાજધાની કિએવને ટકાવી રાખવાની હતી, કેમ કે પુતિન તેને જ કબજે કરવા માગતા હતા.

તેનો અર્થ એ થયો કે આખરે રશિયાનાં દળો પોતાના યુદ્ધ પહેલાંના એક લક્ષ્યને પાર કરી શક્યા. 2014માં કબજે કરી લેવાયેલા ક્રિમિયા અને ભાગલાવાદીઓના કબજામાં રહેલા ડોનબાસ વચ્ચે જમીન માર્ગે સેતુ જોડાઈ જાય.

જોકે શહેરમાં ફસાઈને બચી જવા માટે લડત આપી રહેનારા લોકો માટે આ કડવો ઘૂંટડો ગણી જવો પડે તેમ હતો.

ઈવાને 13 માર્ચે પોતાની ડાયરીમાં લખ્યું હતું, "કેટલાક કહે છે કે મારિયુપોલને વીરનગરી તરીકેનો દરજ્જો અપાયો છે."

"એવું લાગે છે કે આ ખિતાબ જાણે મરણોપરાંત મળ્યો હોય."

ઈવાન હવે વધુ સહન કરી શકે તેમ નહોતા. ઝેરકેલની સુપરમાર્કેટની બહાર દીવાલ પર મૃતદેહોનો ખડકલો થયેલો હતો. લોકોએ ખોરાક મેળવવા માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું તેની જગ્યાએ હવે જાણે લોકોના "મડદાંની લાઈન લાગી હતી", જે દફન થવાની રાહ જોતાં હોય.

આથી 15 માર્ચે ઈવાન અને પરિવારના ચાર સભ્યોએ સામાન બાંધ્યો અને પોતાની બિલાડીને લઈને હજી સુધી અકબંધ રહેલી સ્કોડા ફેબિયા કારમાં સવાર થયા.

સરકારના કબજામાં રહેલા ઝેપોરિઝઝિયા તરફ હિજરતીઓનો પ્રવાહ ચાલ્યો હતો, તેમાં તેમનું કુટુંબ પણ જોડાઈ ગયું.

માર્કેલોવા શેરીમાંથી દૂર બંદર અને બીચ દેખાય છે. ઈવાન ત્યાં થોડી માટે ઊભા રહીને પોતાના નગરને જોતા રહ્યા.

તેમણે ડાયરીમાં લખ્યું છે, "હું મનોમન આ જગ્યાને વિદાય આપી રહ્યો હતો. મને લાગતું હતું કે અહીં ક્યારેય પરત ફરી શકાશે નહીં."


ભૂખ અને તરસ સાથે હિજરત

મારિયુપોલ શહેર

બીજા દિવસે મારિયા અને તેમના પાંચ સગાઓએ પણ કારમાં માત્ર જરૂરી સામાન અને શ્વાનને લઈને શહેર છોડી દીધું. મારિયુપોલ છોડતી વખતે તેમના કાફલા પર હુમલો થયો હતો અને તેમણે બચી જવા માટે બહુ ઝડપથી કાર ભગાવવી પડી હતી. તેઓ ઝેપોરિઝઝિયા પહોંચ્યાં અને બાદમાં નિપ્રો જતાં રહ્યાં હતાં.

તે પછીના દિવસે નતાલિયા અને ઍન્ડ્રેઈ પણ પડોશીની કારમાં જગ્યા હતી એટલે તેમાં બેસીને શહેર છોડી ગયાં. દંપતિ મેલનિત્સ્કી શહેરમાં પહોંચ્યું છે અને અહીં ટકી જવા માટે તેઓ પોતાના સંગ્રહમાં રહેલા જૂના સિક્કાઓ વેચી રહ્યું છે.

એ જ કાફલામાં યેવહેન પણ પોતાની પત્ની અને બે સગાઓ સાથે નગર છોડી રહ્યા હતા. તે હવે નિપ્રોમાં છે અને મારિયુપોલ છોડીને આવેલા લોકોને સ્થાયી થવામાં મદદ કરે છે અને પાછળ રહી ગયેલા લોકોના સંપર્કમાં છે.

વોલોદિમીર મોટી ઉંમરનાં માતાની સંભાળ લેવા બને એટલો સમય મારિયુપોલમાં જ રહેવા માગતા હતા. જોકે આખરે ખોરાક અને દવાની અછતને કારણે માતાનું અવસાન થયું. 21 એપ્રિલે તેમણે પણ મારિયુપોલ છોડી દીધું અને હવે નિપ્રોની એક હૉસ્પિટલમાં સ્વંયસેવક તરીકે કામ કરે છે.

તેઓ કહે છે, "મારા જેવા હજારો પરિવારો છે. કેટલા લોકો માર્યા ગયા છે? કેટલા પરિવારો વિખેરાઈ ગયા છે?"

નગર છોડ્યાના બે મહિના પછીય ઈવાન દૂર બેસીને મારિયુપોલની કરૂણ સ્થિતિને જોઈ રહ્યા છે.

પોતાની ડાયરીમાં બહુ ઉદાસી સાથે તેમણે જૂની વાતો લખી છે, કોઈના મૃત્યુના સમાચારોના મૅસેજ મળ્યા કે કોઈ નસીબદાર શહેરમાંથી નીકળી શક્યા તેની નોંધ લખી છે.

એવા ફોનનંબર પણ નોંધી રાખ્યા છે જે લાગ્યા નહોતા: "આ ફોન સેવાક્ષેત્રની બહાર છે."

(કૅટરિના કિન્કુલોવા અને ઇલિયા તોલસ્તોવના અહેવાલો સાથે)


https://www.youtube.com/watch?v=d3_zg3IADKw

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Mariupol: The smiling town that Russia destroyed in 80 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X