ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય
IPL 2026: વિશ્વભરના ક્રિકેટ ચાહકો આઈપીએલ 2026ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવે આ મોટી ટુર્નામેન્ટ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. દરેક જગ્યાએ બસ એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે શું યુદ્ધના કારણે આઈપીએલને સ્થગિત કરી દેવામાં આવશે?
આ તમામ ચર્ચાઓ અને ડર વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આઈપીએલ 2026 તેના નિર્ધારિત સમયપત્રક મુજબ જ શરૂ થશે. બોર્ડે અગાઉથી જ પ્રથમ 20 મેચોનું શિડ્યુલ જાહેર કરી દીધું છે, જેની શરૂઆત 28 માર્ચના રોજ બેંગલુરુમાં થશે.

'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'માં છપાયેલા એક અહેવાલ મુજબ રાજીવ શુક્લાએ જણાવ્યું કે, "આઈપીએલ તેના નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે. અમે અત્યારે 20 મેચોનું શિડ્યુલ જાહેર કર્યું છે. બાકીની મેચોનું શિડ્યુલ ચૂંટણી પંચ દ્વારા રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ જાહેર કરવામાં આવશે."
હવાઈ મુસાફરી પર અસર
જોકે બોર્ડે ટુર્નામેન્ટ શરૂ કરવાનો ભરોસો આપ્યો છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કેટલાક પડકારો ચોક્કસપણે ઉભા થયા છે. મિડલ ઈસ્ટમાં તણાવને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો પણ થોડા દિવસો સુધી ભારતમાં અટવાઈ પડી હતી. આવી સ્થિતિમાં વિદેશી ખેલાડીઓનું સમયસર ભારત પહોંચવું અને પરત જવું તે બોર્ડ માટે માથાનો દુખાવો બની શકે છે.
LPGની અછત સર્જાશે તો મુશ્કેલી વધશે
આ ઉપરાંત, કેટલાક અહેવાલોમાં દેશની અંદર એલપીજી (LPG) અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય ચેઈન પ્રભાવિત થવાની વાત પણ કહેવામાં આવી છે. આઈપીએલ દરમિયાન ખેલાડીઓ અને સ્ટાફ માટે મોટી સંખ્યામાં હોટલ બુક કરવામાં આવે છે, તેથી લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ આ વખતે પડકારજનક બની શકે છે.
BCCIની 'વેઈટ એન્ડ વોચ' પોલિસી
બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓ સતત વૈશ્વિક પરિસ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે. બોર્ડના સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પણ હોટલ કે એરલાઇન્સ પાર્ટનરે લેખિતમાં કોઈ ચિંતા વ્યક્ત કરી નથી. સુરક્ષા અને સુવિધાઓને લઈને બોર્ડ સંપૂર્ણ સતર્ક છે. જો ભવિષ્યમાં સ્થિતિ વધુ બગડશે, તો બોર્ડ પાસે 'પ્લાન-બી' (વૈકલ્પિક યોજના) પણ તૈયાર છે.












Click it and Unblock the Notifications
