ડોનાલ્ડ ટ્રમ્પની 18 રેલીએ 30 હજારથી વધુને કોરોના વાયરસ આપ્યોઃ સ્ટેનફોર્ડ સ્ટડી
અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી પહેલાં જોરશોરથી રેલીઓ કરવામાં આવી. જો પ્રેસિડેન્ટ બને તો બધા અમેરિકનોને ફ્રીમાં કોરોનાની વેક્સીન આપવાનો દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે રેલીઓ દરમ્યાન હજારોની સંખ્યામાં લોકોમાં કોરોના વાયરસ ફેલાવ્યો હોવાનું સામે આવ્યું છે. સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીના સંશોધનકર્તાઓ દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યાં 18 ચૂંટણી રેલી કરી ત્યાંના લોકોએ જબરી કિંમત ચૂકવવી પડી છે. આ વિસ્તારોમાં 30000થી વધુ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે અને 700 જેટલા લોકોના મોત થઈ શકે છે.
આ અભ્યાસમાં ડોનાલ્ડ ટ્રમ્પે 20 જૂનથી 22 સપ્ટેમ્બર દરમ્યાન કરેલી 18 રેલીઓનું રિસર્ચ કરવામાં આવ્યું. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલી બાદ નવા 30000 કોરોના સંક્રમિતો સામે આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પની આ રેલીઓને 700થી વધુ લોકોના જીવન પર જોખમ મંડરાયું છે.
સ્ટડીમાં અભ્યાસકર્તાઓએ કહ્યું કે, અમારું વિશ્લેષણ માસ ગેધરિંગમાં કોવિડ-19 ટ્રાન્સમિશનના જોખમને લગતી જાહેર આરોગ્ય અધિકારીઓને ચેતવણીઓ અને ભલામણોને ભારપૂર્વક સમર્થન આપે છે, ખાસ કરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થવું જોઈએ. જે કોમ્યુનિટીમાં ટ્રમ્પની રેલીઓ થઈ તેમણે સંક્રમણ અને મૃત્યુ બાબતે જબરી કિંમત ચૂકવવી પડી રહી છે.
આ સ્ટડી પરના ટ્વિટર પોસ્ટ પર ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ ઉમેદવાર જો બિડને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પને તમારી ચિંતા નથી. એને ખુદના સમર્થકોની પણ ચિંતા નથી.' શુક્રવારે આ સ્ટડી જાહેર થઈ હતી.