For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાન:'જ્યારે તાલિબાનો પોતાની પત્નીઓ માટે મૅકઅપનો સામાન ખરીદતા હતા'

5 ઑગસ્ટ, 2021ના રોજ તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો. તાલિબાન આ પૂર્વે 1990ના દાયકામાં અફઘાન પર શાસન કરી ચૂક્યું છે. વર્તમાન સ્થિતિને જોતા બીબીસીએ ઉર્દૂએ તાલિબાનના 1990ના દાયકાના શાસન (1996-2001)ના

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
કાબુલ હવાઇમથક પર મહિલાઓ

15 ઑગસ્ટ, 2021ના રોજ તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો. તાલિબાન આ પૂર્વે 1990ના દાયકામાં અફઘાન પર શાસન કરી ચૂક્યું છે.

વર્તમાન સ્થિતિને જોતા બીબીસીએ ઉર્દૂએ તાલિબાનના 1990ના દાયકાના શાસન (1996-2001)ના સમયના અફઘાનિસ્તાનના સમય-સંજોગો અને સ્થિતિ કેવી હતી તે માટે લેખોની એક સિરીઝ શરૂ કરી છે, તેની ત્રીજી આવૃત્તિ વાચકો માટે અહીં પ્રસ્તુત છે.

1988 બાદ મને ઘણી વાર અફઘાનિસ્તાન જવાની તક મળી, ક્યારેક વ્યક્તિગતરૂપે, ક્યારેક પત્રકાર તરીકે અથવા ક્યારેક જિરગા (અફઘાનિસ્તાનમાં કબીલા સરદારોના સમૂહ)ના સભ્યના રૂપમાં તો ક્યારેક એક શિક્ષક તરીકે.

પ્રથમ વખત હું અવામી નેશનલ પાર્ટીના નેતા અને ખુદાઈ ખિદમતગાર આંદોલનના સંસ્થાપક ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના અંતિમસંસ્કારમાં સામેલ થવા માટે 1988માં જલાલાબાદ ગયો હતો.

પરંતુ મારી એ સફર ઘણી ખરાબ રહી, કેમ કે એ સમયે એક બૉમ્બ વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા હતા.


અફઘાનિસ્તાનની યાત્રાની શરૂઆત

અફઘાનિસ્તાનની યાત્રા પર નીકળતા સમયે મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું, જેટલું માર્ચ, 2001માં વિચાર્યું હતું. ત્યારે મને પશ્ચિમી મીડિયાના એક દળ સાથે કાબુલ જવાનું નિમંત્રણ મળ્યું હતું.

જોકે 1989થી પત્રકારત્વના વ્યવસાયમાં છું, તેમ છતાં તાલિબાનના સત્તામાં આવ્યા પછી મારે તેમની સાથે કોઈ સીધો સંપર્ક નહોતો.

મને કાબુલ આવવાનું નિમંત્રણ સ્વીકાર કરવામાં બે સપ્તાહનો સમય લાગ્યો.

એનું એક કારણ એ હતું કે મને અને 'રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ' (એ સંસ્થા જેના માટે હું 1999થી પાકિસ્તાનમાં પત્રકારોના અધિકાર અને પ્રેસની સ્વતંત્રતા પર નજર રાખવાનું કામ કરી રહ્યો છું.) સંસ્થાને એ વાતની આશંકા હતી કે તાલિબાન કદાચ સપ્ટેમ્બર, 2000માં 'તાલિબાન અને મીડિયા’ નામથી છપાયેલા મારા એક લેખના કારણે મને નુકસાન પહોંચાડી શકે છે.

સપ્ટેમ્બર 2000માં પ્રકાશિત આ પહેલો એવો રિપોર્ટ હતો, જેમાં વિશ્વ સમક્ષ તાલિબાન નિયંત્રિત અફઘાનિસ્તાની મીડિયાની સ્વતંત્રતાની તસવીર રજૂ થઈ હતી. આથી મેં જ્યારે કાબુલ જવાનો નિર્ણય કર્યો ત્યારે સૌથી મોટી અડચણ વિઝા મેળવવાની હતી.

https://www.youtube.com/watch?v=i6B_QGZMa28

ન તો હું તાલિબાનને ઓળખતો હતો કે ન તેમાંથી કોઈ મને ઓળખતા હતા. એક મિત્રે જણાવ્યું કે ઇસ્લામાબાદના પત્રકારની (જેમને 'તાલિબાનના નિકટ’ માનવામાં આવતા હતા) મદદ મળી જાય તો વિઝા સરળતાથી મળી જશે.

એ સમયે વિશ્વના મોટા ભાગના પત્રકારો અથવા સામાન્ય લોકો ઇસ્લામાબાદસ્થિત દૂતાવાસથી જ અફઘાનિસ્તાનના વિઝા મેળવતા હતા, કેમ કે માત્ર ત્રણ દેશોએ તાલિબાન સરકારને માન્યતા આપી હતી. તેમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમિરાત હતા.

તાલિબાનના પ્રથમ શાસનકાળ દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એકબીજાના નાગરિકોને નિઃશુલ્ક વિઝા આપી રહ્યા હતા.

આથી મારે વિઝા મેળવવા માટે કોઈ નાણાં નહોતાં ચૂકવવાનાં, જ્યારે પશ્ચિમી મીડિયાની ટીમના સભ્યોને વિઝા માટે નાણાં આપતાં પડતાં હતાં.


'તાલિબાનને બધું ખબર છે'

અમે લોકો 5 એપ્રિલ, 2001ની સવારે તોરખમ થઈને કાબુલ માટે રવાના થયા.

તોરખમ સરહદની પેલી પાર એક નાના રૂમમમાં બેઠેલા એક યુવા ઇમિગ્રેશન અધિકારીએ કાબુલની મારી યાત્રાનો હેતુ પૂછ્યો, પછી મેં જવાબ આપ્યો. ત્યારબાદ તેણે મારા અને પશ્ચિમી મીડિયાના પાસપોર્ટ પર 'પ્રવેશ’ની મહોર મારી દીધી.

તોરખમથી કાબુલ સુધીની યાત્રા થાકી જવાય એવી હતી. અમે મોટા ભાગની યાત્રા દરમિયાન ચૂપ હતા, તેનું કારણ કદાચ અમે લોકો 'અંદરથી ડરેલા' હતા. યાત્રાના થાકના લીધે કાબુલની કૉન્ટિનેન્ટલ હોટલમાં રાત્રે સારી ઊંઘ લીધી અને થાક દૂર થયો.

બીજા દિવસે સવારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયમાં અમારે રજિસ્ટ્રેશન કરાવવાનું હતું. આ કોઈ પણ વિદેશી પત્રકાર માટે અનિવાર્ય હતું.

અમને એક મોટા રૂમમાં બેસાડી દેવાયા. કેટલીક ક્ષણોમાં પાઘડી પહેરેલો એક યુવક આવ્યો અને ચા હતી તે ટેબલ પર ફ્રાંસનું અખબાર 'લે મૉન્ડ' મૂકીને જતો રહ્યો.

https://www.youtube.com/watch?v=h970m9czjkw

હું ફ્રેન્ચ નથી સમજતો, પરંતુ લે મૉન્ડની મુખ્ય સ્ટોરીમાં એક શબ્દ સમજમાં આવ્યો અને એ શબ્દ હતો – તાલિબાન. મેં મારી સાથેના ફ્રાન્સના પત્રકારને પૂછ્યું કે આ સ્ટોરી શું છે.

તેણે જવાબ આપ્યો, "ન પૂછશો... આ તાલિબાન સામેનો એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ છે."

યુવક ચા સાથે ફરી રૂમમાં આવ્યો. મેં પૂછ્યું કે તમે અમારા માટે એક ફ્રેન્ચ અખબાર કેમ લઈને આવ્યા હતા? તેણે જવાબ આપ્યો, "એ તમારા માટે નહોતું. તાલિબાનને બધી ખબર છે કે કોણ ક્યાં છે અને શું લખે છે. અમને બધું ખબર છે."

પશ્તોમાં આ બધું કહેતા યુવકે અમને ચા માટે પૂછ્યું અને કહ્યું કે ઝડપથી તમારી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ જશે.

અમે તાલિબાન દ્વારા થતા મીડિયાના આટલા ઊંડાણપૂર્વકના મૉનિટરિંગથી ચકિત થઈ ગયા હતા. એ સમયે માત્ર ત્રણ દેશોમાં અફઘાનના દૂતાવાસ કામ કરી રહ્યા હતા.

મેં મનમાં સવાલ કર્યો કે આખરે મીડિયા દેખરેખમાં તાલિબાનની મદદ કોણ અને કેવી રીતે કરી રહ્યું હતું? પશ્ચિમી મીડિયાના પત્રકારોનું 'હાસ્ય' અને જે રીતે તેમણે મને જોયો, તેનાથી મને અનુભવ થયો કે કદાચ મારા દેશ (પાકિસ્તાન) પર શંકા કરવામાં આવી રહી છે.

નોંધણી બાદ એક અંગ્રેજી અનુવાદક અમારી સાથે જોડાઈ ગયા. તેમનું કામ એક 'અનુવાદક' તરીકેનું હતું, પરંતુ કદાચ અસલી કામ અમારી જાસૂસી કરવાનું હતું.

આ રીતે કેટલાક દેશો અને સરકારો પત્રકારોની જાસૂસી કરે છે.


તાલિબાન અને 'મૅકઅપ'

પ્રતીકાત્મક તસવીર

અમે પહેલાંથી જ કેટલાક રિપોર્ટની યોજના બનાવી હતી, જેમાં એક તાલિબાન દ્વારા મહિલાઓ સાથે કથિત કઠોર વ્યવહાર વિશેની બાબત હતી.

કાબુલના 'શહર-એ-નૌ’ બજારમાં કૉસ્મેટિકની એક દુકાન ખૂલી હતી એને જોઈને હું આશ્ચર્યમાં પડી ગયો. દુકાન મૅકઅપના સામાનથી ભરેલી હતી.

અમારો આશ્ચર્યભાવ જોઈને એક દુકાનદારના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેણે કહ્યું, "હા, અહીં ખરીદી કરવામાં આવે છે." તેમના જવાબે અમારી ઉત્સુકતા વધારી દીધી અને અમે પૂછ્યું, "કેવી રીતે?"

દુકાનદારે ઝડપથી જવાબ આપ્યો, "તાલિબાન ખુદ એ લેવા આવે છે અને પોતાની પત્નીઓ માટે મૅકઅપનો અલગ-અલગ સામાન ખરીદે છે. તાલિબાન પોતાની પત્નીઓ સુંદર દેખાય તે પસંદ કરે છે. પણ મહિલાઓ બજારમાં જાય તેના તેઓ વિરોધી છે."

ટીવી રિપોર્ટિંગ માટે ફૂટેજ મહત્ત્વનાં અને જરૂરી હોય છે. આ યાત્રામાં અમારા માટે સૌથી મોટો પડકાર ફૂટેજ ભેગાં કરવાનો હતો. જોકે ફૂટેજ લેવાનું કહ્યું તો તે દુકાનદાર તૈયાર ન થયો.

તે કૅમેરા પર બોલવા માટે તૈયાર નહોતો, કેમ કે તાલિબાન શાસનમાં કૅમેરાના ઉપયોગ મામલે બિલકુલ પણ છૂટછાટ નહોતી. એકદમ કડક નીતિ હતી.

તેમના પ્રથમ શાસનકાળ દરમિયાન રેડિયો અને ટેલિવિઝન પ્રસારણો પર સંપૂર્ણ પ્રતિબંધો લગાવી દેવાયા હતા.


'દાઢી માટેની છૂટનું સર્ટિફિકેટ'

પ્રતીકાત્મક તસવીર

વિદેશ મંત્રાલયે અમને જે અનુવાદક આપ્યા હતો તે પશ્તૂન હતા અને કાબુલ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર હતા.

તે અમને લેવા માટે સવાર-સવારમાં હોટલ આવી જતા હતા. ક્યારેક-ક્યારેક તેઓ એટલા જલદી આવી જતા કે અમે નાસ્તો પણ નહોતા કરી શકતા.

અમે તેમને 'મિ. પ્રોફેસર’ કહેતા હતા. તેઓ સૌથી પહેલા પશ્તો ભાષામાં મારા હાલચાલ પૂછતા અને પછી કહેતા, 'કોઈ તકલીફ તો નથી ને?'

તેઓ દિવસમાં એકથી વધારે વખત હાલ પૂછતા અને એ નિત્યક્રમ હતો. તેમના આ વ્યવહારથી મારા દિલમાં ચિંતા બેસી ગઈ અને મને લાગવા લાગ્યું કે 'તાલિબાન અને મીડિયા'નો રિપોર્ટ મારા માટે કોઈ મુશ્કેલી તો નહીં પેદા કરે ને?

પ્રોફેસરસાહેબ મનોવિજ્ઞાન વિશે થોડું ક જાણતા હતા અને કદાચ એટલે જ એક દિવસ મારા ડરને તેમણે જાણી લીધો અને મને કહ્યું, "ચિંતા ના કરો, તમે મારા મહેમાન છો. શું થઈ ગયું જો તમે એ રિપોર્ટ લખ્યો છે તો?"

એક સમયે તો મને એવું લાગ્યું કે જાણે મારા હૃદયે ધબકવાનું જ બંધ કરી દીધું છે, પરંતુ મેં જલદી જ ખુદને એ વિશ્વાસ અપાવ્યો કે અલ્લાહ જે પણ કરશે તે સારું જ કરશે.

દરમિયાન તેમણે અમારું ધ્યાન એક એવા મુદ્દા તરફ ખેંચ્યું જેના વિશે અમે વધુ વિચાર્યું નહોતું.

તેમણે કહ્યું કે બજારમાં ફરતા સમયે અમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે નમાજનો સમય તો નથી ને? કેમ કે એ સમયે નમાજ ન પઢતા લોકો સાથે પોલીસ ખૂબ જ કડક વલણ અપનાવે છે.

એક દિવસ 'શહર-એ-નૌ' બજારમાં અમને વિશેષ પોલીસદળના જવાનો મળ્યા.

એક અધિકારીએ મને પૂછ્યું, "તમે દાઢી કેમ નથી વધારી?" મેં ખુદને એક વિદેશી નાગરિક તરીકે રજૂ કર્યો અને પૂછ્યું, "શું વિદેશીઓ માટે પણ આવું જ છે?"

અધિકારીએ ગુસ્સામાં જવાબ આપ્યો, "શું તમે મુસલમાન નથી?"

એ સમયે અમારા અનુવાદકે અધિકારીને વ્યસ્ત રાખવાની કોશિશ કરી અને તેમને મારા વિશે કહ્યું, "આ એક મુસલમાન છે અને પશ્તૂન પણ છે. ઇન્શાઅલ્લાહ દાઢી પણ જરૂરથી વધારશે."

આ સાંભળીને અધિકારી જતા રહ્યા અને અમે ભોજન માટે શહર-એ-નૌ બજારના પ્રસિદ્ધ 'હેરાત રેસ્ટોરાં'માં ગયા. પ્રોફેસરસાહેબે ઘટના માટે અમારી માફી માગી અને કહ્યું કે તેઓ ભોજન પછી અમને મળશે.

તાલિબાનના સત્તામાં આવ્યા પહેલાં આ રેસ્ટોરાં લોકોથી ભરાયેલી રહેતી હતી, પરંતુ હવે તેમના વેપારને અસર થતી દેખાતી હતી. અમે જમવાનું ઑર્ડર કર્યું અને વાત કરવા લાગ્યા.

અમે હજુ તો વાતચીત શરૂ કરી હતી કે રેસ્ટોરાંમાં કેટલીક હલચલ જોવા મળી. રેસ્ટોરાંના કર્મચારીઓએ બારીના પરદા નીચા કરી દીધા અને બારી-બારણાં બંધ કરવાનું શરૂ કરી દીધું.

https://www.youtube.com/watch?v=cJ9j3eIfs2w&t=3s

એક કર્મચારીએ ફારસી ભાષામાં કહ્યું, "ચિંતા ન કરો. આજે શુક્રવાર છે અને તમામે શુક્રવારની નમાજ માટે મસ્જિદમાં હોવું જોઈએ. અમે તમને બહાર નથી કરી શકતા, કેમ કે તમે મહેમાન છો."

આગામી દિવસે અમારે ગૃહ મંત્રાલયમાં તાલિબાનના ગૃહમંત્રી મુલ્લા અબ્દુલ રઝ્ઝાક અખુંદનો ઇન્ટરવ્યૂ કરવાનો હતો. મેં વિચાર્યું કે હું તેમને દાઢી સંબંધિત સમસ્યા પર પૂછીશ.

સવારે જ્યારે અમે તેમના કાર્યાલય પહોંચ્યા ત્યારે એક ખરાબ સમાચાર અમારી રાહ જોઈ રહ્યા હતા. એક 'મહત્ત્વપૂર્ણ બેઠક'માં ભાગ લેવાના કારણે મંત્રી અમારી સાથે ઇન્ટરવ્યૂ માટે માટે હાજર નહોતા.

પરંતુ તેમણે એટલું કર્યું કે ગૃહ ઉપમંત્રી અને ખુફિયા વિભાગના પ્રમુખ મુલ્લા અબ્દુસ્સલામ ખાકસારને નિર્દેશ આપ્યો કે તેઓ અમારી સાથે વાત કરી લે.

મુલ્લા ખાકસરની 14 જાન્યુઆરી, 2006ના રોજ કંદહારમાં તેમના ઘર પાસે જ હત્યા કરી દેવાઈ હતી.

તાલિબાન

દરમિયાન ઇન્ટરવ્યૂ માટે અમારી ટીમ સમય કરતાં પહેલાં પહોંચી ગઈ. તમામ વ્યવસ્થા કર્યા પછી જ્યારે ગૃહ ઉપમંત્રી પહોંચ્યા તો તેમણે સૌથી પહેલા કૅમેરા બંધ કરવા કહ્યું. એ સમયે મેં કૅમેરામૅન અને પત્રકારની આંખોમાં નિરાશા અને ઉદાસી જોઈ.

જ્યારે ઇન્ટરવ્યૂ ખતમ થયું તો મેં મંત્રીને દાઢી વિશે પૂછ્યું. તેમણે મને પૂછ્યું કે, 'શું આ વિશે તમને કોઈએ પૂછ્યું છે?'

મેં મારી સાથે જે કંઈ પણ થયું હતું એ ઘટના જણાવી. આ સાંભળીને તેમણે એક અધિકારીને ફારસીમાં વાત કરી અને તેમને કંઈક કરવા માટે કહ્યું અને મને કહ્યું, "તમારી સાથે ફરી વાર આવું નહીં થાય."

મંત્રી તો જતા રહ્યા અને હું ઇન્ટરવ્યૂ બાદ એ વ્યક્તિની રાહ જોઈ રહ્યો હતો, જેણે મને ત્યાં રોકાવા કહ્યું હતું.

થોડી વાર પછી તે આવી અને મને એક કાગળનો ટુકડો આપ્યો. તેના પર લખ્યું હતું તે આશ્રર્ય પમાડનાર હતું.

તે ખરેખર 'દાઢી માટેની છૂટનું પ્રમાણપત્ર' હતું. અધિકારીએ કહ્યું કે જ્યારે પોલીસ 'દાઢી' વિશે પૂછે તો આ પ્રમાણપત્ર બતાવવાનું. મને વિશ્વાસ આપવામાં આવ્યો કે હવે જ્યારે હું પોલીસને મળીશ તો હું સુરક્ષિત અનુભવીશ. જોકે તેઓ મને પછી બીજી વાર નહોતા મળ્યા.


'યુએન ક્લબ'

https://www.youtube.com/watch?v=RotUN8rTfBE

જેમણે પણ તાલિબાનના શાસન (1996-2001)ના સમયગાળા પહેલાં કાબુલ જોયું છે, તેઓ કહી શકે કે તાલિબાનશાસન એકદમ 'શુષ્ક' હતું.

કાબુલ શહેરની રોનક એકદમ ખતમ થઈ ચૂકી હતી. સિનેમા, સંગીત અને સલૂનની તમામ દુકાનો બંધ થઈ ચૂકી હતી.

શહેરના જૂના રહીશો પલાયન કરી ચૂક્યા હતા. પાકિસ્તાની દૂતાવાસ સિવાય કોઈ અન્ય દેશના દૂતાવાસ કાર્યરત્ નહોતા.

એક વાર કાબુલ ચીડિયાઘરમાં જ્યારે અમે લોકોએ તસવીર લેવાની કોશિશ કરી તો પોલીસે કૅમેરા લઈ લીધો. કેટલાક કલાકો બાદ તમામ ઉપકરણો પરત કર્યાં, પરંતુ એક ચેતવણી સાથે પરત આપ્યાં કે, "ભવિષ્યમાં જો આવું થયું તો દયા કરવામાં નહીં આવે."

દિવસભર બહાર રહેવાના કારણે જે થાક હતો અને તેને દૂર કરવા અમે સાંજે યુએન ક્લબ જતા હતા.

ક્લબમાં માત્ર 'વિદેશી નાગરિકો'ને આવવાની મંજૂરી હતી અને એ પ્રકારે 'શુષ્ક કાબુલ'માં એક ઊર્જાભર્યો માહોલ અહીં જોવા મળતો.

અહીં વિદેશી પુરુષ અને મહિલાઓ એકસાથે ગપશપ કરતાં જોવાં મળતાં હતાં.

તાલિબાનશાસનમાં સ્વતંત્ર મીડિયા વિશે વિચારવું પણ મુંગેરીલાલનાં સપનાં જેવું હતું.

યુએન ક્લબ અફઘાનિસ્તાન વિશેની જાણકારી મેળવવાનો એકમાત્ર સ્રોત હતો. આ ક્લબમાં એ વિદેશીઓ આવતા, જેઓ વિવિધ બિન-સરકારી સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ માટે કામ કરતા હતા.

તેમની તહેનાતી અફઘાનિસ્તાનનાં વિવિધ રાજ્યોમાં હતી, જેઓ સ્થાનિક લોકો સાથે સેવામાં કાર્યરત્ હતા.

પરંતુ આ વિદેશીઓ આરામ અન મનોરંજન માટે કાબુલમાં કેટલોક સમય વિતાવતા હતા અને અમારી જેમ યુએન ક્લબ જ એક એવી જગ્યા હતી, જ્યાં આ બધું થઈ શકતું હતું.


'તોફાન પહેલાંની શાંતિ'

https://www.youtube.com/watch?v=24ZiD2sggzQ

એક કહેવત છે, 'તોફાન આવતાં પહેલાંની શાંતિ.'

કાબુલમાં દસ દિવસના પ્રવાસ દરમિયાન મને શહેરમાં એક સન્નાટો અનુભવાયો. જાણે કે કંઈક મોટું થયું છે અને લોકો માતમ મનાવી રહ્યા હોય અથવા કંઈક મોટું થવાનું હોય.

14 એપ્રિલ, 2001ના રોજ અમે તોરખમના માર્ગે પાકિસ્તાન પરત આવ્યા. આ યાત્રા મારી અગાઉની કોઈ પણ યાત્રા કરતા વધુ મહત્ત્વપૂર્ણ હતી. તાલિબાન દ્વારા કોઈ અસુવિધા નહોતી થઈ.

જોકે, 'તાલિબાન અને મીડિયા' રિપોર્ટે અફઘાનિસ્તાનમાં મીડિયાની સ્વતંત્રતા મામલે તાલિબાનના ચહેરાનો ઉઘાડો પાડી દીધો હતો.

આ રિપોર્ટને કારણે મારા દેશ પાકિસ્તાનની ખૂફિયા એજન્સીઓએ મને ઘણી યાતના આપી હતી, તેનો માત્ર 10મો ભાગ પણ મને કાબુલમાં નહોતો અનુભવાયો.

યાત્રાના પાંચ મહિનાથી ઓછા સમય પછી મેં કાબુલમાં જે સન્નાટો હતો તે અનુભવ્યો. તે અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001ના હુમલાથી તૂટ્યો.

એ હુમલા સાથે જ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારનો અંત આવી ગયો.

આજે લગભગ 20 વર્ષ બાદ તાલિબાને એક વાર ફરી 'વિજેતા' બનીને કાબુલમાં પ્રવેશ કર્યો છે અને હવે મને ચિંતા છે કે મને અફઘાનિસ્તાનના વિઝા પ્રાપ્ત કરવા માટે કદાચ ફરી ઇસ્લામાબાદમાં અફઘાનિસ્તાનના દૂતાવાસ ન જવું પડે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=zAZBedAiJDw

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Taliban used to buy makeup for their wives'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X