For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય વિદ્યાર્થીઓને ઘરે મોકલવા મોદીને કારણે પુતિને યુદ્ધ અટકાવ્યું? ભાજપના નેતાઓનો દાવો કેટલો ખરો?

ભારતીય વિદ્યાર્થીઓને ઘરે મોકલવા મોદીને કારણે પુતિને યુદ્ધ અટકાવ્યું? ભાજપના નેતાઓનો દાવો કેટલો ખરો?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુજરાત ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે ભારતીય વિદ્યાર્થીઓની વતનવાપસી માટે રશિયાએ અમુક કલાકો માટે યુદ્ધ અટકાવી દીધું પણ શું ખરેખર એવું છે?

યુક્રેનનાં જુદાં જુદાં શહેરોમાં હાલ કામચલાઉ યુદ્ધવિરામ કોશિશ થઈ રહી છે, જેથી કરીને ત્યાં ફસાઈ ગયેલા નાગરિકોને બહાર કાઢી શકાય. શું ભારતીયોને પણ આ પ્રયાસોથી લાભ થયો?

રશિયાએ સોમવારે કહ્યું હતું કે તે કિએવ, ખારકિએવ, મારિયુપોલ અને સૂમી જેવાં ઘણાં શહેરોમાં માનવતાનાં દ્વાર ખોલશે. પરંતુ યુક્રેનિયન અધિકારીઓએ હજુ સુધી એની પુષ્ટિ નથી કરી.

સૂમી ભારતના નાગરિક બચાવ પ્રયાસોનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. વિદેશમંત્રાલય અનુસાર, શુક્રવાર સુધી સૂમીમાં લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા હતા. એ જોવાનું હજી બાકી છે કે પ્રસ્તાવિત યુદ્ધવિરામથી સૂમીમાં ભારતીયોને લાભ થશે કે નહીં.

અઠવાડિયાના અંત સુધીમાં મારિયુપોલ શહેરમાંથી નાગરિકોને બહાર કાઢી લાવવા માટે યુદ્ધવિરામના બે પ્રયાસો નિષ્ફળ થયા છે.

નાગરિક બચાવના પ્રયાસો સફળ ન થવા માટે રશિયા અને યુક્રેન બંને પક્ષોએ એકબીજાને જવાબદાર ઠરાવ્યા છે.

મારિયુપોલના અધિકારીઓએ રશિયા પર સતત બૉમ્બમારો કરવાના અને "યુદ્ધવિરામ અમલમાં ન મૂકવા"ના આરોપ કર્યા છે. જવાબમાં રશિયાએ પણ યુક્રેનના અધિકારીઓ પર આરોપ કર્યો કે એમણે લોકોને બહાર જતાં રોક્યા છે.

ભારત રશિયા અને યુક્રેન બંને પર ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢી લાવવા માટે કામચલાઉ યુદ્ધવિરામ કરવા માટે દબાણ કરી રહ્યું છે. યુએનજીએમાં પણ ભારતના પ્રતિનિધિએ આ જ માગ કરી હતી.

ભૂતકાળમાં પણ, ગઝામાં અને સીરિયા ગૃહયુદ્ધ દરમિયાન સંઘર્ષગ્રસ્ત ક્ષેત્રોમાંથી ખાસ કરીને નાગરિકોને બહાર કાઢી લાવવા માટે કે માનવીય સહાયતા પહોંચાડવા માટે, માનવતાવાદી અભિગમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રવિવારે, વડા પ્રધાન મોદીએ પુણેના પ્રવાસ દરમિયાન કહ્યું કે યુક્રેનમાં ભારતના નાગરિક બચાવ પ્રયાસોનું શ્રેય ભારતના "વધતા પ્રભાવ"ને ફાળે છે.


ફેક ન્યૂઝ અને રાજકીય બયાનબાજી

યુક્રેનમાંથી નાગરિક બચાવ માટેના ભારતના પ્રયાસો ચાલુ છે, એ દરમિયાન કેટલાક ફેક ન્યૂઝ અને રાજકીય બયાનબાજીએ પણ દેખા દીધી છે, ખાસ કરીને ખારકિએવ શહેરની સ્થિતિની બાબતમાં.

ગયા અઠવાડિયે, ઘણા બધા ફેક ન્યૂઝ રિપોર્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટ વાઇરલ થયાં હતાં, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની વિનંતીને ધ્યાનમાં રાખીને રશિયાએ ખારકિએવમાં છ-આઠ કલાક માટે યુદ્ધ અટકાવી દીધું છે, જેથી ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢી શકાય.

બીબીસીને જાણવા મળ્યું કે ઓછામાં ઓછાં 8 મુખ્ય રાષ્ટ્રીય આઉટલેટે આવા ખોટા સમાચાર પ્રસારિત કર્યા હતા. અને એમાંથી કોઈએ પણ આ બાબતમાં સુધારો કે સ્પષ્ટીકરણ પ્રકાશિત નથી કર્યું, અને આવા રિપોર્ટ એમની વેબસાઇટ અને ફેસબુક, ટ્વિટર અને યુટ્યૂબ જેવાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ છે. એમાંથી કેટલાંકના તો એક કરોડ કરતાં પણ વધારે ફૉલોઅર છે.

ભાજપ નેતા દિનેશ દેસાઈની ટ્વીટ

આ જ ખોટો દાવો મહારાષ્ટ્ર ભાજપે પોતાના સત્તાવાર હૅન્ડલ પર શેર કર્યો હતો. એને પણ ઓછામાં ઓછા છ મુખ્ય ભાજપ નેતાઓએ, જેમના લાખો ફૉલોઅર છે, પોતાના વેરિફાઇડ હૅન્ડલ પર શેર કર્યો. આ ખોટા દાવાને શેર કરનારા કેટલાક મુખ્ય નેતાઓમાં ભાજપાના રાષ્ટ્રીય સચિવ અરવિંદ મેનન અને તરુણ ચૂગ, ભાજપા ગુજરાતના મહાસચિવ પ્રદીપસિંહ વાઘેલા અને દિનેશ દેસાઈ જેવા યુવાનેતા સામેલ છે.

એમાંની ઘણી ટ્વીટમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે કે, "મોદી એ કરવામાં સફળ થયા જે અમેરિકા, નેટો અને યુરોપિયન સંઘ ન કરી શક્યાં." કેટલાંક ટ્વીટમાં પીએમ માદીના પોસ્ટર અને #ModiHaiTohMumkinHai જેવી હૅશટૅગ હતી.

પત્રકારો, ટિપ્પણીકારો અને વિશ્લેષકોએ પણ વડા પ્રધાનની પ્રશંસા કરતા આ દાવાને શેર કર્યો. એક પત્રકારે દાવો કર્યો કે, "યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવીને વડા પ્રધાન વૈશ્વિક નેતાઓ માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે. જો તેઓ પોતાના દેશવાસીઓને બચાવવા માટે છ કલાક માટે યુદ્ધ અટકાવી શકે તો વિચારો કે જ્યારે દુશ્મન હુમલો કરવાની હિંમત કરશે તો તેઓ શું કરશે."


સત્ય શું છે?

યુક્રેનમાંના એક ભારતીય વિદ્યાર્થીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે ઍડ્વાઇઝરી મળ્યા પછી તે અને બીજા ઘણા વિદ્યાર્થીઓ ખારકિએવથી પિસોચિન જવા માટે પગપાળા નીકળી ગયા જે લગભગ 11 કિલોમીટર દૂર છે

ભારત સરકારે, બુધવારે, ખારકિએવમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે એક તત્કાલ ઍડ્વાઇઝરી પ્રસિદ્ધ કરી હતી કે, બધા ભારતીયો તરત જ શહેર છોડી દે, ભલે ને પછી ચાલતાં જ નીકળવું પડે. ખારકિએવમાં ભારતીયોને આસપાસની વસાહતો સુધી પહોંચવા માટે લગભગ ચાર કલાકનો સમય અપાયો હતો, જેમાંની એક વસાહત 15 કિલોમીટરથી પણ વધારે દૂરના અંતરે છે. એ દિવસે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરવા માટે ફોન પર વાતચીત કરી હતી.

આ ઍડ્વાઇઝરીએ કેટલાક લોકોને ચોંકાવી દીધા. યુક્રેનમાંના એક ભારતીય વિદ્યાર્થીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે ઍડ્વાઇઝરી મળ્યા પછી તે અને બીજા ઘણા વિદ્યાર્થીઓ ખારકિએવથી પિસોચિન જવા માટે પગપાળા નીકળી ગયા જે લગભગ 11 કિલોમીટર દૂર છે. એમણે જણાવ્યું કે વસાહત સુધી પહોંચવા માટે ચાર કલાકનો સમય આપવો "ગાંડપણ" હતું. "આ મુસાફરી બહુ ડરામણી હતી. દરેક પળે ધડાકાનો ખતરો હતો. અમે જોતા હતા કે કેવી રીતે આખી ઇમારતો ભાંગીને ભુક્કો થઈ ગઈ; મૉલ, જ્યાં ક્યારેક અમે યાદો સજાવી હતી, બધું વેરવિખેર થઈ ગયું હતું." પરિણામની બીકના લીધે એ વિદ્યાર્થી પોતાનું નામ જાહેર કરવા નથી માગતા.

જ્યારે યુદ્ધગ્રસ્ત ખારકિએવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ નજીક આવેલી વસાહતોમાં જવાનો માર્ગ અખત્યાર કર્યો ત્યારે રશિયા વિશે એવો દાવો થયો કે, "છ-આઠ કલાક માટે યુદ્ધ અટકાવ્યું" જેથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢી શકાય, આ સમાચારો મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રસરી ગયા.

ભારત સરકારે ગુરુવારે આ દાવાનું ખંડન કર્યું, વિદેશમંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક બ્રીફિંગમાં કહ્યું કે, બુધવારે બહાર પાડવામાં આવેલી ઍડ્વાઇઝરી "આ ઇનપુટ્સ પર આધારિત હતી કે આ માર્ગ ઉપલબ્ધ છે અને આ એ સ્થળ છે જ્યાં ભારતીય નાગરિકોને આ સમય સુધીમાં પહોંચી જવું જોઈએ."

એમણે કહ્યું કે, "પરંતુ એવું કહેવું બિલકુલ ખોટું છે કે કોઈ બૉમ્બમારો અટકાવી રહ્યું છે અથવા એમ કે, કંઈક એવું છે જેના માટે અમે કોર્ડિનેટ કરી રહ્યા છીએ." "મને લાગે છે કે એ ખરેખર તો પોતાની મેળે થઈ રહ્યું છે."

સેવાનિવૃત્ત નૌસેના અધિકારી ઉદય ભાસ્કરે શુક્રવારે બીબીસીને જણાવ્યું કે, વિદેશમંત્રાલયના સ્પષ્ટીકરણથી ખબર પડે, નહીંતર તો, "મેં સોશિયલ મીડિયા પર એમાંની કેટલાંક ટ્વીટ જોયાં હતાં અને માની લીધું હતું કે એ સાચું છે."

"જોકે, ચૂંટણીના કારણના લીધે જે રીતે 'છ કલાક માટે યુદ્ધવિરામ'ને સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવી રહ્યો હતો - સ્પષ્ટ હતું કે કોઈ ટીખળખોરે એમ કર્યું હશે. મારા મતાનુસાર ચાલુ યુદ્ધે આવું કરવાથી ભારતના નાગરિકોની સુરક્ષા પર અસર થઈ."

બીબીસીએ ટિપ્પણી માટે દિલ્હીમાં સ્થિત રશિયન દૂતાવાસનો સંપર્ક કર્યો, પરંતુ આ રિપોર્ટ પ્રકાશિત થાય ત્યાં સુધીમાં એમના તરફથી કશી પ્રતિક્રિયા મળી નથી.



https://youtu.be/FBmrbsKur1U

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Putin stopped the war because of Modi to send Indian students home? How true is the claim of BJP leaders?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X