• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા યુક્રેન યુદ્ધ : જ્યારે પુતિન પર યુક્રેન માટે મિત્રને 'શાંત' કરી દેવાના આરોપ લાગ્યા

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

તા. 27 ફેબ્રુઆરી, 2015ના રોજ રાત્રે 11 વાગ્યા અને 40 મિનિટ જેવો સમય હતો. રશિયાની રાજધાની મૉસ્કોના રાજકીય દિલ ક્રૅમલિન નજીક આવેલા ગ્રૅટ મૉસ્કવોરેત્સકી પુલ પર બૉરિસ નેમત્સૉવ નામના રાજકારણીની સરાજાહેર હત્યા કરી દેવામાં આવી.

બૉરિસના મૃત્યુ સમયે તેમનાં ગર્લફ્રૅન્ડ તેમની સાથે હતાં, જેઓ યુક્રેન મૂળનાં હતાં. બંનેની મુલાકાત તુર્કીમાં થઈ હતી. બંને વચ્ચે 30 વર્ષ કરતાં વધુ વર્ષનો તફાવત હતો, જેના કારણે પોલીસની તપાસમાં વધુ એક આયામ ઉમેરાયો હતો.

શું તે કોઈ મહિલા જાસૂસ હતાં? શું તેમને યુક્રેનની ગુપ્તચર સેવા દ્વારા બૉરિસને આકર્ષવા માટે રાખવામાં આવ્યાં હતાં?

બૉરિસ માત્ર 55 વર્ષના હતા અને તેમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક સમયે સારા અને સુમેળભર્યા સંબંધ ધરાવતા હતા. બંનેએ લગભગ એકસાથે જ રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ પુતિનની ચઢતી સાથે બૉરિસની પડતી શરૂ થઈ હતી અને પાછળથી તેઓ પુતિનના કટ્ટરવિરોધી બની ગયા હતા.

તેમણે પુતિનની આર્થિકનીતિઓ તથા ક્રાઇમિયાને રશિયામાં ભેળવવાના પગલાનો પૂરજોર વિરોધ કર્યો હતો. બૉરિસ યુક્રેન વિશે પુતિનની 'લાંબાગાળાની યોજના' વિશે ખુલાસો કરવાના હતા. તેમણે એક યુદ્ધવિરોધી રેલીનું આયોજન કર્યું હતું, પરંતુ તેના બે દિવસ પહેલાં જ તેમની હત્યા કરી દેવામાં આવી.

આથી પશ્ચિમના મીડિયામાં પુતિન તરફ શંકાની સોય તાકવામાં આવી. પુતિને કહ્યું કે દેશમાં અરાજકતા ફેલાવવા તથા રશિયાને બદનામ કરવા માટે બૉરિસની હત્યા કરવામાં આવી હતી.

અગાઉ અનેક પુતિનવિરોધીઓને દેશમાં તથા વિદેશમાં શાંત કરી દેવામાં આવ્યા હતા. આ માટે બંદૂકથી માંડીને પૉલિયમ જેવા ભયાનક ઝેરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.


કોણ હતા બૉરિસ નેમત્સૉવ?

https://www.youtube.com/watch?v=vMoRJ-wCrR0

અણુ વિજ્ઞાની એવા બૉરિસે ફિઝિક્સનો અભ્યાસ કર્યો હતો, તેમની ગણતરી આર્થિકસુધારક તરીકે થતી તથા તેઓ રશિયાના નિઝહની નૉવગોરોડ શહેરના ગવર્નર પણ રહી ચૂક્યા હતા. તેઓ ખૂબ જ સારું અંગ્રેજી બોલી શકતા તથા મીડિયા સાથે સારા સંબંધ ધરાવતા હતા.

બૉરિસની ગણતરી રશિયાના ઉદારમતવાદી રાજનેતા તરીકે થતી. રશિયાના વિઘટનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા બૉરિસ યેલત્સિનના કાર્યકાળ દરમિયાન તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

પુતિન 1999માં વિશ્વના સૌથી મોટા દેશ રશિયાના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા અને 2000માં પ્રચંડ બહુમતી સાથે સરળતાપૂર્વક ચૂંટાઈ આવ્યા. ત્યારે પુતિનના પ્રથમ કાર્યકાળ દરમિયાન બૉરિસ અને પુતિન વચ્ચે સંવાદિતતા અને સુમેળભર્યા સંબંધ રહ્યા હતા. જોકે, પાછળથી તેઓ કટ્ટર વિરોધી બની ગયા હતા. બૉરિસ રશિયાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ વિપક્ષને એક કરવા માટે પ્રયાસરત્ હતા.

મૃત્યુના ગણતરીના કલાકો પહેલાં બૉરિસે પોતાના ટ્વિટર ઉપર લખ્યું હતું, "જો તમે યુક્રેનમાં રશિયાનું યુદ્ધ બંધ થાય તેના હિમાયતી હો, જો તમે પુતિના આક્રમણને અટકાવવાના હિમાયતી હો તો મેરિનો ( Maryino) ખાતે વસંત કૂચમાં ભાગ લેવા માટે પહોંચજો."

બૉરિસ કથિત રીતે પહેલી માર્ચ-2015ની પોતાની સાર્વજનિક સભામાં યુક્રેન વિશે પુતિનની લાંબાગાળાની યોજનાનો ખુલાસો કરવાના હતા. બાદમાં એ રેલી રદ થઈ. તેમની અંતિમ વિધિ વખતે હજારોની સંખ્યામાં રશિયનો ઊમટી પડ્યા હતા. તેમના હાથમાં બૉરિસની તસવીરો, રશિયાના ઝંડા, પ્લાકાર્ડ્સ તથા બૅનર હતાં.

હુમલાખોરો દ્વારા બૉરિસને પાછળથી ચાર ગોળી ધરબી દેવામાં આવી હતી. એ સમયે તેમનાં સ્ત્રીમિત્ર તેમની સાથે હતાં.


મહિલામિત્ર પર તપાસ

https://twitter.com/ChristopherJM/status/1331614312922755072

હત્યા સમયે બૉરિસની સાથે તેમનાં મહિલામિત્ર એના દુરિત્સકિયા પણ તેમની સાથે હતાં. તેઓ યુક્રેનનાં મૂળનાં હતાં અને બૉરિસ પણ યુક્રેનમાં રશિયાની સૈન્યદખલના વિરોધી હતાં એટલે ચર્ચા થવી સ્વાભાવિક હતી.

બૉરિસ અને એના મૉસ્કોના વિખ્યાત બૉલસોય મોસ્ક્વોરતસ્કી બ્રીજ પર ચાલી રહ્યાં હતાં, ત્યારે હત્યારા પાછળથી આવ્યા હતા અને બૉરિસને એક પછી એક ગોળીઓ ધરબી દીધી હતી.

રશિયાના મીડિયામાં એનાની ભૂમિકા વિશે પણ ચર્ચા ચાલી હતી. એના અને બૉરિસની મુલાકાત હત્યાકાંડનાં લગભગ અઢી વર્ષ પહેલાં તુર્કીમાં એક બીચ ખાતે થઈ હતી.

વર્ષો પછી એક વેબસાઇટના ઇન્ટરવ્યૂમાં એનાએ જણાવ્યું હતું કે મુલાકાત સમયે તેઓ 19 વર્ષનાં હતાં, જ્યારે બૉરિસ લગભગ 52 વર્ષનાં હતાં. બંને વચ્ચે ઉંમરમાં 30 વર્ષ જેટલો તફાવત હતો.

હત્યાની રાત્રે અને પછી ત્રણ દિવસ-રાત તેમની રશિયાના તપાસ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, એ પછી તેમને યુક્રેન જવાની મંજૂરી આપવામાં આવી હતી.

મૉડલ અને બ્યુટી કૉન્ટેસ્ટન્ટ એનાએ બૉરિસ દ્વારા આર્થિક મદદ મળતી હોવાની વાત સ્વીકાર કર્યો હતો, પરંતુ યુક્રેન કે રશિયાની ગુપ્તચર એજન્સી દ્વારા ભરતી કરવામાં આવી હોવાના કે બૉરિસ થકી ગર્ભવતી થયા બાદ ગર્ભપાત કરાવવાની ચર્ચાઓને નકારી તેની ઉપર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો.

એના બૉરિસની હત્યામાં રશિયાની સરકારની સંડોવણીની શક્યતાને નકારી ન હતી. બૉરિસની હત્યા બાદ એનાએ મૉડલિંગ છોડી દીધું તેઓ ફૅશન વિશે લખે છે અને બ્લૉગિંગ કરે છે.

બૉરિસે ત્રણ મહિલાઓ સાથે લગ્ન કર્યાં હતાં અને બીજા કેટલાક સંબંધો તથા સ્ત્રીમિત્રો વિશે રશિયન મીડિયામાં ચર્ચા હતી.


પુતિન પર આરોપ

બૉરિસને આશંકા હતી કે પુતિન દ્વારા તેમની હત્યા કરી દેવામાં આવશે, તેમણે સાર્વજનિક ઇન્ટરવ્યૂમાં પણ આ વાત કહી હતી. પુતિનને ફેસબુક ઉપર જીવથી મારી નાખવાની ધમકીઓ મળતી હતી અને તેમણે આ અંગે રશિયાન અધિકારીઓને ફરિયાદ પણ કરી હતી. જોકે પોલીસ દ્વારા તેને નકારી કાઢવામાં આવી હતી.

પુતિને બૉરિસની હત્યાને 'આધુનિક રશિયામાં અસ્વીકાર્ય' જણાવીને હતી 'જાતે' તપાસનું નિરીક્ષણ કર્યું હતું. હત્યાના તાર કટ્ટર ઇસ્લામિક ચેચનો સુધી પહોંચ્યા હતા.

બૉરિસના મિત્ર તથા ગત ચૂંટણીમાં પુતિનની સામે ઝંપલાવનારા વિપક્ષના નેતા એલેક્સી નેવેલેનીએ પુતિનની ઉપર હત્યાનો આરોપ મૂક્યો હતો. તેમને બૉરિસની અંતિમયાત્રામાં સામેલ થવા દેવામાં આવ્યા ન હતા અને ગેરકાયદેસર રીતે ચોપાનિયાંવિતરણના કેસમાં 15 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી.

છ વર્ષ બાદ બૉરિસની હત્યા માટે પુતિન તરફ આંગળી ચીંધનારા એલેક્સીની પણ હત્યાનો પ્રયાસ થવાનો હતો, પરંતુ તેમનું નસીબ સાથ આપી રહ્યું હતું.


નસીબના નવાબ નેવેલેની

રશિયા

અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા તથા રશિયાના વિપક્ષના સંયોજક એલેક્સી નેવેલેની જર્મનીથી મૉસ્કો જઈ રહ્યા હતા ત્યારે ફ્લાઇટમાં ગંભીર રીતે બીમાર પડી ગયા હતા. ફ્લાઇટને તત્કાળ નજીકના ઓમસ્ક ઍરપૉર્ટ ઉતારવામાં આવી હતી. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.

પરંતુ એલેક્સીની તબિયત કથળતાં તેમને વધુ સારવાર અર્થે બર્લિન ખસેડવામાં આવ્યા હતા. તપાસકર્તાઓને તેમની ચામડી, લોહી, પેશાબ અને પાણીની બૉટલમાંથી નૉવીચૉક ( Novichok ) નામનું ઝેરી રસાયણ મળી આવ્યું હતું.

જર્મનીની ગુપ્તચર સંસ્થાના હવાલાથી અહેવાલ આવ્યા હતા કે રશિયામાં સર્વોચ્ચ સ્તરેથી હત્યાના આદેશ છૂટ્યા હતા. ક્રૅમલિને આ મુદ્દે સંડોવણીનો ઇન્કાર કર્યો, સાથે જ અલગથી તપાસ કરાવવાનો પણ ઇન્કાર કર્યો. હાલમાં તેઓ જેલની સજા કાપી રહ્યાં છે.

જાન્યુઆરી-2021માં તેઓ રશિયા પરત ફર્યા, જ્યાં તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો ઍરપૉર્ટ પર એકઠા થયા હતા. એ જ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી ચૂંટણી દરમિયાન નેવેલીએ જેલમાંથી ચૂંટણી લડી હતી, પરંતુ પુતિન સામે તેમનો પરાજય થયો હતો.

યુક્રેન ઉપર રશિયાના હુમલા પછી નેવેલેનીએ જેલમાંથી નાગરિકોને ગાંધીચિંધ્યા માર્ગે સરકાર વિરુદ્ધ અસહકારનું આંદોલન છેડવા માટે આહ્વાન કર્યું છે.


કેટલીક રહસ્યમયી હત્યાઓ

વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ (અને વડા પ્રધાન હતા ત્યારે પણ) બન્યા ત્યાર પછીથી અમુક વિપક્ષના નેતા, રશિયાના પૂર્વ જાસૂસો, પત્રકારો તથા માનવઅધિકાર કાર્યકર્તાઓની હત્યાની ચોંકાવનારી ઘટનાઓ ઘટી છે. જેમાં હત્યારા તો પકડાઈ ગયા, પરંતુ તેમને સોપારી કોણે આપી તે સ્પષ્ટ નહોતું થઈ શક્યું.

બૉરિસની હત્યા સમયે નેવેલીએ આરોપ મૂક્યો હતો કે રશિયાના ગુપ્તચર તંત્ર દ્વારા અસંગઠિત ઉગ્રવાદીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

2006માં સંશોધાત્મક પત્રકારત્વ કરતાં એના પોલિટોવૅસ્કિયાની મૉસ્કોમાં તેમના ઘરમાં લિફ્ટમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમણે ચેચન્યાના રશિયાની સેનાના કથિત યુદ્ધઅપરાધો વિશે વ્યાપક સંશોધન કર્યું હતું.

બીબીસી સાથેની વાતચીત દરમિયાન એનાએ સ્વીકાર્યું હતું કે તેમના જીવ ઉપર જોખમ છે, છતાં તેમણે કામ ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરી હતી. તેમની હત્યાના કેસમાં પાંચ આરોપીઓને વર્ષ 2014માં સજા થઈ હતી.

એના એક મહિના પછી રશિયાના પૂર્વ કેજીબી અધિકારી તથા એલેક્ઝાન્ડર લિત્વિન્કોનીની હત્યા કરી દેવામાં આવી. તેઓ કેજીબીમાં જોડાયા તે પહેલાં રશિયાની સેનામાં હતા અને લેફટનન્ટ કર્નલની રૅન્ક સુધી પહોંચ્યા હતા. તેમને એનાની નજીક માનવામાં આવતા હતા તથા તેઓ પણ પુતિનવિરોધી હતા.

એલેક્ઝાન્ડર એનાની હત્યા વિશે ખાનગીરાહે તપાસ પણ કરી રહ્યા હતા. તેમણે રશિયાની ગુપ્તચર એજન્સી ઉપર પોતાના જ નાગરિકોની હત્યાનું કાવતરું ઘડવાના આરોપ મૂક્યા હતા.

અમેરિકાના પત્રકાર તથા રશિયામાં ફૉર્બ્સ મૅગેઝિનનું સંપાદન કરતાં પૉલ ખલેબનિવની 2004માં મૉસ્કો ખાતેની તેમની ઓફિસની બહાર હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ કથિત રીતે રશિયાના એક ધનાઢ્યના ભ્રષ્ટ આચરણની તપાસ કરી રહ્યા હતા.

તુર્કી દ્વારા તાજેતરમાં ચેચન મૂળના એક શખ્સની ધરપકડ કરી હતી, જેણે કથિત રીતે પોલ સહિત અન્ય કેટલાક લોકોની હત્યાની સોપારી લીધી હતી અને કથિત રીતે રશિયાના રાજનેતા દ્વારા તેમને આ કામ સોંપવામાં આવ્યું હતું. ,

ચેચન્યાના રાજધાની ગ્રોઝનીમાં સ્ટેડિયમ બ્લાસ્ટમાં ઇસ્લામિક નેતા અખમંદ કાદાયરોવની હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ રશિયાની સેના સામે લડી રહ્યા હતા, પાછળથી તેમની સાથે જ મળીને ઇસ્લામિક ઉગ્રવાદીઓ સામે લડત હાથ ધરી હતી.

છેલ્લા લગભગ એક દાયકા કરતાં વધુ સમયથી તેમના પુત્ર રમઝાન ચેચન્યાના મુખ્ય શાસક છે અને રશિયાતરફી છે. તેમને પુતિનના વફાદાર માનવામાં આવે છે તથા દેશ તથા વિદેશમાં કથિત રીતે તેમના આદેશથી અનેક પુતિનવિરોધીઓને શાંત કરી દેવામાં આવ્યા હતા.

જુલાઈ-2003માં સંસદસભ્ય યુરી શેશોખિનનું રહસ્યમય બીમારીથી મૃત્યુ થયું હતું. કથિત રીતે તેમને ઝેર આપવામાં આવ્યું હતું. અમુક વર્ષ સુધી તપાસ બાદ તેની તપાસ બંધ કરી દેવામાં આવી હતી. સ્તાનસિલા માર્કેલોવ, અનાસ્તસિયા બાબુરોવા, નતાલિયા ઇસ્તિમીરોવા જેવી અન્ય કેટલીક હત્યાઓ ચર્ચિત બની હતી.


હત્યા, હત્યારા અને સજા

બૉરિસની હત્યાના એક અઠવાડિયા બાદ સાતમી માર્ચે રશિયન પોલીસ દ્વારા ઝોર દાદાયેવ તથા અંઝોર ગુબાશ્વેવની ધરપકડ કરવામાં આવી.

તપાસકર્તાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો કે બૉરિસ દ્વારા ફ્રાન્સના મૅગેઝિન શાર્લી હેબ્દોના કર્મચારીઓની હત્યાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આથી કટ્ટર ઇસ્લામિક દાદાયેવ નારાજ થયા હતા.

તેઓ ચેચન્યાનાના શાસક તથા પુતિનના વિશ્વાસુ મનાતા રમઝાન કેદયરોવની નૉર્થ બટાલિયનમાં લેફટટન્ટ હતા. પુતિનવિરોધીઓની હત્યાની સાર્વજનિક રીતે હિમાયત કરનારા રમઝાને આરોપીઓના બચાવમાં સોશિયલ મીડિયા પોસ્ટ પણ મૂકી હતી.

થોડા સમય બાદ દાદાયદેવે આરોપ મૂક્યો હતો કે તેમની પાસેથી બળજબરીપૂર્વક નિવેદન લેવામાં આવ્યું હતું. રશિયાની સ્થાનિક અદાલત દ્વારા મુખ્ય દોષિત ઝોર દાદાયેવને 20 વર્ષની જેલની સજા ફટકારી. જ્યારે અન્ય આરોપીઓને 11થી 19 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.

આ દરમિયાન અદાલતે ગાડી, સીસીટીવી કૅમેરા તથા ફોનબીલના રેકર્ડોને ધ્યાને લીધા હતા.https://www.youtube.com/watch?v=UxPYpdquhKg

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Russia-Ukraine war: Putin accused of "calming" friend for Ukraine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X