BCCIની મોટી જાહેરાત: યુવા ખેલાડીઓ માટે ખોલ્યો ખજાનો, U19 વર્લ્ડ ચેમ્પિયન ટીમ પર કરોડો રૂપિયાનો વરસાદ
BCCI Announces Prize Money: ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટીમને મોટા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.

BCCI સચિવ દેવજીત સૈકિયાએ શનિવારે જણાવ્યું કે, વિશ્વ વિજેતા ટીમ, તેના ટેકનિકલ સ્ટાફ અને પસંદગી સમિતિ માટે કુલ ₹7.5 કરોડની ઇનામી રકમ નક્કી કરવામાં આવી છે.
ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતેની ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને 100 રનના મોટા અંતરથી પરાજિત કરી ટ્રોફી જીતી. આ વિજય સાથે ભારતે અંડર-19 પુરુષ વિશ્વ કપમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખી છઠ્ઠી વાર ખિતાબ પોતાના નામે કર્યો.
ભારતની આ જીતનો પાયો 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ફાઇનલમાં શાનદાર સદી ફટકારીને નાખ્યો. ભારતીય ખેલાડીઓના દમદાર પ્રદર્શનમાં કેપ્ટન આયુષ મ્હાત્રેના 53 રન અને વિકેટકીપર અભિજ્ઞાન કુંડુના 40 રન પણ સામેલ હતા.
આ યોગદાનના જોરે ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 411/9નો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં ઇંગ્લેન્ડની શરૂઆત સારી હોવા છતાં, મધ્યક્રમના ધબડકાને કારણે તેઓ લક્ષ્યથી દૂર રહી ગયા. ઇંગ્લેન્ડ માટે કેલેબ ફાલ્કનરે 115 રનની લડાયક ઇનિંગ્સ રમી, પરંતુ તે ટીમને હારમાંથી ઉગારી શક્યો નહીં.
IANS સાથે વાત કરતા, BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે, "ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાયેલ વિશ્વ કપ જીતનારી ભારતીય ટીમને 7.5 કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. અમે ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને પસંદગી સમિતિ વચ્ચે આ રકમના વિભાજનની વિગતો પર કામ કરી રહ્યા છીએ."
તેમણે X પર ટીમને અભિનંદન આપતા ઉમેર્યું કે, "આ સિદ્ધિ અમારા ઘરેલુ માળખા, ઉત્કૃષ્ટ કોચિંગ કાર્યક્રમો અને પ્રતિભા ઓળખ પ્રક્રિયાની મજબૂતી દર્શાવે છે."












Click it and Unblock the Notifications
