વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે?
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો લાંબા સમયનો વિવાદ હવે અત્યંત ગંભીર તબક્કામાં પહોંચી ગયો છે. મધ્ય પૂર્વમાં વધી રહેલી સૈન્ય હિલચાલ અને હુમલાઓને કારણે કૂટનીતિના રસ્તાઓ હવે ધીમે-ધીમે બંધ થઈ રહ્યા હોય તેવું જણાય છે.
આ આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર ભારત સહિત સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે. પેન્ટાગોને આ વિસ્તારમાં પોતાની '31st મરીન એક્સપિડિશનરી યુનિટ' તૈનાત કરતા ઈરાને આક્રમક વલણ અપનાવીને ખુલ્લી ચેતવણી આપી દીધી છે.

અમેરિકા અત્યારે મોટા પાયાના યુદ્ધને ટાળવા માંગે છે, પરંતુ જમીની સ્તરે તેમની સૈન્ય તૈયારીઓ કંઈક અલગ જ ઈશારો કરે છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ-બાકર ગાલીબાફે અમેરિકા પર છેતરપિંડીનો ગંભીર આરોપ લગાવતા વળતો પ્રહાર કરવાની તૈયારી બતાવી છે.
બીજી તરફ, યમનના હુથી વિદ્રોહીઓએ ઈઝરાયેલ પર સીધો મિસાઈલ હુમલો કરતા આ યુદ્ધનો વ્યાપ હવે અન્ય દેશો સુધી પણ વિસ્તરી રહ્યો છે. લાલ સાગરના મહત્વના શિપિંગ રૂટ્સ પર જોખમ વધતા વૈશ્વિક પરિવહન અને સુરક્ષા માટે મોટી ચિંતા ઊભી થઈ છે.
ઈરાન દ્વારા ખાડી દેશોના ઔદ્યોગિક એકમોને નિશાન બનાવવામાં આવતા એલ્યુમિનિયમના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકાયો છે. બહેરીન અને યુએઈના પ્લાન્ટ્સ પરની અસરને કારણે વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમ ચાર વર્ષની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયું છે.
ઔદ્યોગિક કાચા માલના ભાવ વધતા તેની સીધી અસર ભારતના કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ જોવા મળી રહી છે. ઈરાને કુવૈત, કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશોના મહત્વના સ્થળો પર બોમ્બમારો કરીને સ્થિતિ વધુ સ્ફોટક બનાવી છે.
આ ભયાનક સ્થિતિ વચ્ચે પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી જેવા દેશોએ ઈસ્લામાબાદમાં બેઠક યોજીને શાંતિ સ્થાપવા પ્રયાસ કર્યા હતા. જોકે, અમેરિકા કે ઈરાનમાંથી કોઈ પણ દેશ અત્યારે મધ્યસ્થી સ્વીકારવા તૈયાર ન હોવાથી શાંતિની આશા ધૂંધળી છે.
જેમ જેમ નવા દેશો આ સંઘર્ષમાં કૂદી રહ્યા છે, તેમ તેમ યુદ્ધવિરામની શક્યતાઓ ઓછી થતી જાય છે અને તણાવ વધતો જાય છે. હાલની પરિસ્થિતિ જોતા આ સંકટનો કોઈ ઝડપી કે કાયમી ઉકેલ આવશે તેવું દૂર-દૂર સુધી દેખાઈ રહ્યું નથી.












Click it and Unblock the Notifications
