પુણેમાં ચેમ્પિયન્સ પરાસ્ત, આ રહ્યાં ભારતની હારના કારણો
પુણે, 14 ઓક્ટોબરઃ ઓસ્ટ્રેલિયાની શાનદાર બેટિંગ અને બોલિંગના કારણે વિશ્વ ચેમ્પિયન્સ ભારતે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. પુણે ખાતે રમાયેલી સાત વનડે મેચોની શ્રેણીની પ્રથમ વનડેમાં ભારતને 72 રનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી આપવામાં આવેલા 305 રનના જવાબમાં ભારતીય ટીમ 49.4 ઓવરમાં 232માં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી માત્ર વિરાટ કોહલીએ 61 રનની ઇનિંગ રમી હતી, જ્યારે રોહિત શર્મા અને સુરેશ રૈના સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા નહોતા. કોહલી સિવાય રોહિત શર્માએ 42 અને સુરેશ રૈનાએ 39 રન બનાવ્યા હતા. બાકી તમામ બેટ્સમેન નિષ્ફળ નિવડ્યા હતા. ઓસ્ટ્રેલિયાની બોલિંગની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા તરફથી જેમ્સ ફાકનરે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ લીધી જ્યારે શેન વોટ્સન અને ક્લિંટ મૈકેએ 2-2 વિકેટ મેળવી હતી, હોજ, ફિંચ અને જ્હોનસનને એક-એક વિકેટ મળી હતી.
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બેલીએ 85 અને ફિંચે 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય હોજ 47, મેક્સવેલ 31 અને ફાકનરે 27 રનની ઇિનિંગ રમી હતી. ભારતની બોલિંગની વાત કરવામાં આવે તો પુણેમાં ભારતની બોલિંગ અત્યંત ખરાબ રહી હતી. ભારત તરફથી યુવરાજ સિંહ અને અશ્વિને બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે વિનય કુમાર, ઇશાંત શર્મા અને જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતના પરાજય પાછળ કઇ-કઇ બાબતો જવાબદાર છે.

શિખર ધવન નિષ્ફળ
છેલ્લા કેટલાક સમયથી ભારતને વેધક શરૂઆત અપાવનાર શિખર ધવન પુણેમાં પોતાના સ્વભાવ પ્રમાણે બેટિંગ કરી શક્યો નહોતો અને તે માત્ર સાત રન બનાવી આઉટ થતાં ભારત શરૂઆતથી જ દબાણમાં આવી ગયું હતું. જો ધવને મોટી ઇનિંગ રમી હોત તો કદાચ ભારતને આ કારમો પરાજયનો સામનો કરવો પડ્યો ના હોત. ફાકનરે શિખર ધવનની વિકેટ લીધી હતી. વિકેટ મેળવ્યા બાદ ઉત્સાહમાં જણાઇ રહેલો ફાકનર.

વિરાટ-રોહિતની ધીમી બેટિંગ
ઓસ્ટ્રેલિયા તરફથી 305 રનનો વિશાળ લક્ષ્ય મળ્યા બાદ શિખર ધવન ઝડપથી આઉટ થઇ ગયો હતો, ધવનની વિકેટ પડ્યાં બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ મજબૂતી અપાવવા પ્રયાસો કર્યાં પરંતુ એ દરમિયાન તેમની બેટિંગ ઘણી જ ધીમી હતી, જો તેમણે ઝડપથી રન બનાવ્યા હોત તો લક્ષ્ય નજીક પહોંચવામાં ભારતને સહેલાય રહી હોત અને મધ્યક્રમ પર દબાણ આવ્યું ના હોત.

મધ્યક્રમ લથડી ગયુ
પહેલાથી ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇનને મજબૂત માનવામાં આવે છે, પરંતુ પુણેમાં બેટિંગમાં ભારત કોઇ ખાસ કમાલ દેખાડી શક્યું નહતું. ભારતની ઓપનિંગ જોડી નિષ્ફળ નિવડ્યા બાદ મધ્ય ક્રમ પણ પોતાની કૌશલ્યતા પ્રમાણે બેટિંગ કરી શક્યું હનતું. યુવરાજ સિંહ-7, ધોની-19, જાડેજા-11 અને અશ્વિન-5 રન બનાવી પેવેલિયન ભેગા થઇ ગયા હતા.

બેટ્સમેનોની નિષ્ફળતા
ટી20માં ધમાકેદાર બેટિંગ કરનારા ટીમ ઇન્ડિયા પુણેમાં લય વગરની જણાઇ રહી હતી. શિખર ધવન, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજા સહિતના બેટ્સમેન પોતાની પ્રતિભા અનુસાર બેટિંગ કરી શક્યા નહોતા. જેના કારણે ભારત લક્ષ્ય સુધી પહોંચી શક્યું નહોતું.

ભાગીદારીનો અભાવ
ઓસ્ટ્રેલિયા તરફથી 305 રનનો લક્ષ્યાંક મળ્યો હોવા છતાં ભારતની એકપણ જોડી સારી ભાગીદારી કરવામાં નિષ્ફળ નિવડી હતી. એકમાત્ર સુરેશ રૈના અને વિરાટ કોહલી વચ્ચે 71 રનની ભાગીદારી નોંધાઇ હતી, જ્યારે અન્ય એકપણ જોડી 50 રનની ભાગીદારી પણ નોંધાવી શકી નહોતી.

અસરકારક બોલિંગનો અભાવ
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને રોકવામાં ભારતીય બોલર નિષ્ફળ રહ્યાં હતા. ભુવનેશ્વર કુમાર ટીમને સફળતાં અપાવવામાં નિષ્ફળ રહ્યાં બાદ અન્ય બોલર પણ કોઇ કમાલ દર્શાવી શક્યા નહોતા. ખાસ કરીને વિનય કુમાર, ઇશાંત શર્મા અને આર અશ્વિન. અશ્વિનને બાદ કરવામાં આવે તો વિનય અને ઇશાંતે 50 રનથી વધુ રન આપ્યા હતા. વિનય ગુમારે 68 અને ઇશાંત શર્માએ 56 રન આપ્યા હતા. જ્યારે અશ્વિને 10 ઓવરમાં 55 રન આપીને બે વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાની વેધક બોલિંગ
બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી વેધક બોલિંગ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના બોલર્સ શરૂઆતથી જ ભારતીય બેટ્સમેનો પર હાવી રહ્યાં. ફાકનરે ધવનની વિકેટ લઇને ભારતને મોટો ઝટકો આપ્યો હતો. તેણે ત્રણ વિકેટ લીધી હતી, ત્યારબાદ જાણે કે ભારતીય બેટ્સમેનો ઓસ્ટ્રેલિયાના બોલર્સ સામે ઘૂંટણીએ પડી ગયા હોય તેમ જણાતું હતું. શેન વોટ્સન અને ક્લિંટ મૈકેએ 2-2 વિકેટ મેળવી હતી, હોજ, ફિંચ અને જ્હોનસનને એક-એક વિકેટ મળી હતી.

ઓસ્ટ્રેલિયાની શાનદાર શરૂઆત
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહીહતી. હોજ અને ફિંચે પહેલી વિકેટ માટે 110 રનની ભાગીદારી નોંધાવી હતી. જેનો ફાયદો ઓસ્ટ્રેલિયાની ટીમને મળ્યો અને તેના બેટ્સમેન કોઇપણ પ્રકારના દબાણ વગર ભારત સામે મજબૂત લક્ષ્યાંક મુકવામાં સફળ રહ્યાં હતા. આ ઉપરાંત જ્યોર્જ બેલીએ પણ 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

જીતની ઉજવણી કરી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી
ભારતની અંતિમ વિકેટ પડતાંની સાથે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ જીતની ઉજવણી કરી હતી.

ફિંચ અને હેડિંન ઉત્સાહના મૂડમાં
પુણેમાં ભારત સામેની પ્રથમ વન્ડેમાં જીત મળ્યા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડી ફિંચ અને હેડિન ઉત્સાહના મૂડમાં જણાઇ રહ્યાં હતા.