• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પૂતળાં કેમ બાળવામાં આવ્યાં?

નેપાળ સરકારે પોતાના દેશના નાગરિકોને ચેતવણી આપતો સંદેશો પ્રસારિત કર્યો છે, જેમાં જણાવાયું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું સળગાવનારાં તત્ત્વો સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

નેપાળ સરકારે પોતાના દેશના નાગરિકોને ચેતવણી આપતો સંદેશો પ્રસારિત કર્યો છે, જેમાં જણાવાયું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું સળગાવનારાં તત્ત્વો સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસથી નેપાળની રાજધાની કાઠમંડુમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું બાળવાની સાથોસાથ ભારતવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આવા દેખાવોને અટકાવવા માટે નેપાળની સરકારે આ ચેતવણી જાહેર કરી છે.

નોંધવું જોઈએ કે છેલ્લાં થોડાં વરસોમાં ભારત અને નેપાળના સંબંધોમાં તણાવભરી સ્થિતિ ઊભી થવાનો આ પહેલો પ્રસંગ નથી.

અહીં સવાલ એ છે કે અચાનક એવું શું થયું છે કે જેના કારણે કાઠમંડુ સહિત અનેક જગ્યાએ ભારતવિરોધી સૂત્રોચ્ચાર થવા લાગ્યા છે?

આ પ્રશ્નનો જવાબ 30 જુલાઈ 2021માં ઘટેલી એ ઘટનામાંથી મળે છે જેમાં માત્ર તુઇન (નદીના બંને કિનારે બાંધેલા તારના દોરડા નીચે લટકતી ટ્રોલી)ના સહારે મહાકાલીનદીને ઓળંગતી વેળા જયસિંહ ધામી નામના એક નેપાળી યુવકનું મૃત્યુ થયું હતું.


ખરેખર શું બનેલું?

https://www.youtube.com/watch?v=Hc0IQGAq-4A

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત અને નેપાળ વચ્ચે સરહદવિવાદથી માંડીને અન્ય કેટલાક મુદ્દે તણાવભર્યા સંબંધો રહ્યા છે. એમાં મધેસી આંદોલનથી માંડીને લિપુલેખ અને કાલાપાની વિસ્તાર પરના હક્કના વિવાદનો સમાવેશ થાય છે.

પરંતુ તાજેતરના બનાવને લીધે, ભારત અને નેપાળના સંબંધોમાં અગાઉના બધા વિવાદોથી પડેલી તિરાડ વધુ પહોળી થઈ છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગઈ 30મી જુલાઈએ જયસિંહ ધામી નામનો નેપાળી યુવક ધારચુલા વિસ્તારમાં મહાકાલીનદીને એક તુઇન દ્વારા પાર કરતો હતો.

પરંતુ તે સામે કિનારે પહોંચવાને બદલે ગુમ થઈ ગયો હતો. હવે, ધામીના ખોવાયાની ઘટનાને કારણે નેપાળ અને ભારત વચ્ચે વિવાદ થયો છે.

બીબીસી નેપાળી સેવાના સંવાદદાતા સંજીવ ગિરિ જણાવે છે કે, "જયસિંહ ધામી નેપાળના ધારચુલા જિલ્લામાંથી ભારત જઈ રહ્યો હતો. તે એક તુઇનના સહારે મહાકાલીનદીને પાર કરતો હતો. નદી પરથી પસાર થતી વખતે પેલી તુઇન તૂટી ગઈ અને એ પછી ધામી અંગે કોઈ માહિતી મળી નથી.

"એ સમયે એ સ્થળ પર જે લોકો હાજર હતા તેમનો આક્ષેપ છે કે ભારતીય સીમાસુરક્ષાદળના સશસ્ત્ર સૈનિકોએ તુઇનને કાપી નાખી હતી, જેના પછી ધામી મહાકાલીનદીમાં પડી ગયો હતો. એ પછીથી એ લાપતા છે."

ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં સમાવિષ્ટ ધારચુલા સરહદી વિસ્તાર છે. મહાકાલીનદીની આ બાજુ ભારતીય ધારચુલા છે અને પેલી બાજુ નેપાળી ધારચુલા. આ વિસ્તારમાં વધારે પુલ નથી; એ કારણે સ્થાનિક લોકો તુઇનની મદદથી મહાકાલીનદીને પાર કરીને ગેરકાયદેસર ભારતમાં આવે છે.

આ ઘટના બની એ પહેલાં પણ મહાકાલીનદીના બંને કિનારે આ પ્રકારની ગેરકાયદેસર બનાવેલી ને ઉપયોગમાં લેવાતી તુઇન જોવા મળી છે અને પહેલેથી જ આવી તુઇન અથવા ટાયર પર બેસીને લોકો નદી પાર કરવાના પ્રયાસો કરતા રહ્યા છે.


શું કહે છે નેપાળ સરકાર?

આ ઘટના પછી નેપાળની રાજધાની કાઠમંડુથી માંડીને ધારચુલા સમેત ઘણી જગ્યાએ વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે; પરંતુ નેપાળ સરકારે ભારત પર કોઈ પ્રકારનું દોષારોપણ કર્યું નથી.

ગિરિ જણાવે છે કે, "ધામીના ગુમ થવાની ઘટનાની તપાસ માટે નેપાળ સરકારે એક સમિતિ બનાવી હતી જેણે પોતાનો અહેવાલ નેપાળના ગૃહમંત્રાલયને આપી દીધો છે. એ પછી ગૃહવિભાગ તરફથી પ્રસારિત કરાયેલા એક નિવેદનમાં એમ જણાવાયું છે કે આ ઘટના બની તે સમયે ભારતીય સશસ્ત્ર સીમાદળના સૈનિકો ઘટનાસ્થળે હાજર હતા."

આ વિવાદ સાથે જ નેપાળ સરકાર સામે કેટલાક પડકારો ઊભા થયા છે. આમ-જનતાની સાથેસાથે વિપક્ષી દળો દ્વારા નેપાળની સરકાર પર આરોપ મુકાઈ રહ્યો છે કે સરકારે આ મામલે ભારત સામે પૂરતો વિરોધ નોંધાવ્યો નથી.

આ ઘટના પછી એક ભારતીય હેલિકૉપ્ટરના નેપાળના સરહદીય વિસ્તારમાં ચક્કરો મારવાના કથિત આરોપોવાળા સમાચારોએ લોકોના ગુસ્સાને વધાર્યો છે.


નેપાળ સરકાર સામેના નવા પડકારો

ગિરિ જણાવે છે કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું બાળવાની ઘટના હેલિકૉપ્ટરના વિવાદ પછી જ બની છે.

તેઓ જણાવે છે કે, "ધામીની સાથે જે કંઈ થયું એ અંગેની અસ્પષ્ટતાને કારણે નેપાળના લોકો પહેલેથી જ નારાજ હતા. એમાં ભારતીય હેલિકૉપ્ટરે નેપાળના સરહદીય વિસ્તારમાં ચક્કર માર્યાંના સમાચાર ફેલાયા, જેના લીધે લોકો વધારે ગુસ્સે ભરાયા છે."

"આ આક્રોશના કારણે ગયા શુક્રવારે અલગઅલગ રાજકીય જૂથોનાં વિદ્યાર્થી સંગઠનોએ રસ્તા પર આવી જઈને આંદોલન કર્યું છે અને એમાંની એક નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના વિદ્યાર્થી સંગઠને પીએમ મોદીનું પૂતળું બાળ્યું છે."

સંજીવ ગિરિ રેખાંકિત કરતાં જણાવે છે, "લોકો એક તરફથી જયસિંહ ધામી વિષયમાં ન્યાયની માગણી કરે છે. તેના સમર્થનમાં રસ્તા પર પ્રદર્શન થઈ રહ્યાં છે. લોકો એ જાણવા માગે છે કે એ દિવસે ખરેખર શું બનેલું? પણ, હેલિકૉપ્ટરના વિવાદને લીધે લોકોનો આક્રોશ વધુ છે."

"તેઓ એમ કહે છે કે હેલિકૉપ્ટર નેપાળની સરહદમાં ધૂસી આવ્યું એ ખરેખર તો નેપાળની સરહદી બાબતોમાં હસ્તક્ષેપ છે. લોકો ઇચ્છે છે કે નેપાળની સરકાર આ બાબતને લઈને ભારતની સામે જોરદાર વિરોધ પ્રગટ કરે."

ગિરિ જણાવે છે કે બીબીસી નેપાળી સેવા સાથે વાતચીત કરતાં રાજન્યાયિક બાબતોના વિશેષજ્ઞોએ એમ જણાવ્યું હતું કે સરકારે કમ સે કમ ભારતીય રાજદૂતને સમન્સ મોકલવો જોઈતો હતો.

આ મુદ્દે નેપાળ સરકારે કહ્યું કે તેઓ વિદેશમંત્રાલયના માધ્યમથી વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એટલું જ નહીં, નેપાળ સરકારે ગયા સોમવારે આ બાબતે કથિતરૂપે ભારત સરકારને એક રાજદ્વારી સૂચના (નોટ) પણ આપી છે. જો કે હજી સુધી આ સમાચારને પુષ્ટિ મળી નથી.

નોંધવું જોઈએ કે આમ છતાં, નેપાળમાં થતાં પ્રદર્શન-આંદોલનને બંધ કરવા માટે સરકારે પ્રદર્શનકર્તાઓને ચેતવણી આપી છે કે જો આ પ્રવૃત્તિ ચાલુ રહેશે તો તેમની વિરુદ્ધ સખત પગલાં ભરવામાં આવશે.

ગિરિએ જણાવ્યું કે, "પૂતળાદહનને નેપાળ સરકારે નીંદનીય ઘટના કહીને તેનું પુનરાવર્તન ન થાય એ માટે નેપાળના 77 જિલ્લાના પ્રશાસકો અને નેપાળના સશસ્ત્ર પોલીસદળને સૂચિત કર્યાં છે."


આ ઘટનાઓ વિશે ભારત સરકાર શું કહે છે?

ભારત સરકાર તરફથી આ મુદ્દે હજી સુધી સ્પષ્ટ પ્રતિક્રિયા જોવા મળી નથી.

ગઈ બીજી સપ્ટેમ્બરે 'કાંતિપુર પ્રકાશન' સાથે જોડાયેલા એક પત્રકારે વિદેશમંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને પૂછેલું કે શું ભારત સરકાર તરફથી આ મામલે કોઈ તપાસ કરાઈ છે?

જવાબમાં બાગચીએ જણાવેલું કે આ બાબતે એમને સત્તાવાર રીતે કોઈ માહિતી નથી મળી.

બીબીસીએ પણ ધારચુલા અને પિથોરાગઢ વિસ્તારોના બધા અધિકારીઓ સાથે વાતચીત કરીને આ મુદ્દે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ કોઈ પણ અધિકારીએ આ મુદ્દે આધારભૂત કોઈ ટિપ્પણી આપી નહોતી.

ધારચુલા વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને નેપાળ-ભારતની સરહદ પર રહેતાં લોકોના પરસ્પરના રોટી-બેટીના સંબંધોને સમજનારા વરિષ્ઠ પત્રકાર યોગેશ ભટ્ટ એમ માને છે કે આ ઘટના માટે જે જનાક્રોશ દેખાઈ રહ્યો છે એમાં ભારત અને નેપાળની વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલતા તણાવની મહત્ત્વની ભૂમિકા છે.

ભટ્ટ જણાવે છે કે, "ભારત અને નેપાળ વચ્ચેના આ વિસ્તારમાં રોટી-બેટીનો પારસ્પરિક સંબંધ છે. લોકો પહેલેથી જ આ પારથી પેલે પાર જતા-આવતા રહ્યા છે. ક્યારેય આવો કોઈ વિવાદ થયો નથી. આ 30 જુલાઈની જે ઘટના છે, એ પણ એક રીતે તો દુર્ઘટના જ છે, જેને લઈને સામાન્ય રીતે આટલા મોટા સ્તરે વિરોધપ્રદર્શન ન થવાં જોઈએ."

પરંતુ, બંને દેશ વચ્ચે લાંબા અરસાથી ખેંચાખેંચ - તણાવ ચાલ્યા કરે છે. એવામાં આ મુદ્દે આટલો બધો વિરોધ પ્રગટ કરવામાં આવી રહ્યો છે. નોંધવું જોઈએ કે ભારત અને નેપાળ વચ્ચે આ વિસ્તારમાં એક પુલનું નિર્માણ કરવાનો કરાર થયો હતો.

એ પુલના નિર્માણથી મોટા જનસમુદાયને ફાયદો થશે. લગભગ અઢીસો કિલોમીટર ફરીને જવાનું બંધ થઈ જશે. આ પુલના નિર્માણ માટે ભારત તરફથી નાણાં પણ ફાળવી દેવાયાં હતાં પણ છેલ્લા કેટલાક સમયથી નેપાળ તરફથી કોઈ રસ દર્શાવાતો ન હોવાના કારણે આ યોજના હજી અધ્ધરતાલ છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why were the statues of Indian Prime Minister Narendra Modi burnt in Nepal?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X