IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય
IND vs NZ T20 World Cup Final: ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ રવિવાર, 8 માર્ચના રોજ ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં સામસામે ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ પર તમામ ચાહકોની નજર ટકેલી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત પાસે સતત બીજો ખિતાબ જીતીને ઇતિહાસ રચવાની તક છે, જ્યારે કીવી ટીમ તેની પ્રથમ ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે પૂરી તાકાત લગાવશે.

લાઈવ મેચ જોવાની રીત (IND vs NZ T20 World Cup Final)
ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ આ મેચનું સીધું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 2 અને વિવિધ પ્રાદેશિક ભાષાઓ) પર જોઈ શકે છે. ડિજિટલ માધ્યમો પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. આ સાથે જ આકાશવાણી (AIR) પર મેચની લાઈવ કોમેન્ટ્રી સાંભળી શકાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ભારતીય ટીમની અત્યાર સુધીની સફર
સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતીય ટીમની સફર ઘણી ઉતાર-ચઢાવવાળી રહી છે. ગ્રુપ સ્ટેજમાં અજેય રહ્યા બાદ, સુપર-8માં ટીમને દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદના આ જ મેદાન પર હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ભારતનો 12 મેચોનો વિજયરથ અટક્યો હતો. જોકે, ટીમે ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામેના 'કરો યા મરો' મુકાબલામાં સંજુ સેમસનની અણનમ 97 રનની ઈનિંગના દમ પર શાનદાર વાપસી કરી હતી.
સેમિફાઈનલમાં ખડક્યો રનનો પહાડ
સેમિફાઈનલમાં વાનખેડેના મેદાન પર ભારતે બેટિંગની નવી વ્યાખ્યા લખતા 253/7નો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જે વર્લ્ડ કપ નોકઆઉટ ઈતિહાસનો સૌથી મોટો ટોટલ છે. ઈંગ્લેન્ડના જેકબ બેથેલની શાનદાર સદી હોવા છતાં, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાની ધારદાર બોલિંગે ભારતને 7 રનથી રોમાંચક જીત અપાવી હતી.












Click it and Unblock the Notifications
